ધ ઝોરાસ્ટ્રીયન કોઓપરેટિવ બેંક લિમિટેડ (ઝેડસીબીએલ)એ એપ્રિલ 2026થી શરૂ થતા પાંચ વર્ષના કાર્યકાળ માટે તેના નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બિનહરીફ પસંદગી સાથે નવા યુગમાં પ્રવેશ કર્યો છે. જુન 2026માં બેંક પોતાના શતાબ્દી વર્ષમાં પ્રવેશવા જઈ રહી છે, ત્યારે નવી બોર્ડે કાર્યભાર સંભાળ્યો છે. મહત્વપૂર્ણ બાબત એ રહી કે બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની પણ સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી, જે સંસ્થાના ભવિષ્ય પ્રત્યે વિશ્વાસ દર્શાવે છે.
નવી બોર્ડમાં કાનૂન, બેંકિંગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી અને શિક્ષણક્ષેત્રના અનુભવી અને પ્રતિષ્ઠિત વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે. મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ, 2002માં થયેલા સુધારા અનુસાર, દસ વર્ષ પૂર્ણ કરનાર ડિરેક્ટર્સ ફરીથી ચૂંટણી લડી શકતા નહોતા, જેના અનુસંધાનમાં આ પરિવર્તન આવ્યું છે.
અનુભવી બેંકર અને કાનૂની નિષ્ણાત હોમા ડી. પેટીટ બેંકના ચેરમેન તરીકે ચૂંટાયા છે. તેઓ અગાઉ લગભગ 44 વર્ષ સુધી ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે અને બેંકિંગ તથા કાનૂની ક્ષેત્રમાં વિશાળ અનુભવ ધરાવે છે.
પરસી બી. છાપગર વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા છે. તેઓ ટેક્સેશન અને કોર્પોરેટ બાબતોના નિષ્ણાત છે અને અગાઉ બેંકના ડિરેક્ટર તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે. નવી બોર્ડમાં વિરાફ મહેતા, ઝુબિન બિલિમોરિયા, ફરહાદ ચોકસી, નોશિર પાઘડીવાલા, બખ્તિયાર સકલાતવાલા, મહેરાબ ઈરાની, મહારૂખ વઝીફદાર, ધનૂ ખુશરોખાન અને સ્મિતા તાંબેનો પણ સમાવેશ થાય છે.
નિવૃત્ત ચેરમેન યઝદી બી. તંત્રાએ નવી બોર્ડને અભિનંદન પાઠવ્યા અને પોતાના કાર્યકાળ દરમિયાન મળેલા સહકાર બદલ બેંકના સભ્યો, ગ્રાહકો અને સ્ટાફનો આભાર માન્યો. તેમણે સૌને બેંકને સતત સહયોગ આપવાની પણ અપીલ કરી. મજબૂત ટેક્નોલોજી પ્લેટફોર્મ, ઉત્તમ નાણાકીય સ્થિરતા અને શ્રેષ્ઠ એસેટ ક્વોલિટી સાથે બેંક હવે ઝડપી વિકાસ માટે સજ્જહોવાનું માનવામાં આવે છે.
- સુરત સમિટમાં ગુજરાત ટુરિઝમની નવી તકો પર ચર્ચા - 6 June2026
- નવસારીના વારસાને ઉજાગર કરતું ઐતિહાસિક કોફી ટેબલ બુક પ્રકાશિત - 6 June2026
- ભીખા બેહરામ કુવા ખાતે 200મી આવાં રોજ હમબંદગીની ઉજવણી - 6 June2026
