લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3231 માટે લાયન ફીરોઝ કાત્રક મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન તરીકે ચૂંટાયા

તાજેતરમાં 1થી 3 મે, 2026 દરમિયાન દમણ ખાતે યોજાયેલ લાયન્સ ઇન્ટરનેશનલ એન્યુઅલ મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ ક્નવેન્શનમાં લાયન ફીરોઝ કાત્રકને 2026-27 માટે સર્વાનુમતે મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ 3231 હેઠળ ચાર ડિસ્ટ્રિક્ટનો સમાવેશ થાય છે, જેમાં મુંબઈ, નવી મુંબઈ તથા સાઉથ મુંબઈથી દહાણુ સુધીનો વિસ્તાર, જેમાં રાયગઢ, અલીબાગ, મહાડ, કરજત અને શાહપુરનો સમાવેશ થાય છે. લગભગ 350 લાયન્સ ક્લબ ધરાવતા આ વિશાળ ક્ષેત્ર માટે આ નિમણૂક એક ગૌરવપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. લાયન કાત્રક આ હોદ્દા સુધી પહોંચનાર પ્રથમ પારસી બન્યા છે. આ પહેલાં ડિસ્ટ્રિક્ટ 3231 એ1માંથી છેલ્લીવાર 1986માં ચેરમેનની પસંદગી થઈ હતી.
હાલમાં 2025-26 માટે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે સેવા આપતા લાયન કાત્રકે ટ્રાન્સફોર્મીંગ લાઈવ્સ થીમ હેઠળ અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના કાર્યકાળ દરમિયાન ડિસ્ટ્રિક્ટમાં સભ્યસંખ્યા 27 ટકા જેટલી વધી હતી, 10 નવા ક્લબની સ્થાપના થઈ હતી તથા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન માટેનું યોગદાન 2.5 ગણાથી વધુ વધીને અંદાજે યુએસડી 66,000 સુધી પહોંચ્યું હતું. ઉપરાંત, વિવિધ સેવા પ્રવૃત્તિઓ દ્વારા રૂ. 33 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ હાથ ધરાયા, જેના લાભો પ્રદેશભરના જરૂરિયાતમંદ સમુદાયો સુધી પહોંચ્યા.
મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં બાઈ જરબાઈ વાડિયા ચિલ્ડ્રન્સ હોસ્પિટલ માટે યુએસડી 109,983ની ગ્રાન્ટ મેળવવી, દહાણુ અને પાલઘરની વિદ્યાર્થિનીઓને 255 સાયકલનું વિતરણ કરવું તથા ગ્રામ્ય મહારાષ્ટ્રની મહિલાઓને 200 સિલાઈ મશીનો આપવાનો સમાવેશ થાય છે. તેમના નેતૃત્વ દરમિયાન ઇન્ટરનેશનલ પ્રેસિડન્ટ સહિત અનેક આંતરરાષ્ટ્રીય મહાનુભાવો ડિસ્ટ્રિક્ટની મુલાકાતે આવ્યા હતા. ઇન્ટરનેશનલ પ્રેસિડન્ટે લાયન કાત્રકને પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ પ્રેસિડન્ટ મેડલથી પણ સન્માનિત કર્યા હતા.

Leave a Reply

*