જરથોસ્તી વિચારધારામાં અમરતાત અથવા અમરદાદ સાતમા અમેશા સ્પેન્ટા છે, જે અહુરા મઝદાનો એક દિવ્ય ગુણ છે અને જે વનસ્પતિ તથા અમરત્વના આધ્યાત્મિક આદર્શ સાથે સંકળાયેલો છે. દરેક અમેશા અમેશાઅહુરા મઝદાની એક શુભ સૃષ્ટિનું રક્ષણ કરે છે અને પ્રકૃતિના દરેક તત્વમાં સર્જનહારની હાજરીને પ્રતિબિંબિત કરે છે. અમરદાદ દ્વારા વનસ્પતિ માત્ર શારીરિક પોષણ પૂરતું નથી રહેતું, પરંતુ સતતતા, પુનર્જાગૃતિ અને પરાત્પરતાનું પ્રતીક બની જાય છે.
બધી જ વનસ્પતિઓમાં દાડમનું વૃક્ષ વિશેષ આદરનું સ્થાન ધરાવે છે. દરેક છોડ સન્માનનીય હોવા છતાં, દાડમને અવેસ્તામાં ખાસ રીતે ઉર્વરમ તરીકે ઓળખવામાં આવ્યું છે, જેનો અર્થ એવું વૃક્ષ જે પૃથ્વી પરના તમામ પોષણ આપતા છોડનું પ્રતિનિધિત્વ કરે છે. આ કારણે ભારત અને ઈરાનમાં આતશ બહેરામ અને દર-એ-મેહેરના પરિસરમાં પરંપરાગત રીતે દાડમના વૃક્ષો ઉગાડવામાં આવે છે.
દાડમ લાંબા સમયથી પ્રજનનશક્તિ, સમૃદ્ધિ અને પ્રકૃતિની સર્જનાત્મક શક્તિનું પ્રતીક રહ્યું છે. નાહન વિધિના સ્નાન દરમિયાન શરીર અને મનને શુદ્ધ કરવા માટે તેના પાન ચાવવાની પરંપરા છે. આ ફળ ધાર્મિક વિધિઓમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને જરથોસ્તી ઘરોમાં નવરોઝની મેજ તથા સગનની સેસનો અભિન્ન ભાગ છે. અનેક પરિવારો સારા આરોગ્ય અને સમૃદ્ધિના પ્રતીક તરીકે દાડમમાં અડધી ચાંદીની સિક્કી દબાવી રાખે છે.
વનસ્પતિશાસ્ત્ર મુજબ દાડમ પુનિકેસી પરિવારનું સદાબહાર ઝાડ અથવા નાનું વૃક્ષ છે, જેમાં ગાઢ લાલ, જીવનદાયી રસ અને અસંખ્ય દાણા હોય છે, જે પ્રજનનશક્તિ અને અમરત્વનું પ્રતીક માનવામાં આવે છે. ઈરાનમાં સૂકવેલા દાડમ આશીર્વાદ અને દિવ્ય કૃપાનું સૂચક ગણાય છે. પ્રાચીન જરથોસ્તી ગ્રંથોમાં મૃત્યુશય્યાએ પડેલા વ્યક્તિના મોઢામાં હૌમા રસના થોડા ટીપાં મૂકવાની વિધિ વર્ણવાઈ છે; જો હૌમા ઉપલબ્ધ ન હોય તો દાડમનો રસ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.
જરથોસ્તી ધર્મ, અન્ય અનેક પૂર્વીય પરંપરાઓની જેમ, ઔષધીય ગુણ ધરાવતા છોડને પવિત્ર માને છે. દાડમનું લેટિન નામ માલુમ ગ્રેનાટમ છે, જેનો અર્થ દાણેદાર સફરજન થાય છે. ફ્લેવોનોઇડસથી સમૃદ્ધ આ ફળ હૃદયરોગ, સોજા અને કેટલાક કેન્સરથી રક્ષણ આપે છે. ચીની ચિકિત્સામાં તેને દીર્ઘાયુનું ફળ માનવામાં આવે છે, જ્યારે ભારતમાં તેને શક્તિશાળી આહાર-ઔષધિ તરીકે મૂલ્ય આપવામાં આવે છે. આયુર્વેદે હજારો વર્ષોથી તેના મૂળ, છાલ, પાંદડા, છાલના આવરણ અને દાણા સહિત વૃક્ષના દરેક ભાગનો ઉપયોગ કર્યો છે, જે પરોપજીવી ચેપથી લઈને પાચન સંબંધિત રોગો સુધીના ઉપચારમાં ઉપયોગી છે.
આ જ રીતે સાઈપ્રસનું વૃક્ષ પણ અત્યંત આદરપાત્ર છે, જે જીવન અને સહનશક્તિનું સદાબહાર પ્રતીક છે. ઈરાનના શિયાળુ અયનાંત, યલદા નાઈટ સાથે સંકળાયેલું આ વૃક્ષ અંધકાર સામે પ્રકાશ અને સ્થિરતાનું પ્રતિનિધિત્વ કરે છે. યઝદના અનેક જરથોસ્તી ગામોમાં પ્રાચીન સાઈપ્રસ વૃક્ષોને રક્ષક તરીકે માન આપવામાં આવે છે, જેમાં ચામ ગામનું આશરે 1,500 વર્ષ જૂનું વૃક્ષ અને અબર-કોહનું આશ્ચર્યજનક 5,000 વર્ષ જૂનું સાઈપ્રસ વૃક્ષ સામેલ છે, જે એશિયામાં સૌથી પ્રાચીન જીવંત જીવનરૂપોમાંનું એક માનવામાં આવે છે.
- નૈનાઝ મુનસફની નવી મોનાજાતે વિશ્વભરના દિલોને સ્પર્શ્યા - 17 January2026
- ડબ્લ્યુઝેડઓ (ઇન્ડિયા)ના સભ્યોએ8 આતશ બહેરામની યાત્રાથીનવા વર્ષની શરૂઆત કરી - 17 January2026
- આશા વહીશ્તા દાદગાહનો 8મો સાલગ્રેહ ઉજવાયો - 17 January2026
