સબરિમાલા સુનાવણી દરમિયાન આંતરધર્મીય લગ્ન કરનાર પારસી મહિલાઓના બહિષ્કાર મુદ્દે સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ સવાલો

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી ઐતિહાસિક સબરિમાલા રેફરન્સ કેસની સુનાવણી દરમિયાન 5મી મે, 2026ના રોજ પારસી જરથોસ્તી મહિલાઓના બહિષ્કાર મુદ્દે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ સામે આવી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંતની અધ્યક્ષતામાં આવેલી નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ હાલમાં ધાર્મિક સ્વતંત્રતા અને ધાર્મિક સમુદાયોના અધિકારો સંબંધિત અગત્યના બંધારણીય પ્રશ્નોની તપાસ કરી રહી છે.
હિંદુ પુરૂષ સાથે લગ્ન કરનાર એક પારસી જરથોસ્તી મહિલાની તરફેથી વરિષ્ઠ વકીલ દારાયસ ખંબાતાએ દલીલો રજૂ કરતાં જણાવ્યું હતું કે લગ્નના આધારે કોઈ મહિલાને તેના ધાર્મિક અસ્તિત્વ અથવા બંધારણીય અધિકારોથી વંચિત રાખી શકાય નહીં. અરજદાર હજુ પણ જરથોસ્તી ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે તે બાબત ઉપર ભાર મૂકતાં ખંબાતાએ કહ્યું, હું શ્રદ્ધાળુ છું, મેં મારો ધર્મ છોડ્યો નથી. ફક્ત મેં લગ્ન કર્યા છે એટલે તે કોઈ ગુનો નથી.
સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્નાએ સવાલ ઉઠાવ્યો કે આવા પ્રતિબંધો માત્ર મહિલાઓ પર જ કેમ લાગુ પડે છે? ખંબાતાએ આ પ્રથાને માનવસર્જિત લાદણી ગણાવી હતી અને જણાવ્યું હતું કે સમુદાયની બહાર લગ્ન કરનાર પારસી પુરૂષો સામે સામાન્ય રીતે આવા પ્રતિબંધો લાગુ પડતા નથી.
બેન્ચે નોંધ્યું કે આ પ્રકારનો પસંદગી આધારિત બહિષ્કાર ભેદભાવપૂર્ણ જણાય છે. ન્યાયમૂર્તિ નાગરત્નાએ જણાવ્યું કે બંધારણની કલમ 25 હેઠળનો ધાર્મિક અધિકાર જન્મસિદ્ધ છે અને લગ્નના આધારે તે છીનવી શકાય નહીં. પારસી પિતાના સંતાનોને મળતી ધાર્મિક માન્યતાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે એ જ સિદ્ધાંત મહિલાઓ માટે પણ લાગુ થવો જોઈએ.
ખંબાતાએ વધુમાં દલીલ કરી હતી કે કલમ 26 હેઠળ મળતા ધાર્મિક સમુદાયોના અધિકારો, કલમ 25 હેઠળ વ્યક્તિને મળતા મૂળભૂત ધાર્મિક સ્વાતંત્ર્યથી ઉપર હોઈ શકતા નથી. આ કેસ હવે સમુદાયમાં વિશેષ ધ્યાન આકર્ષી રહ્યો છે, કારણ કે કોર્ટનો અંતિમ ચુકાદો ધાર્મિક ઓળખ, લિંગ સમાનતા અને વિવિધ સમુદાયોની પરંપરાઓ પર દૂરગામી અસર કરી શકે છે.

Leave a Reply

*