પાંચ ગેહનો આધ્યાત્મિક સાર સમજીએ

જરથોસ્તી ફિલસૂફી મુજબ સમય કોઈ સામાન્ય માપદંડ નથી, પરંતુ તે એક પવિત્ર લય છે – ઊર્જા અને ચેતનાનો અવિરત પ્રવાહ, જે સર્જનના દૈવી નિયમને પ્રતિબિંબિત કરે છે. 24 કલાકનો દિવસ માત્ર કલાકોનો માપ નથી, પરંતુ તે ચેતનાનું એક આધ્યાત્મિક ચક્ર છે. માનવ જીવનને આ દૈવી લય સાથે સુમેળમાં લાવવા માટે દિવસને પાંચ ગેહ (અથવા ગાહ)માં વહેંચવામાં આવ્યો છે, જેમાં દરેક ગેહ ચારથી પાંચ કલાકનો હોય છે.
પ્રથમ બે ગેહ – ઉશાહિન ગેહ અને હાવન ગેહ – લાંબા ગણાય છે, કારણ કે મોટા ભાગની ધાર્મિક વિધિઓ આ સમયગાળામાં કરવામાં આવે છે. પ્રાચીન ઉત્તર ઈરાનમાં, જ્યાં શિયાળાના દિવસો ટૂંકા હતા, ત્યાં પુરોહિતો વિધિઓ પૂર્ણ કરી શકે તે માટે રપીથવન ગેહ રાખવામાં આવતો ન હતો અને હાવન ગેહને લંબાવવામાં આવતો. આજ સુધી આ પ્રાચીન પરંપરા જીવંત છે. આવાં માહના હોરમઝદ રોજથી વહિશ્ટોઈશ્ટ ગાથા સુધી, જે ફસલ કે ઋતુ કેલેન્ડર મુજબ શરદથી વસંત સુધીનો સમયગાળો ગણાય છે, રપીથવન ગેહના સ્થાને બીજો હાવન ગેહ મનાવવામાં આવે છે.
દરેક ગેહ દિવસની એક અલગ આધ્યાત્મિક ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે, જે ચોક્કસ દૈવી શક્તિના અધિપત્ય હેઠળ હોય છે અને પ્રાર્થના તથા આત્મચિંતન માટે અનોખી તક આપે છે.
હાવન ગેહ: દિવસની શરૂઆતનો સમય ગણાય છે, જે હોમા (પવિત્ર છોડ) પીસવાની વિધિ સાથે જોડાયેલો છે. આ ગેહ પર મિથ્ર યઝતનું અધિપત્ય છે, જે પ્રકાશ અને ન્યાયના દેવતા છે. આ સમય મનને જ્ઞાન, સત્ય અને ન્યાયના પ્રકાશથી ઉજ્જવળ કરવાની અને ઉન્નત વિચાર સાથે દિવસની શરૂઆત કરવાની પ્રેરણા આપે છે.
રપીથવન ગેહ: મધ્યાહ્નનો સમય, જે અરદીબહેસ્ત અમેશાસ્પંદના અધિપત્ય હેઠળ છે – સત્ય, ધર્મ અને ઉપચારના દેવતા. આ સમય શરીર અને મનને આરામ આપવા, આભાર વ્યક્ત કરવા અને સંતુલન પુન:સ્થાપિત કરવા માટે શ્રેષ્ઠ ગણાય છે. આરોગ્ય અને ઉપચાર સંબંધિત પ્રાર્થનાઓ માટે આ સમય ખાસ અનુરૂપ છે.
ઉજીરન ગેહ: બપોર બાદનો સમય, જેને દિવસનો ઉચ્ચ ભાગ કહેવાય છે. આ ગેહ પર બેરોઝ યઝતનું અધિપત્ય છે, જે અહુરમઝદના મહાન આત્માનું પ્રતીક છે. આ સમય સવારે શરૂ કરેલા કાર્યો પૂર્ણ કરવા અને સંતોષની લાગણી મેળવવાનો છે.
એઇવિસ્રુથ્રેમ ગેહ: સાંજ પડતાં આ ગેહનો સમય શરૂ થાય છે. પવિત્ર ફ્રવશી – રક્ષક આત્માઓ – આ ગેહના અધિપતિ છે. આ સમયે પૂર્વજોની યાદ કરવી, ભજન ગાવાં અને તેમના આશીર્વાદ માગવા માટે આદર્શ સમય ગણાય છે.
ઉશાહિન ગેહ: મધરાતથી સૂર્યોદય સુધીનો સમય સરોશ યઝતના અધિપત્ય હેઠળ આવે છે, જે જીવિત અને વિદેહ આત્માઓના રક્ષક તેમજ અંતરાત્માની અવાજ છે. આ સમય પ્રાર્થના, ધ્યાન અને આધ્યાત્મિક જાગૃતિ માટે સૌથી પવિત્ર ગણાય છે. આ ગેહના અંતિમ 72 મિનિટ, જેને હોશબામ સમય કહે છે, દરમિયાન હોશબામ પ્રાર્થના કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. પરંપરાગત રીતે મધરાત પછી માત્ર યથા, અષેમ અને યેન્ઘે હાથમ પ્રાર્થનાઓ બોલાય છે, કારણ કે અન્ય વિધિઓ અંધકારના સમયગાળામાં ટાળવામાં આવે છે. પશ્ચિમ ભારતમાં ગેહો આ પ્રમાણે મનાય છે: હાવન ગેહ સૂર્યોદયથી બપોરે 12 વાગ્યા સુધી, રપવીથવન ગેહ બપોરે 12 થી 3 વાગ્યા સુધી, ઉજીરન ગેહ 3 વાગ્યાથી સૂર્યાસ્ત સુધી, એઇવિસ્રુથ્રેમ ગેહ સૂર્યાસ્તથી મધરાત સુધી, અને ઉશાહિન ગેહ મધરાતથી સૂર્યોદય સુધી. આ પાંચ ગેહો આપણને યાદ અપાવે છે કે સમય પોતે જ પવિત્ર છે – આત્માની યાત્રાનો એક અવિરત ચક્ર, જ્યાં દરેક થોડા કલાકે માણસને દૈવી સાથે પુન:સંબંધ સ્થાપિત કરવાની તક મળે છે.

Leave a Reply

*