સિંધ હાઇકોર્ટે ઐતિહાસિક સુક્કુર અગિયારીના તોડકામ પર રોક લગાવી

પાકિસ્તાનમાં જરથોસ્તી વારસાના સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ પગલા તરીકે, સિંધ હાઇકોર્ટની સુક્કુર બેન્ચે સદી જૂની મામા પારસી અગિયારીને તોડી પાડવાની કાર્યવાહી પર સ્ટે ઓર્ડર જારી કર્યો છે. આ આદેશ ઐતિહાસિક સ્થળને તાત્કાલિક કાનૂની રક્ષણ અને પુનઃસ્થાપન આપવા માટે દાખલ કરાયેલી બંધારણીય અરજીના અનુસંધાને આપવામાં આવ્યો છે.
દુઆ ચોક નજીક આવેલી આ અગિયારી 1923માં સ્થાપિત પારસી કમ્પાઉન્ડનો એક ભાગ છે, જેમાં ખાન બહાદુર માર્કર પારસી ધર્મશાળા અને ભૂતપૂર્વ મામા પારસી સ્કૂલનો પણ સમાવેશ થાય છે. એક સમય હતો જ્યારે આ પરિસર પારસી સમાજના સામાજિક અને ધાર્મિક જીવનનું ધબકતું કેન્દ્ર હતું, પરંતુ વર્ષોની અવગણના અને ગેરકાયદેસર દબાણોના કારણે આજે તેની સ્થિતિ અત્યંત જર્જરિત બની ગઈ છે.
શૌકત અલી મહાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં મિલકતની બગડતી હાલત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અરજીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા, અગિયારીને હેરિટેજનો દરજ્જોે આપવાની, સમગ્ર પરિસરનું પુનઃસ્થાપન કરવાની તેમજ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માંગ કરવામાં આવી છે.
આ પારસી કમ્પાઉન્ડનું નિર્માણ અગ્રણી ઉદ્યોગપતિ કેકોબાદ અરદેશીર માર્કર દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતના ભાગલા બાદ કારંજી પરિવાર ત્યાંથી સ્થળાંતર કરે ત્યાં સુધી આ પરિસર તેમનું નિવાસસ્થાન રહ્યું હતું. છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી સંભાળ રાખનાર હબીબ અહમદે આ મિલકતને વધુ ગેરકાયદેસર દબાણોથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું જણાવાય છે.
અગિયારીનું ઐતિહાસિક ચાંદીનું અફરગન્યુ, જે 1917માં શેઠ ફિરોઝશાહ રૂસ્તમજી મહેતા દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું, હાલમાં અમેરિકાના હ્યુસ્ટનમાં આવેલા જરથોસ્તી હેરિટેજ એન્ડ કલ્ચરલ સેન્ટરમાં સુરક્ષિત રીતે સંરક્ષિત છે.
સિંધ હાઇકોર્ટના આ હસ્તક્ષેપથી પાકિસ્તાનના જરથોસ્તી વારસાના આ અમૂલ્ય પ્રતીકના સંરક્ષણ અને પુનઃજીર્ણોદ્ધાર માટે નવી આશા જાગી છે.

 

Leave a Reply

*