સર જે.જે. અડાજણ અગિયારીની 199મી સાલગે્રહની ઉજવણી

સુરતની ઐતિહાસિક સર જે.જે. અડાજણ અગિયારીએ તાજેતરમાં તેની 199મી સાલગે્રહની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સમાજના સભ્યો ભક્તિ, કૃતજ્ઞતા અને સૌહાર્દની ભાવના સાથે એકત્રિત થયા હતા. અગિયારીએ લગભગ બે સદીથી પ્રાર્થના અને આધ્યાત્મિક શાંતિના પવિત્ર સ્થાન તરીકે આપેલી સેવાને આ પ્રસંગે યાદ કરવામાં આવી.
આ ઉજવણીમાં આશરે 70 જેટલા ભાવિકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જશન વિધિ હતી, જે અગિયારીના પંથકી એર. નોશિર તુરેલ તથા એર. યઝદી તુરેલ દ્વારા સંપન્ન કરવામાં આવી હતી. જશન બાદ ઉપસ્થિત સૌએ નાસ્તાનો આનંદ માણ્યો અને પરસ્પર મુલાકાતો દ્વારા સૌહાર્દપૂર્ણ સમય વિતાવ્યો.
સર જે.જે. અડાજણ અગિયારી પેઢીઓથી પારસી સમાજ માટે આધ્યાત્મિક આધારસ્થાન તરીકે કાર્યરત રહી છે, જ્યાં પ્રાર્થના, મનન અને ધાર્મિક અનુષ્ઠાનો માટેનું પવિત્ર વાતાવરણ ઉપલબ્ધ છે. 199મી સાલગે્રહની ઉજવણીએ અગિયારીના ગૌરવશાળી વારસાને સન્માન આપવાની સાથે તેની આવનારી દ્વિશતાબ્દી ઉજવણી તરફ પણ આશાભરી નજર દોરી હતી.

Leave a Reply

*