એસીપી સાયરસ ઇરાનીને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત

પારસી સમુદાય માટે ગૌરવની ક્ષણ બની, જ્યારે એસીપીસાયરસ બોમન ઇરાનીને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ મેડલ ફોર ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસથી સન્માનિત કરવામાં આવ્યા. ભારતીય પોલીસ સેવામાં આપવામાં આવતા સર્વોચ્ચ સન્માનોમાંનું એક ગણાતા આ પુરસ્કાર, ઈમાનદારી, સમર્પણ અને ઉત્તમ જાહેર સેવાથી ઘડાયેલા તેમના કારકિર્દીજીવનનો પુરાવો છે. આ પુરસ્કાર માત્ર તેમને જ આપવામાં આવે છે, જેમને અગાઉ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ પ્રાપ્ત થયો હોય અને જેમના યોગદાનનું રાજ્ય તથા કેન્દ્ર સરકારની સમિતિઓ દ્વારા કડક મૂલ્યાંકન કરવામાં આવે છે.
એસીપી સાયરસ ઇરાનીને 2019માં તેમના ઉત્તમ કાર્ય અને સમર્પણ બદલ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ આપવામાં આવ્યો હતો. આ તાજા સન્માન સાથે, તેઓ એક દુર્લભ અને વિશિષ્ટ યાદીમાં સ્થાન પામે છે – સ્વાતંત્ર્ય પછી આ મેડલ શરૂ થયા બાદ મુંબઈ પોલીસમાંથી માત્ર બે પારસી અધિકારીઓને જ આ સન્માન અગાઉ મળ્યું છે.
આ પ્રસંગે પારસી ટાઈમ્સ સાથે વાત કરતાં એસીપી સાયરસે કહ્યું, આ તમામ સન્માનોનો શ્રેય હું મારા પરિવારને આપું છું-ખાસ કરીને મારી પત્ની દિલનાઝ અને દીકરી બીનાઈશાને, જેમણે હંમેશા મારી સાથે મજબૂત રીતે ઊભા રહીને મને દરરોજ વધુ સારું બનવા પ્રેરિત કર્યો છે. મારી મા, પિતા અને કાકા યાદ આવે છે; તેઓએ મારી આ સિદ્ધિઓ પર ખૂબ ગર્વ અનુભવ્યો હોત. હું આજે જે છું તે મારા કાકા એસીપી હોમી ઇરાનીની પ્રેરણાના કારણે છું, જેમણે મને પોલીસ દળમાં જોડાવા પ્રેર્યો હતો અને મારા મોટા ભાઈ એસીપી કયોમર્ઝ ઇરાની જે મારા માર્ગદર્શક અને મેન્ટર હતા જેઓ બાળપણથી મારા આદર્શ હતા. નિવૃત્તિ બાદ કદાચ ભારતીય પોલીસ દળમાં કોઈ પારસી અધિકારી ન રહે આ વિચાર ખૂબ નિરાશાજનક છે.
એસીપી સાયરસ બોમન ઇરાનીની કારકિર્દી સાહસ, ઈમાનદારી અને ઉત્તમ નેતૃત્વનું પ્રતિબિંબ છે, જે દાયકાઓની વિશિષ્ટ જાહેર સેવા દ્વારા ઘડાઈ છે. 1993ના કોમ્યુનલ રમખાણો બાદ તેમણે સર જે.જે. માર્ગ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તરીકે કારકિર્દી શરૂ કરી અને શાંતિ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી. ડિસેમ્બર 1999માં, તેમણે 36 વાહનોના કાફલા સાથે સંજાણથી મુંબઈ સુધી પવિત્ર અગ્નિની પાવન યાત્રાનું નેતૃત્વ કર્યું, જેના પરિણામે ગોદરેજ બાગ આગિયારીમાં તેની સ્થાપના થઈ. એસીપી સાયરસના પત્ની દિલનાઝ અને દીકરી બીનાઈશા સાથે ગોદરેજ બાગમાં નિવાસ કરે છે.

Leave a Reply

*