મુંબઈની ઐતિહાસિક વાચ્છા ગાંધી અગિયારી (સ્થાપના 1858)માં 20 જૂન, 2026ના રોજ ચંદન અને પુષ્પોની સુગંધ વચ્ચે જશન વિધિ યોજાઈ, જે પ્રાર્થના હોલના નવીનીકરણ કાર્યની પૂર્ણાહુતિની ઉજવણી માટે હતી. આ સમગ્ર નવીનીકરણ કાર્યનું ઉદાર પ્રાયોજકત્વ માસ્ટર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના અનેક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કેપ્ટન પરસી માસ્ટર, તેમની પત્ની એરિન માસ્ટર તથા તેમનો પરિવાર પણ સામેલ હતો. માસ્ટર ફાઉન્ડેશન દ્વારા અગાઉ પણ અનેક જરથોસ્તી ધર્મસ્થળોના પુનઃસ્થાપન માટે નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે.
કેપ્ટન પરસી માસ્ટર માટે આ પ્રોજેક્ટ ખાસ લાગણીસભર હતો. નજીક આવેલી ખરેઘાટ કોલોનીમાં તેમનું બાળપણ વીત્યું હોવાથી તેમણે અગિયારીને પોતાના બાળપણનો અભિન્ન ભાગ ગણાવ્યો. તેમણે જણાવ્યું કે પ્રાર્થના હોલનું સંપૂર્ણ નવીનીકરણ જરૂરી બન્યું હતું, જેનું કામ પૂર્ણ થવામાં ત્રણ મહિનાથી વધુ સમય લાગ્યો.
કોન્ટ્રાક્ટર ખુશરૂ સુખડિયાએ આ કાર્યને શ્રદ્ધા અને સમર્પણની સેવા તરીકે વર્ણવ્યું. તેમણે પોલિશ કરાયેલા ફ્લોરિંગથી લઈને આકર્ષક લાઇટિંગ સુધીની દરેક વિગતોનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કર્યું. માસ્ટર પરિવાર સાથે અનેક પુનઃસ્થાપન પ્રોજેક્ટસમાં કાર્ય કરી ચૂકેલા ખુશરૂ સુખડિયાએ જણાવ્યું કે સમાજના આ પવિત્ર વારસાના સંરક્ષણમાં યોગદાન આપવું તેમના માટે ગૌરવની બાબત છે.
કેપ્ટન પરસી માસ્ટરે ભારપૂર્વક જણાવ્યું કે અગિયારીઓનું પુનઃસ્થાપન જેટલું જરૂરી છે, એટલું જ તેમાં સમાજની વધતી ભાગીદારી અને ઉપસ્થિતિ પણ મહત્વપૂર્ણ છે. તેમણે પરિવારોને અપીલ કરી કે તેઓ યુવા પેઢીને અગિયારીઓમાં વધુ નિયમિત રીતે આવવા માટે પ્રોત્સાહિત કરે.
વર્લ્ડ જરથોસ્તી ચેમ્બર ઓફ કોમર્સ (ડબ્લયુઝેડસીસી)ના વૈશ્વિક અધ્યક્ષ તરીકે તેમણે કમ્યુનિટી કનેક્ટ પહેલની પણ માહિતી આપી, જે માર્ગદર્શન (મેન્ટરશિપ) અને ઇન્ટર્નશિપની તકો દ્વારા જરથોસ્તી યુવાનોને સમાજ સાથે વધુ જોડવાનો પ્રયાસ કરે છે. તેમણે વધુમાં ભાર મૂક્યો કે ધાર્મિક સ્થળોને અતિક્રમણથી સુરક્ષિત રાખવા અત્યંત જરૂરી છે, જેથી સમાજનો સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો આવનારી પેઢીઓ માટે અખંડિત રીતે જળવાઈ રહે.
- દાદીમાની બેંક પાસબુક - 1 August2026
- પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વઃ તેને શરીરનું બિલ્ડિંગ બ્લોક પણ કહેવામાં આવે છે. - 1 August2026
- ફ્યુચર જરથોસ્તીઓ કાર્યક્રમ દ્વારા ભાવિ ધર્મગુરુઓનું ઘડતર - 1 August2026
