એમ. જે. વાડિયા અગિયારીએ ઉજવી 192મી સાલગે્રહ

લાલબાગ સ્થિત એમ. જે. વાડિયા અગિયારીની 192મી સાલગે્રહ 30મી જુન, 2026ના રોજ ભારે વરસાદ છતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં ભાવભેર ઉજવાઈ. પ્રસંગે પ્રાર્થનાઓ ઉપરાંત ધ્યાન અવેસ્તાની દૃષ્ટિએ વિષય પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
ઉજવણીની શરૂઆત અગિયારીના મેનેજર એર. કેરસી ભાધાના માર્ગદર્શન હેઠળ નવ મોબેદો દ્વારા જશન વિધિથી થઈ. ઉપસ્થિત ભક્તોનું સ્વાગત કરતાં ચેરમેન ટ્રસ્ટી કેરસી લીમથવાલાએ જણાવ્યું કે ધ્યાન (મેડિટેશન) હંમેશાં જરથોસ્તી ધર્મનો અભિન્ન ભાગ રહ્યું છે. તેમણે અશો જરથુસ્ત્ર, શાહ લોહરાસ્પ પાદશાહ, દસ્તુર અર્દા વિરાફ અને દસ્તુર આઝર કૈવાનના જીવનમાંથી પ્રેરણા લઈ દૈનિક જીવનમાં સરળ ધ્યાન પદ્ધતિઓ અપનાવવાનો સંદેશ આપ્યો. તેમણે મનન-ચિંતન, 101 નામોનું જપ, સર્જનાત્મક દૃશ્યકલ્પના (ક્રિએટિવ વિઝ્યુઅલાઇઝેશન) અને અહુનના સ્પંદનો દ્વારા કરૂણા, અંતઃપ્રેરણા અને આંતરિક શાંતિ વિકસાવવાની પ્રેરણા આપી.
એર. ડો. રામીયાર કરંજીયાએ જણાવ્યું કે પ્રાર્થના પોતે જ એક પ્રકારનું ધ્યાન છે. તેમણે સમજાવ્યું કે અવેસ્તાના મંત્રો મનને ભૌતિક જગતમાંથી આધ્યાત્મિક ક્ષેત્ર તરફ દોરી જાય છે અને સાથે વોહુ મન તથા આરમયતી જેવા દિવ્ય ગુણોનું પોષણ કરે છે. કાર્યક્રમના સંચાલક રોક્સેન દેસાઈએ પોતાના અનુભવ શેર કરતાં જણાવ્યું કે પ્રાર્થના અને ધ્યાન દ્વારા તેમને ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા જેવી ગંભીર પીડા સામે લડવામાં ઘણી મદદ મળી. જ્યારે ધ્યાન પ્રશિક્ષક ફિરોઝા છાપગરએ જણાવ્યું કે સજાગતા (માઇન્ડફુલનેસ), શિસ્તબદ્ધ એકાગ્રતા અને વર્તમાન ક્ષણમાં જીવવાની કળા અહંકારમાંથી મુક્તિ તરફ દોરી જાય છે.
કાર્યક્રમને મળેલા ઉત્સાહજનક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને એમ. જે. વાડિયા ફાયર ટેમ્પલ ટ્રસ્ટએ ઓગસ્ટ 2026થી પોતાના સંરચિત ધ્યાન વર્ગો (સ્ટ્રકર્ચ્ડ મેડીટેશન કલાસીસ) ફરી શરૂ કરવાની જાહેરાત કરી.
સાંજના કાર્યક્રમનો સમાપન એર. કેરસી ભાધાના આભારદર્શન સાથે થયો. તેમણે અગિયારીના જીર્ણોદ્ધારને પણ વીસ વર્ષ પૂર્ણ થયાની નોંધ લીધી. ત્યારબાદ વિરાફ દારૂવાલાના માર્ગદર્શન હેઠળ સ્ટ્રક્ચર્ડ રિલિજિયસ કોર્સના વિદ્યાર્થીઓએ મધુર મોનાજાત રજૂ કરી. અંતે ગ્રબ કોર્નરના કેરસી ગઝદરના સૌજન્યથી પીરસાયેલા અલ્પાહાર સાથે આ યાદગાર ઉજવણી આનંદમય રીતે પૂર્ણ થઈ.

 

 

Leave a Reply

*