જરથોસ્તી ધર્મગુરૂઓની આધુનિક સમાજમાં વિકસતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને, લંડનની એસઓએએસ યુનિવર્સિટી ખાતે આવેલી શાપુરજી પાલનજી ઈન્સ્ટિટ્યૂટ ઓફ જરથોસ્તી સ્ટડીઝ દ્વારા 29મી જૂનથી 4થી જુલાઈ, 2026 દરમિયાન પાંચ દિવસીય નેતૃત્વ વિકાસ કાર્યક્રમ ફયુચર જરથોસ્તીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જર અમરોલિયાના પ્રાયોજકત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો હેતુ ભાવિ મોબેદોને પરંપરાગત ધાર્મિક શિક્ષણ ઉપરાંત આધુનિક સમાજને માર્ગદર્શન આપવા માટે જરૂરી વિવિધ કૌશલ્યોથી સજ્જ કરવાનો હતો.
આ કાર્યક્રમમાં ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી આવેલા બાર યુવા મોબેદોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ધાર્મિક અધ્યયન સાથે નેતૃત્વ વિકાસનો સુંદર સમન્વય કરવામાં આવ્યો હતો. જરથોસ્તી ધર્મના મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત હોવા છતાં, આ કાર્યક્રમે ભાગ લેનારાઓને આજના સમયમાં ધર્મગુરુઓ પાસેથી અપેક્ષિત આધ્યાત્મિક માર્ગદર્શન, શિક્ષણ અને સમાજસેવાની જવાબદારીઓ માટે પણ તૈયાર કર્યા.
ઇન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. મેરિયાનો એરીકિયેલોના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના ડો. અર્શ ઝેની અને એસઓએએસ ના ડો. રૂઝબેહ હોડીવાલા દ્વારા શૈક્ષણિક વ્યાખ્યાનો યોજાયા હતા. જ્યારે અમેરિકા સ્થિત લીડરશિપ કોચ ફ્રેયા બર્ડી દ્વારા નેતૃત્વ, અસરકારક સંવાદ, જાહેર વક્તૃત્વ અને આધ્યાત્મિક માર્ગદર્શન (પેસ્ટ્રલ કેર ) વિષયક પ્રાયોગિક વર્કશોપ્સ યોજવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ભાગ લેનારાઓએ બ્રિટિશ લાઇબે્રરીની મુલાકાત લીધી, લંડન સ્થિત જરથોસ્તી સેન્ટરમાં યોજાયેલી તીરંગાન ઉજવણીમાં હાજરી આપી અને વર્ગખંડની બહાર પણ વિવિધ સહભાગી પ્રવૃત્તિઓ દ્વારા પરસ્પર ગાઢ મિત્રતા વિકસાવી.
આ પહેલને ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો અને આયોજકોને આશા છે કે તે વિશ્વભરના ઉભરતા મોબેદો વચ્ચે એક મજબૂત આંતરરાષ્ટ્રીય નેટવર્કનું નિર્માણ કરશે. વિશ્વભરના જરથોસ્તી સમાજો વધુ પરસ્પર જોડાઈ રહ્યા છે ત્યારે ફ્યુચર જરથોસ્તીઓ જેવા કાર્યક્રમો આત્મવિશ્વાસી, કરૂણાશીલ અને સક્ષમ આધ્યાત્મિક નેતાઓનું ઘડતર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
- પરિવારનું બંધન દરેક પારસી ઘરની નિઃશબ્દ શક્તિ - 8 August2026
- હુમ્તા, હુખ્તા, હવરશ્તા ત્રણ સરળ શબ્દો જે દુનિયા બદલી શકે છે - 8 August2026
- નવરોઝનો સાચો ભાવ આત્માના નવજીવનની શરૂઆત - 8 August2026
