પિરૂઝ ખંબાતાએ નવી પુસ્તકનું અનાવરણ કર્યું, યુવા ઉદ્યોગકારો માટે નવી પહેલની જાહેરાત

મુંબઈના પ્રતિષ્ઠિત તાજ મહેલ પેલેસ ખાતે 9મી મે, 2026ના રોજ યોજાયેલા ભવ્ય સમારોહમાં અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ, પરોપકારી તથા રસના ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તેમજ અરીઝ ખંબાતા બેનેવોલન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી પિરૂઝ અરીઝ ખંબાતાએ પોતાની નવી પુસ્તક અશોઈઃ ધ ઝોરાસ્ટ્રીયન આર્ટ ઓફ સકસેસ એન્ડ ઈમમોર્ટાલીટીનું અનાવરણ કર્યું. આ સાથે તેમણે આગામી પેઢીના બિઝનેસ લીડર્સને માર્ગદર્શન અને રોકાણ સહાય આપવા માટે એક મહત્વપૂર્ણ ઉદ્યોગસાહસિક પહેલની જાહેરાત પણ કરી.
આ પ્રસંગે રાજકીય આગેવાનો, ન્યાયવિદો, ઉદ્યોગપતિઓ, ધર્મગુરૂઓ, વ્યાવસાયિકો અને પારસી સમાજના અગ્રણી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરન રીજીજુ હાજર રહ્યા હતા. સાથે જ સાંસદ મિલિંદ દેવરા, નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝના જરથોસ્તી પ્રતિનિધિ એડવોકેટ બરજીસ દેસાઈ સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ત્રણ હજાર વર્ષથી વધુ જૂના જરથોસ્તી દર્શનના આધારે રચાયેલ આ પુસ્તકમાં સત્યનિષ્ઠા, શિસ્ત, સચ્ચાઈ, સેવા અને હેતુપૂર્ણ જીવન પર આધારિત 51 સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા છે. પુસ્તક એ પ્રશ્નનો વિચાર કરે છે કે નાની વસ્તી ધરાવતા પારસી સમાજે ભારતને સતત વિશ્વસનીય ઉદ્યોગપતિઓ, વ્યાવસાયિકો અને પરોપકારીઓ કેવી રીતે આપ્યા છે. કાર્યક્રમનું એક મુખ્ય આકર્ષણ વર્લ્ડ જરથુસ્તી ચેમ્બર ઓફ કોમર્સ (ડબ્લ્યુઝેડસીસી) સાથેના જ્ઞાન સહકાર દ્વારા સ્થાપિત થનારા નવા ઉદ્યોગસાહસિક ફંડની જાહેરાત હતી. આ પહેલનો હેતુ યુવાનોને માર્ગદર્શન, વ્યૂહાત્મક સહાય અને નાણાકીય ટેકો દ્વારા નવા વ્યવસાય શરૂ કરવા પ્રોત્સાહન આપવાનો છે. ખાસ કરીને ભારત તથા વિદેશમાં વસતા પ્રતિભાશાળી યુવાનોને દેશમાં વ્યવસાય સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં નૈતિકતા આધારિત ઉદ્યોગસાહસ, સમાજ પ્રત્યેની જવાબદારી અને જ્ઞાનવર્ધનની ભાવનાઓ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થઈ હતી. આ સમારોહનું આયોજન અરીઝ ખંબાતા બેનેવોલન્ટ ટ્રસ્ટ અને રાસના ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

*