હાઉસ ઓફ લોડર્સ દ્વારા ડો. ફરોખ માસ્ટરનું સન્માન

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત હોમિયોપેથીક તબીબ, શિક્ષણવિદ અને સંશોધક ડો. ફરોખ જે. માસ્ટર (એમડી, પીએચડી )ને યુકેની લંડન કોલેજ ઓફ હોમિયોપેથીમાં માનદ ફેકલ્ટી સભ્ય તરીકે આપેલા તેમના યોગદાનની કદરરૂપે હાઉસ ઓફ લોડર્સ દ્વારા પ્રતિષ્ઠિત સ્ક્રોલ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમને વર્લ્ડ હોમિયોપેથી ડે નિમિત્તે આયોજિત સમારોહ દરમિયાન સ્મૃતિચિહ્નરૂપે મેડલ પણ એનાયત કરવામાં આવ્યું હતું. આ દિવસ હોમિયોપેથીના સ્થાપક ડો. સેમ્યુઅલ હાનેમાનની જન્મજયંતિની યાદમાં દર વર્ષે ઉજવવામાં આવે છે.
આ પ્રતિષ્ઠિત સન્માન ડો. માસ્ટરની હોમિયોપેથી ક્ષેત્રે પ્રાપ્ત થયેલી અનેક સિદ્ધિઓમાં વધુ એક ગૌરવપૂર્ણ ઉમેરો છે. કેન્સર મેનેજમેન્ટમાં પીએચ.ડી. ધરાવતા ડો. માસ્ટરને ક્લિનિકલ પ્રેક્ટિસ, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે 43 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમણે એલોપેથીક આરોગ્યસંભાળ સંસ્થાઓમાં હોમિયોપેથીના એકીકરણ માટે અગ્રણી ભૂમિકા ભજવી છે.
સુવર્ણચંદ્રક વિજેતા ડો. માસ્ટર હોમિયોપેથીમાં એમ.ડી. પદવી મેળવનાર પ્રથમ ભારતીય છે. તેમણે વિશ્વના 40થી વધુ દેશોના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે. જાન્યુઆરી 2026માં તેમણે સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના નવા સ્થાપિત હોમિયોપેથી (વેલનેસ ક્લિનિક) વિભાગનું નેતૃત્વ સંભાળ્યું હતું.
તેમની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવતા, વર્ષ 2025માં તેમને યુકેની સોસાયટી ઓફ હોમિયોપેથ્સ દ્વારા માનદ ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનારા તેઓ માત્ર બીજા ભારતીય બન્યા હતા.
આ તાજેતરના સન્માનો ડો. ફરોખ માસ્ટરના હોમિયોપેથી શિક્ષણ, સંશોધન અને ક્લિનિકલ સેવા ક્ષેત્રે ભારત તથા વૈશ્વિક સ્તરે આપેલા દીર્ઘકાલીન અને નોંધપાત્ર યોગદાનને વધુ ઉજાગર કરે છે.

Leave a Reply

*