તા. 01/05/2026 ના રોજ સાંજે 500 વાગ્યે યોજાયેલી સુરત પારસી પંચાયતની બોર્ડ મીટિંગ દરમિયાન પારસી જરથોસ્તી સમાજનું ગૌરવ વધારનાર પ્રતિભાશાળી પારસી વ્યક્તિઓ અને ખેલાડીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. મીનુ હીરાજી પરબીયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ સુરત પારસી પંચાયતના પૂર્વ ટ્રસ્ટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયો-સાયન્સ વિભાગના નિવૃત્ત પ્રોફેસર અને ડીન તથા, બાપાલાલ વૈદ્ય બોટનિકલ રિસર્ચ સેન્ટરના સ્થાપકોમાંના એક તેમજ જાણીતા વનસ્પતિ સંશોધક તરીકે પ્રસિદ્ધ છે.
તાજેતરમાં તેમને જામનગર આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના હસ્તે પ્રતિષ્ઠિત ડોકટર ઓફ લિટરેચરની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સુરત પારસી પંચાયતના પ્રમુખ ડો. હોમી ડી. દૂધવાલા દ્વારા ડો. મીનુ પરબીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે સુરત પારસી પંચાયત સંચાલિત ઝોરોસ્ટ્રિયન ક્લબ, સુરતની ક્રિકેટ ટીમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ટીમે મુંબઈ ખાતે યોજાયેલ પારસી જીમખાનાની 9મી લેટ માણેક ગોલવાલા ટી10 પ્રીમિયર લીગમાં ચેમ્પિયન બની સમગ્ર સુરત પારસી જરથોસ્તી સમાજનું નામ ગૌરવપૂર્વક રોશન કર્યું હતું. ટૂર્નામેન્ટ દરમિયાન સુરત ટીમે ઉત્તમ બેટિંગ, શિસ્તબદ્ધ બોલિંગ, સુંદર ટીમવર્ક અને ઉત્કૃષ્ટ રમતિયાળ ભાવનાનું પ્રદર્શન કર્યું હતું. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ટીમના ખેલાડીઓએ સર્વાંગી પ્રદર્શન કરીને વિજય હાંસલ કર્યો હતો.
ક્રિકેટ ટીમ અને ટીમના કેપ્ટન ખુશરૂ કડવાનું સુરત પારસી પંચાયતના ટ્રસ્ટી ડો. રૂસ્તમ મોરેના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તથા પ્રમુખ શ્રી ડો. દૂધવાલા, ટ્રસ્ટી યઝદી કરંજીયા, કેશ્મિરા દોરડી તથા ફર્ઝીન પરબિયાએ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તે ઉપરાંત ખેલાડીઓ યઝદ વરિયાવા, શાહરૂખ પટેલ, ફ્રેડી ભગવાગર અને પોરસ ભરૂચા તથા અન્ય સાથી ખેલાડીઓને પણ તેમની ઉત્કૃષ્ટ રમતગમતની કામગીરી અને ટીમની સફળતામાં આપેલા યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
બોર્ડ મીટિંગ દરમિયાન યોજાયેલ આ સન્માનવિધિ ગૌરવપૂર્ણ અને યાદગાર બની રહી હતી. સુરત પારસી પંચાયતના ઉપસ્થિત પ્રમુખ, ટ્રસ્ટીઓએ સન્માનિત મહાનુભાવો અને ખેલાડીઓને અભિનંદન પાઠવી તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સુરત પારસી પંચાયત ભવિષ્યમાં પણ સમાજના બાળકો અને યુવાનોને ક્રિકેટ સહિત વિવિધ રમતગમત, શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા અન્ય પ્રતિભાશાળી ક્ષેત્રોમાં પ્રોત્સાહન, માર્ગદર્શન અને સંપૂર્ણ સહયોગ આપતી રહેશે, જેથી સમાજની નવી પેઢી વધુ પ્રગતિ અને ગૌરવ પ્રાપ્ત કરી શકે.
- સુરત સમિટમાં ગુજરાત ટુરિઝમની નવી તકો પર ચર્ચા - 6 June2026
- નવસારીના વારસાને ઉજાગર કરતું ઐતિહાસિક કોફી ટેબલ બુક પ્રકાશિત - 6 June2026
- ભીખા બેહરામ કુવા ખાતે 200મી આવાં રોજ હમબંદગીની ઉજવણી - 6 June2026
