નવસારીના સમૃદ્ધ સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાને નવી ઓળખ આપતું શહેરનું પ્રથમ સત્તાવાર કોફી ટેબલ બુક અને હેરિટેજ લિસ્ટિંગ રિપોર્ટ તાજેતરમાં નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇન્ટેકના માર્ગદર્શન હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે તેનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રકાશન નવસારીની વિવિધ લાઇબે્રરીઓ અને સંસ્થાઓમાં પસંદગીપૂર્વક વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં પારઝોર ફાઉન્ડેશન દ્વારા વર્ષો સુધી સંશોધન અને દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. મરહુમ મરઝબાન ગિયારા તેમજ ઇન્ટેકના આર્કિટેક્ટ બિનિતા પંડ્યાના નેતૃત્વ હેઠળ આ કાર્ય પૂર્ણ થયું હતું. આ પુસ્તક નવસારીના ઇતિહાસ, વારસા અને સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરે છે તેમજ ભવિષ્યના સંરક્ષણ કાર્યો માટે મહત્વપૂર્ણ સંદર્ભરૂપ બનશે.
આ પહેલ નવસારીમાં હેરિટેજ ટૂરિઝમને પ્રોત્સાહન આપવાના વિશાળ અભિયાનનો ભાગ છે. 2025થી ગુજરાત સરકાર અને ગુજરાત ટૂરિઝમ દ્વારા 2022માં શરૂ કરાયેલી નવસારી હેરિટેજ વોકને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ હેરિટેજ વોક પારઝોર ફાઉન્ડેશન, ગાર્ડા કોલેજ ટ્રસ્ટના પારસી કલ્ચરલ વિભાગ અને ઇન્ટેકના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. આ કોફી ટેબલ બુક શાળાઓ, કોલેજો, હોટેલો, રેસ્ટોરાં અને જાહેર સંસ્થાઓમાં વારસા જાગૃતિ અને સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાજેતરમાં ગુજરાત ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય રૂઝબેહ એફ. ઉમરીગરે આ પ્રકાશનની નકલો નવી દિલ્હીની ઇન્ટેક હેડક્વાર્ટર રિપોઝિટરીમાં પણ સુપરત કરી હતી, જેના કારણે ભારતના હેરિટેજ નકશામાં નવસારીનું સ્થાન વધુ મજબૂત બન્યું છે.
- જરથોસ્તી ધર્મના ઉપદેશો સાથે સુસંગત દૈનિક આદતો - 18 July2026
- શયાન બિસ્નેનું બંધારણને અર્પિત સંશોધન પારસી સમાજના ગૌરવશાળી વારસાને ઉજાગર કરે છે - 18 July2026
- જમશીદ મરોલિયાને પીએચ.ડી.ની પદવી એનાયત - 18 July2026
