ગોવાદ યઝાતા જરથુસ્ત્ર ધર્મમાં પવન અને હવાનાં અધિષ્ઠાતા દૈવી શક્તિ છે. ગો-વાદ (સારો પવન) નામ વાદ અથવા વાત પરથી આવેલું છે, જેનો અર્થ પવન થાય છે. ગોવાદ માટે કોઈ યશ્ત (સ્તુતિગીત) અથવા નિયાયેશ (પ્રાર્થના) આજકાલ ઉપલબ્ધ નથી. પરંતુ રામ યશ્ત લગભગ સંપૂર્ણપણે તેને સમર્પિત છે.
ગોવાદ યઝાતા ખોરદાદ અમેષા સ્પેંતાના હમકાર છે, જે પાણીના અધિષ્ઠાતા છે અને દૈવી પૂર્ણતા અને સંપૂર્ણતાનું પ્રતિક છે. તીર અને ફરવરદીન સાથે મળીને ખોરદાદને સહાય કરતાં ગોવાદ શક્તિ, સમૃદ્ધિ અને વરસાદ સાથે જોડાયેલા છે. વંદીદાદ મુજબ, સમુદ્રમાંથી પાણી વરાળ બનીને વાદળો બનાવે છે, અને ગોવાદ તીરની મદદથી આ વાદળોને ફેલાવે છે, જેથી વરસાદ પડે, સમૃદ્ધિ આવે અને દુષ્કાળથી રક્ષણ મળે.
ગોવાદ મૃત્યુ પછી આત્માની યાત્રામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એવું માનવામાં આવે છે કે તેઓ આત્માની ગતિ વધારીને તેને દાદાર-એ-ગેહાન (સર્જનહારનું નિવાસસ્થાન) સુધી ઝડપથી પહોંચવામાં મદદ કરે છે, જેથી તે વિલંબ વગર ન્યાયનો સામનો કરી શકે. તેથી દૈનિક પ્રાર્થનામાં ગોવાદને વાતેમ સ્પેન્તમ (કલ્યાણકારી પવન) તરીકે સ્મરણ કરવામાં આવે છે, જે ધર્મપૂર્ણ કાર્યોમાં શક્તિ અને ઝડપ આપે છે.
મીનો રામ, જે ભૌતિક અને આધ્યાત્મિક લોક વચ્ચેના ક્ષેત્રના રક્ષક છે, મૃત્યુના ચોથા દિવસે આત્માની સુરક્ષિત યાત્રા માટે સ્મરણ કરવામાં આવે છે. ગોવાદની જેમ તે પણ આ યાત્રામાં સહાય કરે છે, પરંતુ અંતિમ સંસ્કારની પ્રાર્થનામાં મીનો રામને સ્મરણ કરવામાં આવતું નથી, કારણ કે મૃત્યુ આનંદમય માનવામાં આવતું નથી. તેઓ સમયના પરિમાણ સાથે પણ જોડાયેલા છે.
ગ્રંથોમાં ગોવાદને સંપૂર્ણ ન્યાયના પ્રતિક તરીકે વર્ણવવામાં આવ્યા છે –નિષ્પક્ષ અને અવિનાશી. પવનની જેમ, તેઓ બધાં પર સમાન રીતે કાર્ય કરે છે, કોઈ ભેદભાવ વગર. વિવિધ સંસ્કૃતિઓમાં પવન જીવનશક્તિ અને દૈવી હાજરીનું પ્રતિક છે, જે ગોવાદને સર્વવ્યાપક, પોષણકારી અને ન્યાયસંગત શક્તિ તરીકે દર્શાવે છે.
- લીંબુ તમને એસિડિટીથી રાહત આપી શકે છે - 16 May2026
- જરથોસ્તનો દિસો - 16 May2026
- કોઈના માથે વિલનનું લેબલ ચિટકાડતા પહેલા વિચારીએ.. - 16 May2026
