ચિત્ર બનાવાયા બાદ લગભગ આઠ દાયકા પછી, ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન તરીકે જાણીતા ડો. દાદાભાઈ નવરોજીનું ઐતિહાસિક ચિત્ર લંડનની નેશનલ પોર્ટ્રેટ ગેલેરીમાં પ્રતિષ્ઠિત સ્થાન પામ્યું છે. પુનઃસ્થાપિત કરવામાં આવેલું આ ચિત્ર 2જી સપ્ટેમ્બર, 2026થી ગેલેરીના રૂમ 23માં એમ્પાયર એન્ડ રેઝિસ્ટન્સ પ્રદર્શનના ભાગરૂપે પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
આ ઓઇલ-ઓન-કેનવાસ ચિત્ર કલાકાર સોરાબ એમ. એફ. પીઠાવાલાએ 1946માં બોમ્બેમાં બનાવ્યું હતું. તેનું માપ 756 615 24 મિમી છે અને તે પશ્ચિમી વાસ્તવવાદી ચિત્રશૈલીને અનુસરે છે. દાદાભાઈ નવરોજીનું 1917માં અવસાન થયું હોવાથી, આ ચિત્ર સંભવતઃ તેમના ફોટોગ્રાફના આધારે બનાવવામાં આવ્યું હતું. સાત દાયકાથી વધુ સમય સુધી આ ચિત્ર લંડનની સ્ટ્રેન્ડ ખાતે આવેલી પ્રસિદ્ધ ઇન્ડિયા ક્લબના પ્રવેશદ્વાર પર ગૌરવપૂર્વક પ્રદર્શિત થતું રહ્યું અને સંસ્થાની સાંસ્કૃતિક સ્મૃતિનો એક ભાગ બની ગયું. 2023માં ઇન્ડિયા ક્લબ બંધ થયા બાદ તેના માલિક અને યુકે સ્થિત પારસી યદગાર મારકરે ચિત્રને સાચવી રાખવાની જવાબદારી નિભાવી. તેમણે આ ચિત્ર નેશનલ પોર્ટ્રેટ ગેલેરીને લોન પર આપ્યું, જ્યાં ધ કોર્ટોલ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટના પેઇન્ટિંગ પેયર્સ કાર્યક્રમ દ્વારા તેનું સંરક્ષણ અને પુનઃસ્થાપન કરવામાં આવ્યું. પુનઃસ્થાપિત ચિત્ર શરૂઆતમાં ત્રણ વર્ષ માટે લોન પર આપવામાં આવ્યું છે, જેને આગળ વધારવાની શક્યતા પણ છે.
આ ચિત્રની સફર પણ અત્યંત રસપ્રદ રહી છે. મારકરના જણાવ્યા અનુસાર, ચિત્ર મૂળરૂપે યુકેની સંસદમાં પ્રદર્શિત કરવા માટે આપવામાં આવ્યું હતું, પરંતુ તે સ્થળ માટે તેને અયોગ્ય ગણવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ઇન્ડિયા ક્લબમાં સ્થાન મળ્યું, જ્યાં તેણે ચોરીના એક પ્રયાસમાંથી પણ બચાવ કર્યો હતો.
મહાત્મા ગાંધી અને અન્ય અનેક મહાનુભાવોના માર્ગદર્શક તરીકે જાણીતા ડો. દાદાભાઈ નવરોજીનો જન્મ 1825માં બોમ્બેના એક ધર્મગુરૂ પારસી પરિવારમાં થયો હતો. તેઓ અગ્રણી રાષ્ટ્રવાદી, શિક્ષણવિદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગે્રસના સહ-સ્થાપક હતા. 1892માં તેઓ ફિન્સબરી સેન્ટ્રલ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા બ્રિટનના પ્રથમ એશિયન સાંસદ બન્યા હતા. તેઓ બ્રિટિશ વસાહતી શાસનના પ્રખર ટીકાકાર અને ભારતના સ્વ-શાસનના હિમાયતી હતા. ભારતના સ્વાતંત્ર્ય આંદોલનની અનેક પેઢીઓ પર તેમનો પ્રભાવ રહ્યો હતો. 1861માં નવરોજીએ ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડસ ઓફ યુરોપની પણ સહ-સ્થાપના કરી હતી.
- વડોદરા પારસી પંચાયત દ્વારા શિષ્યવૃત્તિ માટે અરજીઓ આમંત્રિત - 10 October2026
- નવસારી આતશ બહેરામની સાલગે્રહે 2,200થી વધુ લોકોને શ્રદ્ધા અને સ્નેહના બંધનમાં જોડ્યા - 10 October2026
- નવસારીએ ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેનને સન્માન આપ્યું - 10 October2026
