બેગ્લોરની દરેમહેરનો શતાબ્દી ઉત્સવ-ભાવભરી પ્રાર્થનાઓ અને સમુદાયની વિશાળ ભાગીદારી સાથે ઉજવણી

બેંગ્લોરની બાઈ ધનમાઈ અને કાવસજી દાદાભાઈ દરેમહેરેે 14મી જાન્યુઆરી, 2026ના રોજ પોતાનો 100મો સાલગ્રેહ ભાવભર્યા ભક્તિભાવ અને મજબૂત સમુદાયિક ભાગીદારી સાથે ઉજવ્યો. વહેલી સવારથી જ ભક્તો આ ઐતિહાસિક પ્રસંગમાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા હતા. સવારે 10:00 વાગ્યે વડા દસ્તુરજી તેહેમતન બરજોર મીરઝાના માર્ગદર્શન હેઠળ બાર મોબેદોએ ચાર કરદાનું ખુશાલીનુ જશન સંપન્ન કર્યું. પ્રાર્થના હોલ સંપૂર્ણ ભરાઈ જતા, શામિયાના અને પરિસરમાં લાઈવ ટીવી પ્રસારણ જેવી વધારાની વ્યવસ્થાઓ કરાઈ, જેથી વધુ ભક્તો કાર્યક્રમમાં જોડાઈ શક્યા. સવારનો કાર્યક્રમ હમબંદગી પ્રાર્થનાઓ સાથે પૂર્ણ થયો, ત્યારબાદ સગનની સેવ, દહીં અને ચાશ્નીનું પરંપરાગત વિતરણ કરવામાં આવ્યું.
પછી સભા લેડી જહાંગીર કોઠારી મેમોરિયલ હોલમાં યોજાઈ, જ્યાં વડા દસ્તુરજી મીરઝાંએ દરેમહેરની સ્થાપનાની પૃષ્ઠભૂમિ વર્ણવી. તેમણે યાદ અપાવ્યું કે સંજાણા ટોળાના બે મોબેદ – એર. બહેરામજી જમશેદજી ઉનવાલા અને એર. જમશેદજી રૂસ્તમજી કટીલા – પવિત્ર સાધનો સાથે સેઠ દિનશા કાવસજી સાથે બેંગલુરૂ આવ્યા હતા. ત્રણ દિવસ સુધી ઉચ્ચ ધાર્મિક વિધિઓ કર્યા બાદ ચોથા દિવસે પવિત્ર અગ્નિનું સ્થાપન થયું અને ત્યારબાદ ડેકન અને માલવાના વડા ધર્મગુરૂના માર્ગદર્શન હેઠળ જશન સંપન્ન થયું. તેમણે અગ્નિ અને ધર્મગુરૂ પદની પવિત્રતા ઉપર ભાર મૂક્યો અને સંસ્કારિત અગ્નિઓ, ધર્મગુરૂ શિક્ષણ તથા યુવાનોની સંલગ્નતા માટે સતત સહયોગ આપવાની અપીલ કરી. ત્યારબાદ પ્રશ્ર્નોેત્તરી સત્ર યોજાયું.
સ્થાપકના પૌત્ર દિનશા કે. કાવસજીના નેતૃત્વ હેઠળ 2025માં પૂર્ણ થયેલા મહત્વપૂર્ણ જાળવણી અને પુન:સ્થાપન કાર્યએ દરેમહેરની ગૌરવમય પરંપરાને જાળવી રાખી. તેમના વતી નોશીર દાદરાવાલાએ ધર્મગુરૂ સંબંધિત પહેલો માટે રૂ. 25 લાખનું દાન જાહેર કર્યું. તાજ દ્વારા તૈયાર કરાયેલ સમુદાયિક ભોજનનો સૌએ આનંદ લીધો.
સાંજના કાર્યક્રમો તાજ ખાતે યોજાયા, જેમાં નોશીર એચ. દાદરાવાલાનું મુખ્ય પ્રવચન રહ્યું. તેમણે રોજિંદા જીવનમાં જરથોસ્તી મૂલ્યોને સમાવી લેવા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે પ્રાર્થનાનો સાચો અર્થ ત્યારે ઊભરે છે જ્યારે તે સાથે ખરો પ્રયત્ન અને જવાબદાર ક્રિયા જોડાય. પ્રેમ, કૃતજ્ઞતા અને દૈવી સાથેના જોડાણ પર આધારિત શ્રદ્ધાને પ્રોત્સાહન આપતાં તેમણે અહુરા મઝદાને જ્ઞાન અને કરૂણાના મહાસાગર તરીકે વર્ણવ્યા. શતાબ્દી ઉજવણી કોકટેલ્સ અને ભવ્ય રાત્રિભોજન સાથે આત્મિય સૌહાર્દમાં પૂર્ણ થઈ.

Leave a Reply

*