2 ઓગસ્ટ, 2026ના રોજ ઓકવિલ, ઓન્ટેરિયો ખાતે લગભગ 1,000 જરથોસ્ટીઓ એકત્ર થયા અને ઓન્ટેરિયો જરથોસ્તી કમ્યુનિટી ફાઉન્ડેશન ઓઝેડસીએફ આતશકદેહના ઐતિહાસિક ઉદ્ઘાટનના સાક્ષી બન્યા. આ પ્રસંગ ઉત્તર અમેરિકાના જરથોસ્તીઓ માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બન્યો.
ઓઝેડસીએફની 10 એકરની મિલકત, 1187 બર્નહામથોર્પ રોડ ઈસ્ટ ખાતે આવેલો આ આતશકદેહ એક પવિત્ર અને સાંસ્કૃતિક ઘર તરીકે પરિકલ્પિત કરવામાં આવ્યો છે, જ્યાં પેઢીઓ સુધી લોકો પ્રાર્થના કરી શકે, એકત્ર થઈ શકે, શીખી શકે અને પોતાના જરથોસ્તી વારસા સાથે જોડાયેલા રહી શકે. ઓન્ટેરિયો અને ઉત્તર અમેરિકાના 28 મોબેદોની ઉપસ્થિતિમાં પ્રાર્થના અને અગ્નિ પ્રગટાવવાની વિધિ સાથે સમારંભનો પ્રારંભ થયો.
ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરતાં નવા ચૂંટાયેલા ઓઝેડસીએફ પ્રમુખ રૂમી જસાવાલાએ સ્વયંસેવક સેવા, વ્યવસ્થાપન, દાતાઓની ઉદારતા અને સમાજની પ્રતિબદ્ધતાની 24 વર્ષની સફરને યાદ કરી, જેણે આ સ્વપનને વાસ્તવિકતામાં પરિવર્તિત કર્યું. તેમણે ખાસ કરીને ફિલ સિધવા, પ્લેસ ઓફ વર્શિપ એડવાઇઝરી કમિટીના અધ્યક્ષ અને ઓઝેડસીએફના ભૂતપૂર્વ પ્રમુખ નેવિલ પટરાવાલાનો આભાર માન્યો.
સિધવાએ 13 વર્ષ સુધી ચાલેલી આયોજન, મંજૂરીઓ, ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયા અને બાંધકામની સફરને યાદ કરી. તેમણે આતશકદેહને એક એવા પવિત્ર ઘર તરીકે વર્ણવ્યું જ્યાં આવનારી પેઢીઓ જરથુસ્ત્રના શાશ્વત સંદેશસારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યોને આગળ ધપાવી શકે. મુખ્ય દાતા પરિવારો, અસંખ્ય સ્વયંસેવકો અને ફંડરેઇઝિંગ અધ્યક્ષ મરઝી બાયરામજીના અમૂલ્ય યોગદાનને પણ બિરદાવવામાં આવ્યું.
પ્રથમ તબક્કામાં આતશ દાદગાહની સ્થાપના કરવામાં આવી છે, જ્યારે ઉચ્ચ ધાર્મિક વિધિઓ અને ધર્મગુરૂઓના અભિષેક માટે યસ્નાગાહ અને બરેશ્નુમની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ભવિષ્યના તબક્કામાં પવિત્ર આતશ-એ-આદરાનની સ્થાપના અને પૂર્ણ સમયના મોબેદની નિમણૂક કરવાની યોજના છે.
ઓન્ટેરિયોના પ્રધાન માઇકલ પારસા અને ઓકવિલના કાઉન્સિલર તથા કાર્યકારી મેયર ટોમ એડમ્સએ સમાજને અભિનંદન પાઠવ્યા. એફઈઝેડએએનએના પ્રમુખ એરવદ કયોમર્ઝ વાય. સિધવાએ આ પ્રસંગને સમગ્ર ખંડના જરથોસ્તીઓ માટે ઐતિહાસિક ગણાવ્યો.
2002માં સ્થાપિત ઓઝેડસીએફ જરથોસ્તી ધર્મ, સંસ્કૃતિ અને વારસાના જતન માટે સતત કાર્યરત છે. ઓકવિલમાં એકત્ર થયેલા લોકો માટે આ ઉદ્ઘાટન માત્ર નવા ઉપાસનાસ્થળના નિર્માણ કરતાં ઘણું વધારે હતું. તે દાયકાઓની શ્રદ્ધા, ઉદારતા અને સામૂહિક પ્રયત્નોનું પ્રતીક હતું એક એવું આધ્યાત્મિક ઘર, જ્યાં આવનારી પેઢીઓ પોતાના મૂળને ઓળખી શકે, પોતાની ઓળખની ઉજવણી કરી શકે અને જરથુસ્ત્રના શાશ્વત વારસાને આગળ ધપાવી શકે.
- ઝોરાસ્ટ્રિયન વિમેન્સ એસેમ્બલી ઓફ સુરત અને પારસી પ્રગતિ મંડળ દ્વારા સુરતમાં 3 દિવસીય કાર્યક્રમનું આયોજન - 5 September2026
- વીએનએસજીયુના પદવીદાન સમારોહમાં મહાફ્રીન દેસાઈએ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા - 5 September2026
- પિરોજશા ગોદરેજે ગોદરેજની વિરાસતને આગળ ધપાવી - 5 September2026
