હાલમાં આપણે જરથોસ્તી કેલેન્ડરનો બારમો અને અંતિમ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનો સ્પેન્ટા આરમઈતીને સમર્પિત છે – તે દિવ્ય શક્તિ, જે માતૃભૂમિ (પૃથ્વી)ની અધિષ્ઠાત્રી છે અને જગતમાં શાંતિ, પવિત્રતા તથા ભક્તિનો પ્રસાર કરે છે.
સ્પેન્ટા આરમઈતી વિનમ્રતા, કરૂણા, નિઃસ્વાર્થ સેવા અને પૃથ્વીની સંભાળના શાશ્વત આદર્શનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ પવિત્રતા અને ધર્મનિષ્ઠાના જીવંત પ્રતીક છે. આરમઈતીનો અર્થ છે એકાગ્ર ચિંતન, શાંત મનન અથવા ગહન ધ્યાન. જ્યારે તેની સાથે સ્પેન્ટા શબ્દ જોડાય છે, ત્યારે તેનો અર્થ થાય છે પવિત્ર, શાંત અને એકાગ્ર મનન, જે કરૂણાની ભાવના વિકસાવે છે અને પૃથ્વી સાથેના આપણા આધ્યાત્મિક સંબંધને વધુ ગાઢ બનાવે છે. જરથોસ્તી પરંપરામાં ધ્યાનનો અર્થ માત્ર અંતર્મુખી ચિંતન જ નહીં, પરંતુ અહુરા મઝદાની સૃષ્ટિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવો પણ છે. તે આપણા મનને અષા –દૈવી સત્ય અને વ્યવસ્થા –સાથે સુમેળમાં લાવે છે અને જાગૃત, કરૂણાસભર જીવન જીવવા પ્રેરણા આપે છે.
સ્પેન્ટા આરમઈતીનો ભાવ
પછીના જરથોસ્તી ગ્રંથોમાં સ્પેન્ટા આરમઈતીને પૃથ્વીના રક્ષક તરીકે વર્ણવવામાં આવ્યા છે, પરંતુ ગાથાઓમાં તેમનું મુખ્ય સ્વરૂપ નૈતિક અને આધ્યાત્મિક ગુણો પર આધારિત છે. માતૃભૂમિ ધીરજ, પોષણ, સહનશક્તિ અને સૌની નિઃસ્વાર્થ સેવા તથા વિનમ્રતાનું પ્રતીક છે. આ બધા ગુણો આરમઈતીના મૂળ સ્વભાવને પ્રતિબિંબિત કરે છે, તેથી જ તેમનો પૃથ્વી સાથેનો સંબંધ સ્થાપિત થયો હોવાનું માનવામાં આવે છે.
ગાથાઓમાં સ્પેન્ટા આરમઈતીને ભક્તિ અથવા સત્યમાર્ગી મનોભાવ તરીકે દર્શાવવામાં આવ્યા છે – એવો આંતરિક ભાવ, જેના દ્વારા મનુષ્ય સર્જનહારની ઇચ્છાને સમજી શકે છે અને અષા એટલે કે સત્ય, ધર્મ અને દૈવી વ્યવસ્થાના સિદ્ધાંતોને જીવનમાં ઉતારી શકે છે.
યસ્ના 45.4માં તેમને એવા એકાગ્ર અને સત્યનિષ્ઠ ચિંતન તરીકે વર્ણવવામાં આવ્યા છે, જે અહુરા મઝદા સાથે એકરૂપ થઈ સૃષ્ટિના સર્જનમાં સહભાગી બને છે. જ્યારે યસ્ના 48.6માં તેઓ એવા સદભાવના સ્વરૂપે પ્રગટ થાય છે, જે માનવજાતને શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
ગાથાઓમાં પ્રબોધક અશો જરથુષ્ટ્ર વારંવાર સ્પેન્ટા આરમઈતીને એવા માર્ગ તરીકે સંબોધે છે, જેના દ્વારા મનુષ્ય અહુરા મઝદાની વધુ નજીક પહોંચી શકે છે. સ્પેન્ટા આરમઈતી દ્વારા જ અહુરા મઝદા દૈવી વ્યવસ્થા અનુસાર સમગ્ર સૃષ્ટિના વિકાસ અને વૃદ્ધિનું સંચાલન કરે છે.
યસ્ના 43માં જરથુષ્ટ્ર પ્રાર્થના કરે છે
સ્પેન્ટા આરમઈતીના આશીર્વાદથી મને અડગતા અને વોહુ મન (સારા અને શુદ્ધ મન) પ્રાપ્ત થાય.
અહીં આરમઈતીને એવા આધ્યાત્મિક ગુણ તરીકે રજૂ કરવામાં આવ્યા છે, જે વોહુ મન (સુવિચાર)ને વિકસવા માટે યોગ્ય આધાર આપે છે. જરથોસ્તી પરંપરામાં ભક્તિનો અર્થ અંધ સમર્પણ નથી; પરંતુ સત્ય પ્રત્યેનું જાગૃત, સમજપૂર્વકનું સમર્પણ છે, જેનો પ્રત્યક્ષ પ્રગટાવ સદાચારપૂર્ણ કર્મોમાં થવો જોઈએ.
યસ્ના 44માં જરથુષ્ટ્ર સૃષ્ટિના રહસ્યો અંગે અનેક તત્ત્વજ્ઞાનિક પ્રશ્નો પૂછે છે અને અહુરા મઝદાની દિવ્ય બુદ્ધિ દ્વારા સમજ મેળવવાની પ્રાર્થના કરે છે. અહીં આરમઈતીએ એવા ગુણ તરીકે પ્રગટ થાય છે, જે મનુષ્યને દૈવી જ્ઞાન ગ્રહણ કરવા સક્ષમ બનાવે છે.
યસ્ના 51માં સ્પેન્ટા આરમઈતીનું વર્ણન એવા દિવ્ય તત્વ તરીકે કરવામાં આવ્યું છે, જે અષા (સત્ય અને ધર્મ) અનુસાર જીવન જીવતા લોકોને આશીર્વાદ અને ફળ આપે છે.
સારાંશરૂપે, ગાથાઓનો સ્પષ્ટ સંદેશ એ છે કે માત્ર યાંત્રિક રીતે પ્રાર્થનાઓનું પાઠન કરવાથી અથવા ધાર્મિક વિધિઓ કરવાથી અહુરા મઝદાની નજીક પહોંચી શકાતું નથી. અહુરા મઝદા સાથેની સાચી મૈત્રી માટે વોહુ મન (શુદ્ધ અને સારા વિચારો), અષા (સત્ય અને ધર્મ) તથા સ્પેન્ટા આરમઈતી (વિનમ્રતા સાથેની ભક્તિ અને સેવા)ને જીવનમાં ઉતારવા જરૂરી છે.
આથી, નૈતિક દૃષ્ટિએ સ્પેન્ટા આરમઈતી માત્ર એક દિવ્ય શક્તિ નથી, પરંતુ એક આંતરિક જીવનમૂલ્ય છે, જે વિનમ્રતા, અડગ શ્રદ્ધા, નિઃસ્વાર્થ સેવા અને સત્યનિષ્ઠ જીવન દ્વારા અભિવ્યક્ત થાય છે.
- પરિવારનું બંધન દરેક પારસી ઘરની નિઃશબ્દ શક્તિ - 8 August2026
- હુમ્તા, હુખ્તા, હવરશ્તા ત્રણ સરળ શબ્દો જે દુનિયા બદલી શકે છે - 8 August2026
- નવરોઝનો સાચો ભાવ આત્માના નવજીવનની શરૂઆત - 8 August2026
