ઘડપણ કોણે રે મોકલ્યું, બે જણને જોઈએ કેટલું?
દીકરીને જમાઇ લઈ ગયાં અને દીકરાને વહુ લઈ ગઈ!
અંતે તો આપણે બેજ રહ્યાં!
એક છાપું, એક દૂધની થેલી ને રોજ
એક માટલું પાણી, આપણે તો બહુ થયું,
ચા-ખાંડના ડબ્બા, કોફીની ડબ્બી પણ માંડ ખાલી થાય,
કોલગેટ દોઢ મહિનો ચાલે ને
મહિનો ચાલે એંશી ગ્રામ લક્સની એક ગોટી,
સો ગ્રામ શેમ્પુ તો કાઢ્યું ન ખૂટે,
જમવામાં શાક હોય તો દાળ વિના ચાલે
ને ફક્ત દાળ હોય તોય ભયોભયો!!!
ખીચડી એટલે બત્રીસ પકવાન ને
છાશ હોય પછી જોઈએ શું!!!
સો ફ્લાવર, ત્રણસો દૂધી, અઢીસો બટાકા,
ચાર પત્તી ભાજી, આદુ-લીંબુ-ધાણા થયું અઠવાડિયાનું શાક,
ત્રણ મણ ઘઉં વરસ દિ ચાલે ને
પાંચ કિલો ચોખા નાખ-નાખ થાય!!!
ન કોઈ ખાસ મળવા આવે પછી મુખવાસનું શું કામ!!!
નાની તપેલી, નાની વાડકી, નાની બે થાળી, આમ
આઠ-દસ વાસણો માંડ વપરાય
તે એક વિમ બે દોઢ મહિને માંડ ઘસાય.
વળી રોજ ધોવામાં હોય ચાર કપડાં
તે કિલો નિરમા મહિને કાઢ્યો ન ખૂટે!!!
કોપરેલની એક શીશી એક મહિનો ચાલે ને
પફ-પાવડર તો ક્યારના ભૂલાઈજ ગયાં!!!
પણ પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય, આપો એટલાં ઓછા
ઠસોઠસ હસાહસી જજને હોહા તો લાવલાવ થાય,
એટલેજ પ્રેમ અને સ્નેહ લઈને
બધાં બે-ત્રણ વરસે ઊડીને આવે,
ઝટ્ટ આવશું, જરૂર આવશું કહી જાય,
તે પલકારામાં બે જણ પાછાં હતાં એવાં થઇ જાય,
પછી પાછી એજ રટણ પડઘાય,
બે જણને જોઈએ કેટલું???
દીકરીને જમાઇ લઈ ગયાં અને દીકરાને વહુ લઈ ગઈ!
અંતે તો આપણે બેજ રહ્યાં, આજનું સનાતન સત્ય
ઘરઘરની કહાણી, રીટાયર્ડ થયા પછી આજ થવાનું છે,
પૃથ્વીનાં બે ધ્રુવ – ઉત્તર અને દક્ષિણ
તે અંતે રહ્યાં આપણે બે….
- લીંબુ તમને એસિડિટીથી રાહત આપી શકે છે - 16 May2026
- જરથોસ્તનો દિસો - 16 May2026
- કોઈના માથે વિલનનું લેબલ ચિટકાડતા પહેલા વિચારીએ.. - 16 May2026
