વિશ્વભરના જરથોસ્તી સમાજ માટે ગૌરવની ક્ષણ બની છે, કારણ કે જાવિદ સોલી કેન્ટીનવાલાને કિંગ્સ બર્થડે ઓનર્સ લિસ્ટ 2026માં ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (ઓબીઈ)થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત સન્માન તેમને પરોપકાર અને સખાવતી ક્ષેત્રે આપેલી અસાધારણ સેવાઓ બદલ એનાયત કરવામાં આવ્યું છે, જે ત્રણ દાયકાના વધુ સમયથી તેમણે ચેરિટેબલ ગવર્નન્સ, સામાજિક સેવા અને જાહેર જીવનમાં આપેલા સમર્પિત યોગદાનની કદર કરે છે.
સત્તાવાર પ્રશસ્તિપત્રમાં જાવિદની ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડસ ઓફ યુરોપ (ઝેડટીએફઈ)ના ટ્રસ્ટી અને માનદ ખજાનચી તરીકેની કામગીરી ઉપરાંત ધ કાઉટસ ફાઉન્ડેશનના ટ્રસ્ટી તથા ઓડિટ, ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિટીના અધ્યક્ષ તરીકેની તેમની ભૂમિકાની નોંધ લેવામાં આવી છે. ઝેડટીએફઈએ તેમને આ સન્માન બદલ હાર્દિક અભિનંદન પાઠવતાં તેમના વર્ષોના નિષ્ઠાપૂર્વકના યોગદાનની પ્રશંસા કરી હતી અને તેમની પત્ની જેનાઝ તથા સંતાનો ઝાલ અને આવાં સહિત તેમના પરિવારના અવિરત સહયોગની પણ કદર વ્યક્ત કરી હતી.
બે દાયકાથી વધુ સમયથી જાવિદ ઝેડટીએફઈમાં ટ્રસ્ટી અને ખજાનચી તરીકે સેવા આપી રહ્યા છે અને યુનાઇટેડ કિંગડમની સૌથી જુની દક્ષિણ એશિયાઈ ધાર્મિક સ્વૈચ્છિક સંસ્થાઓમાંની એકને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જરથોસ્તી સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા વર્લ્ડ ઝોરોસ્ટ્રિયન ચેમ્બર ઓફ કોમર્સ (યુકે)ના ડિરેક્ટર અને ખજાનચી તરીકેની તેમની સેવાઓ દ્વારા પણ પ્રતિબિંબિત થાય છે, જ્યાં તેમણે વ્યાવસાયિકો અને ઉદ્યોગસાહસિકોને જોડતી અનેક પહેલોને પ્રોત્સાહન આપ્યું છે.
સમાજસેવાની બહાર પણ જાવિદે વ્યાપક ચેરિટેબલ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રભાવ પાડ્યો છે. ધ કાઉટસ ફાઉન્ડેશન, કમ્યુનિટી લિંક્સ, બ્રિટિશ પોસ્ટલ મ્યુઝિયમ એન્ડ આર્કાઇવ તથા ક્નટેમ્પરરી આર્ટ સોસાયટી જેવી સંસ્થાઓમાં નેતૃત્વની જવાબદારીઓ સંભાળીને તેમણે મજબૂત નાણાકીય ગવર્નન્સ, જવાબદારી અને સામાજિક પ્રભાવને પ્રોત્સાહન આપ્યું છે.
વ્યાવસાયિક જીવનમાં જાવિદ હાલમાં કંપની ફિનાન્સિઅર ટ્રેડિશન એસ.એ.ના યુકે અને ઈએમઈએ ક્ષેત્રના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે કાર્યરત છે. તેમની વિશિષ્ટ કારકિર્દીમાં સીએલએસ ગ્રુપ, યુબીએસ વેલ્થ મેનેજમેન્ટ, બાર્કલેઝ અને કેપીએમજી જેવી અગ્રણી સંસ્થાઓમાં ઉચ્ચ નેતૃત્વની ભૂમિકાઓનો પણ સમાવેશ થાય છે. જાવિદ કેન્ટીનવાલાને મળેલું ઓબીઈ સન્માન તેમના સમગ્ર જીવનની શ્રેષ્ઠતા, પ્રામાણિકતા અને સેવાનિષ્ઠાનું યોગ્ય સન્માન છે. આ સિદ્ધિએ વિશ્વભરના જરથોસ્તીઓનું ગૌરવ વધાર્યું છે અને આવનારી પેઢીઓને હેતુપૂર્ણ તથા સમર્પિત સેવા આપવા માટે પ્રેરણા પૂરી પાડી છે.
- દાદીમાની બેંક પાસબુક - 1 August2026
- પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વઃ તેને શરીરનું બિલ્ડિંગ બ્લોક પણ કહેવામાં આવે છે. - 1 August2026
- ફ્યુચર જરથોસ્તીઓ કાર્યક્રમ દ્વારા ભાવિ ધર્મગુરુઓનું ઘડતર - 1 August2026
