નોશીર ઈરાનીને 2026ના કિંગ્સ બર્થડે ઓનર્સમાં મેડલ ઓફ ધ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા (ઓએએમ) એનાયત કરવામાં આવ્યો, જે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંનું એક છે. આ સન્માન તેમને દાયકાઓથી નિષ્ઠાપૂર્વક કરેલી સ્વૈચ્છિક અને સામાજિક સેવાઓ બદલ આપવામાં આવ્યું છે. સિડનીમાં નિવાસ કરતા આ વરિષ્ઠ નાગરિકે આ સન્માનને મોટું આશ્ચર્ય ગણાવતાં જણાવ્યું કે તેમની સેવાઓને માન્યતા મળવી એ જ તેમના માટે સૌથી મોટો સંતોષ છે. ઈરાની 1979માં તેમની પત્ની મેગી અને પુત્રીઓ હિલા તથા હોમાક્સી સાથે બોમ્બેથી ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા હતા. સફળ કોર્પોરેટ કારકિર્દી બાદ તેમણે પાણી શુદ્ધિકરણનો વ્યવસાય ચલાવ્યો. 2006માં નિવૃત્તિ લીધા પછી તેમણે પોતાના દત્તક વતનને કંઈક પરત આપવાનો સંકલ્પ કર્યો. છેલ્લા લગભગ ઓગણીસ વર્ષથી તેઓ મીલ્સ ઓન વીલ્સ સંસ્થા સાથે સ્વયંસેવક તરીકે જોડાયેલા છે, જ્યાં તેઓ સિડનીના વરિષ્ઠ નાગરિકોને ભોજન પહોંચાડવા ઉપરાંત તેમની સાથે સમય વિતાવી સાથ-સહકાર પણ આપે છે.
તેઓ બાર વર્ષથી જસ્ટીસ ઓફ ધ પીસ તરીકે નિઃશુલ્ક સેવાઓ પણ આપી રહ્યા છે. ઉપરાંત, તેમણે કુ રીંગ ગાઈ નેબરહુડ સેન્ટર તથા ઈન્ડો ઓસ્ટ્રેલિયન કલ્ચરલ સોસાયટી – માટે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
ઓસ્ટ્રેલિયન જરથોસ્તી એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે, ઈરાનીએ સમુદાયને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના નેતૃત્વ હેઠળ બોલ્ખમ હિલ્સ સ્થિત પ્રાર્થના હોલના ઉપયોગનો અધિકાર સુનિશ્ચિત કરાવતી એક ઐતિહાસિક કાનૂની લડત પણ સફળ બની હતી.
આઠમી દાયકામાં પણ સક્રિય રહેલા ઈરાની યુવા પેઢીને સમાજસેવામાં જોડાવા અને વરિષ્ઠ નાગરિકોને સહારો આપવાની પ્રેરણા આપે છે.
- ઝોરાસ્ટ્રિયન વિમેન્સ એસેમ્બલી ઓફ સુરત અને પારસી પ્રગતિ મંડળ દ્વારા સુરતમાં 3 દિવસીય કાર્યક્રમનું આયોજન - 5 September2026
- વીએનએસજીયુના પદવીદાન સમારોહમાં મહાફ્રીન દેસાઈએ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા - 5 September2026
- પિરોજશા ગોદરેજે ગોદરેજની વિરાસતને આગળ ધપાવી - 5 September2026
