કેન્યાના અગ્રણી કાનૂનવિદ અને માનવ અધિકારના અગે્રસર યોદ્ધા એવા સ્વર્ગસ્થ સિનિયર કાઉન્સેલ ફીરોઝ નવરોજીને શ્રદ્ધાંજલિરૂપે નૈરોબી શહેરે કિલિમાની વિસ્તારની ગલાના રોડનું નામ સત્તાવાર રીતે બદલીને ફીરોઝ નવરોજી રોડ રાખ્યું છે. મે મહિનામાં યોજાયેલા નામકરણ સમારોહમાં તેમની પત્ની વિલુ નવરોજી, પરિવારજનો, નાગરિક આગેવાનો, માનવ અધિકાર કાર્યકરો તથા નૈરોબી કાઉન્ટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્વ આફ્રિકાના સર્વશ્રેષ્ઠ બંધારણીય વકીલોમાં સ્થાન પામેલા ફીરોઝ નવરોજીએ છ દાયકાથી વધુ સમય સુધી માનવ અધિકારોની રક્ષા માટે અવિરત કાર્ય કર્યું. કેન્યાના મુશ્કેલ રાજકીય સમયગાળાઓ દરમિયાન તેમણે રાજકીય કેદીઓ, પત્રકારો, સામાજિક કાર્યકરો અને વિરોધ પક્ષના નેતાઓનું નિર્ભયતાપૂર્વક પ્રતિનિધિત્વ કર્યું. તેમની નૈતિક દૃઢતા અને કાનૂની પ્રખરતા માટે તેઓ જેટલા જાણીતા હતા, એટલા જ તેઓ વિદ્વાન, લેખક, કવિ અને શિક્ષક તરીકે પણ આદર પામ્યા.
1941માં નૈરોબીમાં પારસી પરિવારમાં જન્મેલા ફીરોઝ નવરોજીના પરિવારના પૂર્વ આફ્રિકા સાથેના સંબંધો 1896થી જોડાયેલા હતા. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો, ત્યારબાદ લંડનની લિંક્નસ ઇનમાંથી બારમાં પ્રવેશ મેળવ્યો અને પછી અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી એલએલ.એમ.ની પદવી પ્રાપ્ત કરી. પૂર્વ આફ્રિકાની અગ્રણી સંસ્થાઓમાં તેમણે અનેક પેઢીના વકીલોને માર્ગદર્શન આપ્યું તેમજ કેન્યાના બંધારણ અને સામાજિક ઇતિહાસ વિષયક અનેક પ્રશંસનીય ગ્રંથોનું લેખન કર્યું.
અનેક આંતરરાષ્ટ્રીય સન્માનોથી નવાજાયેલા ફીરોઝ નવરોજી તેમની વિનમ્રતા, નિષ્ઠા અને ન્યાય પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા માટે હંમેશાં યાદ રહેશે. તેમનો અસાધારણ વારસો વિશ્વભરના પારસી સમાજ માટે ગૌરવ અને પ્રેરણાનું અવિનાશી પ્રતીક બની રહેશે.
- જરથોસ્તી ધર્મના ઉપદેશો સાથે સુસંગત દૈનિક આદતો - 18 July2026
- શયાન બિસ્નેનું બંધારણને અર્પિત સંશોધન પારસી સમાજના ગૌરવશાળી વારસાને ઉજાગર કરે છે - 18 July2026
- જમશીદ મરોલિયાને પીએચ.ડી.ની પદવી એનાયત - 18 July2026
