દિનશા દારૂવાલાના સ્થાપત્ય વારસાને સન્માન

કરાચીના અગ્રણી બિલ્ડરો અને સિવિલ એન્જિનિયરોમાંના એક દિનશા હોરમસજી દારૂવાલા (1888–-1976)ને 25 મે, 2026ના રોજ સંક્ષિપ્ત પરંતુ અર્થપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પાકિસ્તાનની અગ્રણી કલા અને ડિઝાઇન સંસ્થા ઇન્ડસ વેલી સ્કૂલ ઓફ આર્ટ એન્ડ આર્કિટેક્ચર આઈવીએસએ તેના આર્કિટેક્ચર વિભાગમાં તેમના સન્માનમાં એક સ્ટુડિયોનું ઉદ્ઘાટન કર્યું. આ સમર્પણ સમારંભનું નેતૃત્વ તેમની પુત્રી મહેર કાબરાજીએ કર્યું હતું અને તેમાં આ દ્રષ્ટિવંત પારસીના ચિરંજીવ વારસાને ઉજવવામાં આવ્યો, જેમના કાર્યએ કરાચીના આકાશપટને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
મુંબઈમાં જન્મેલા દારૂવાલા 1917માં કરાચી સ્થાયી થયા હતા અને તેમણે એવી કંપનીઓની સ્થાપના કરી હતી, જે શહેરના અનેક મહત્વપૂર્ણ નાગરિક, વ્યાપારી અને રહેણાંક પ્રોજેક્ટ્સ માટે જાણીતી બની. તેમના નોંધપાત્ર કાર્યોમાં ડ્રિઘ રોડ એરપોર્ટ, કરાચી કોટન એસોસિયેશન બિલ્ડિંગ, જ્યુબિલી ઇન્શ્યોરન્સ હાઉસ, નેશનલ બેંક બિલ્ડિંગ અને મેકિનોન્સ બિલ્ડિંગનો સમાવેશ થાય છે.
તેમનું યોગદાન માત્ર વ્યાપારી સ્થાપત્ય પૂરતું મર્યાદિત નહોતું. તેમણે કરાચીની પારસી સમુદાય માટે સુઆયોજિત રહેણાંક યોજનાઓ તેમજ અનેક શૈક્ષણિક, તબીબી અને સામાજિક સંસ્થાઓના નિર્માણમાં પણ મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. તેમાં પારસી જનરલ હોસ્પિટલ, મામા પારસી ગર્લ્સ સેક્નડરી સ્કૂલ, કરાચી પારસી ઇન્સ્ટિટ્યૂટ અને કરાચી જિમખાના જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.
તેમની નિષ્ઠા, તકનીકી કુશળતા અને દૂરંદેશી માર્ગદર્શનને માન્યતા આપતાં તેમને ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેકટસ પાકિસ્તાન દ્વારા માનદ ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી. આ સમારંભની એક વિશેષ ક્ષણ ત્યારે સર્જાઈ, જ્યારે મહેર કાબરાજીએ તેમના પિતાની હસ્તલિખિત ડાયરી લાઇબે્રરી અને આર્કાઇવ્સને અર્પણ કરી. આ અમૂલ્ય દસ્તાવેજ દ્વારા એક અસાધારણ પારસી નિર્માતા અને સ્થાપત્યકારના જીવનપ્રવાસની દુર્લભ ઝાંખી મળે છે, જેમનો વારસો આજે પણ નવી પેઢીના આર્કિટેકટસને પ્રેરણા આપી રહ્યો છે.

Leave a Reply

*