શયાન બિસ્નેનું બંધારણને અર્પિત સંશોધન પારસી સમાજના ગૌરવશાળી વારસાને ઉજાગર કરે છે

હૈદરાબાદ સ્થિત એડવોકેટ શયાન જે. બિસ્ને દ્વારા લખાયેલું વિચારપ્રેરક પ્રકરણ કોન્ટ્રીબ્યુશન ઓફ ધ પારસી કમ્યુનીટી ઈન ફ્રેમીંગ એન્ડ ડીફેન્ડીંગ ધ કોન્સ્ટીટુયુશન ઓફ ઈન્ડિયા પ્રતિષ્ઠિત કાનૂની ગ્રંથ ઈન્ડિયાસ કોન્સ્ટીટયુશન ઓડીસી 75 યર ઓફ ઈવોલ્યુશન એન્ડ ગલોબલ રીચમાં સ્થાન પામ્યું છે. આ પ્રકરણ દ્વારા પારસી સમાજના મહત્ત્વપૂર્ણ યોગદાનને રાષ્ટ્રીય સ્તરે વિશેષ માન્યતા મળી છે.
ભારતના બંધારણના 75મા વર્ષની ઉજવણી નિમિત્તે પ્રકાશિત આ સ્મારક ગ્રંથમાં વિશ્વભરના અગ્રણી ન્યાયાધીશો, કાનૂનવિદો અને કાનૂની વિદ્વાનોના લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ભારતના માનનીય મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતનું પ્રસ્તાવના લેખ અને ભારતના સર્વોચ્ચ અદાલતના માનનીય જસ્ટિસ વિક્રમ નાથનું પ્રારંભિક લેખ સમાવિષ્ટ છે. શયાનનું આ પ્રકરણ મુખ્ય સંપાદક સિદ્ધાર્થ સિજોરિયાના આમંત્રણથી લખવામાં આવ્યું છે અને તેનું પ્રકાશન મોહન લો હાઉસ દ્વારા કરવામાં આવ્યું છે.
પોતાના વિસ્તૃત સંશોધન આધારિત આ પ્રકરણમાં શયાને ભારતના બંધારણીય વિકાસમાં પારસી સમાજના અસાધારણ યોગદાનનું સુંદર દસ્તાવેજીકરણ કર્યું છે. તેઓ પારસીઓના ભારત આગમન સાથે જોડાયેલી પ્રખ્યાત દૂધમાં સાકરની કથાથી શરૂઆત કરે છે, જે ભારતીય સમાજમાં પારસીઓના સૌહાર્દપૂર્ણ સમન્વયનું પ્રતીક માનવામાં આવે છે.
આગળ તેઓ દાદાભાઈ નવરોજી, સર ફિરોઝશાહ મહેતા, દીનશા વાચ્છા, હોમી મોદી અને રૂસ્તમ કે. સિધવા જેવા મહાનુભાવોએ ભારતના બંધારણીય વિકાસ અને સ્વાતંત્ર્ય ચળવળમાં ભજવેલી ઐતિહાસિક ભૂમિકાનું વિસ્તૃત વર્ણન કરે છે.
આ લેખમાં સર જમશેદજી કાંગા, નાની પાલખીવાલા, એચ. એમ. સીરવાઈ, સોલી સોરાબજી, ફલી નરીમાન, જસ્ટિસ રોહિન્ટન નરીમાન અને જસ્ટિસ જે. બી. પારડીવાલા જેવા અગ્રણી કાનૂનવિદો અને ન્યાયમૂર્તિઓના અમૂલ્ય યોગદાનની પણ ચર્ચા કરવામાં આવી છે. લેખ દર્શાવે છે કે પારસી સમાજની અનેક પેઢીઓએ બંધારણીય મૂલ્યોનું રક્ષણ કર્યું છે, નાગરિક સ્વાતંત્ર્યોની જાળવણી માટે મહત્વપૂર્ણ લડત આપી છે અને અનેક ઐતિહાસિક ન્યાયિક ચુકાદાઓના ઘડતરમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.
પ્રકરણના અંતે શયાન આશા વ્યક્ત કરે છે કે આવનારી પેઢીઓ પણ ભારતના બંધારણમાં સમાયેલ સ્વાતંત્ર્ય, ન્યાય અને લોકશાહી મૂલ્યોના સંરક્ષણની આ ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવશે.
આ લેખનો મુખ્ય હેતુ ભારતના બંધારણના ઘડતર, સંરક્ષણ અને રક્ષણમાં પારસી સમાજે આપેલા, ઘણી વખત અલ્પચર્ચિત છતાં અત્યંત ઊંડા અને મહત્વપૂર્ણ યોગદાનને યોગ્ય માન્યતા અપાવવાનો છે. શયાન બિસ્નેનું આ વિદ્વત્તાપૂર્ણ સંશોધન સમગ્ર પારસી સમાજ માટે ગૌરવની બાબત છે અને રાષ્ટ્રનિર્માણ, જાહેર સેવા તથા કાયદાના શાસન પ્રત્યે પારસી સમાજની અવિચળ પ્રતિબદ્ધતાના ગૌરવશાળી વારસાને વધુ મજબૂત બનાવે છે.
શયાન બિસ્નેનું બંધારણને અર્પિત સંશોધન પારસી સમાજના ગૌરવશાળી વારસાને ઉજાગર કરે છે

Leave a Reply

*