ભારતના સૌથી પ્રભાવશાળી પરંતુ સંખ્યાબળની દ્રષ્ટિએ અત્યંત નાનાં સમુદાયોમાંના એક એવા પારસી સમાજના સંરક્ષણ માટે નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ (એનસીએમ) દ્વારા પારસીસ ઈન મોર્ડન ઈન્ડિયાઃ નેવીગેટીંગ કલ્ચરલ એન્ડ સોસીયો-ઈકોનોમી પાર્થવેસ – વિષયક ઉચ્ચસ્તરીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 9મી મે, 2026ના રોજ મુંબઈના યશવંતરાવ ચવાણ સેન્ટર ખાતે યોજાયેલા આ સેમિનારમાં કેન્દ્રીય મંત્રીઓ, વિદ્વાનો, ઉદ્યોગપતિઓ, પરોપકારીઓ, નીતિનિર્માતાઓ તથા પારસી સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સેમિનારનો મુખ્ય હેતુ પારસી સમાજના ઘટતા જનસંખ્યા દરને રોકવા સાથે તેની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે સંકલિત પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કીરન રીજીજુ, રાજ્ય પ્રધાન જ્યોર્જ કુરિયન એનસીએમના પારસી પ્રતિનિધિ એડવોકેટ બરજીસ દેસાઈ સહિત અનેક અગ્રણીઓએ પોતાના વિચારો રજૂ કર્યા. આ વર્ષે એનસીએમ દ્વારા શરૂ કરાયેલ શૈક્ષણિક પહેલના ભાગરૂપે યોજાયેલા આ સેમિનારમાં પારસી સમાજના વારસાને દર્શાવતું સ્મારક કોફી ટેબલ બુક પણ રજૂ કરવામાં આવ્યું હતું. પોતાના મુખ્ય પ્રવચનમાં કિરેન રીજીજુએ ભારતના વિકાસમાં પારસી સમાજના અસાધારણ યોગદાનની પ્રશંસા કરી અને સાંસ્કૃતિક સંરક્ષણ માટે સરકાર દ્વારા લેવામાં આવેલી પહેલોની પણ ચર્ચા કરી.
એડવોકેટ બરજીસ દેસાઈએ પારસીઓને ભારતના સૌથી વધુ સમરસ અને સંકલિત લઘુમતી સમુદાય તરીકે વર્ણવતાં જણાવ્યું કે, દરેક પારસી મહત્વનો છે. તેમણે ઉદવાડાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા અપાવવા માટે વડાપ્રધાનના પ્રયાસોની પણ પ્રશંસા કરી.
સેમિનારમાં સર્વસંમતિથી જણાવાયું કે પારસી સમાજના અસ્તિત્વ માટે જરથોસ્તી ઓળખની શુદ્ધતા જાળવતાં આધુનિક સામાજિક અને આર્થિક વાસ્તવિકતાઓ સાથે સંતુલિત રીતે આગળ વધવું જરૂરી છે. કાર્યક્રમના અનુસંધાનમાં એનસીએમના સંયુક્ત સચિવ ડો. આત્યા નંદે જાહેરાત કરી કે જૈન, બૌદ્ધ અને પારસી સમાજ પર આધારિત વિશેષ સંકલન ગ્રંથ 19મી મે, 2026ના રોજ નવી દિલ્હીમાં પ્રકાશિત કરવામાં આવશે.
- સુરત સમિટમાં ગુજરાત ટુરિઝમની નવી તકો પર ચર્ચા - 6 June2026
- નવસારીના વારસાને ઉજાગર કરતું ઐતિહાસિક કોફી ટેબલ બુક પ્રકાશિત - 6 June2026
- ભીખા બેહરામ કુવા ખાતે 200મી આવાં રોજ હમબંદગીની ઉજવણી - 6 June2026
