પ્રતિભાશાળી અશ્વારોહક યશાન ખંબાતાની એશિયન ગેમ્સ 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી થઈ છે. આ પ્રતિષ્ઠિત રમતોત્સવ 19 સપ્ટેમ્બરથી 4 ઓકટોબર, 2026 દરમિયાન જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાશે. અગાઉ 2014માં દક્ષિણ કોરિયાના ઇન્ચિઓનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા યશાન હવે ફરી એકવાર પોતાની ઘોડી ઇન્કાઝ બિગ થિંક પર સવાર થઈ ઇક્વેસ્ટ્રિયન શો જમ્પિંગ સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.
આ સિદ્ધિને વધુ ગૌરવપૂર્ણ બનાવતી બાબત એ છે કે યશાનની માત્ર 20 વર્ષની શિષ્યા નિહારિકા સિંઘાનિયાની પણ એશિયન ગેમ્સ માટે પસંદગી થઈ છે. નિહારિકા પોતાની ઘોડી ફર્સ્ટ ટુ કેશ આઉટ પર સ્પર્ધામાં ભાગ લેશે. ભારતીય રમતગમતના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત એવું બનશે કે ગુરૂ અને શિષ્યા બંને એકસાથે એશિયન ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.
યશાન અને નિહારિકા બંને મુંબઈની પ્રતિષ્ઠિત એમેચ્યોર રાઇડર્સ ક્લબના સભ્યો છે. તેઓ બેંગલુરૂની મેરીક સાહને અને દિલ્હીના અભિષેક ચોપરા સાથે ભારતીય ટીમના સભ્ય તરીકે સ્પર્ધામાં ભાગ લેશે.
યશાનની પસંદગી તેમના વર્ષોના પરિશ્રમ, સમર્પણ અને રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનનું પ્રતિબિંબ છે. સાથે જ, એક સફળ માર્ગદર્શક તરીકેની તેમની ભૂમિકાને પણ આ સિદ્ધિ ઉજાગર કરે છે. એશિયાના શ્રેષ્ઠ અશ્વારોહકો સામે સ્પર્ધા કરવા માટે તેઓ જ્યારે મેદાનમાં ઉતરશે, ત્યારે તેમની સાથે સમગ્ર દેશની આશાઓ અને પારસી સમાજનું ગૌરવ પણ જોડાયેલું હશે. તેમની આ સિદ્ધિ ભારતના ભાવિ અશ્વારોહકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
- દાદીમાની બેંક પાસબુક - 1 August2026
- પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વઃ તેને શરીરનું બિલ્ડિંગ બ્લોક પણ કહેવામાં આવે છે. - 1 August2026
- ફ્યુચર જરથોસ્તીઓ કાર્યક્રમ દ્વારા ભાવિ ધર્મગુરુઓનું ઘડતર - 1 August2026
