પારસી યુદ્ધ સ્મારક ખાતે શહીદ બહાદુરોને શ્રદ્ધાંજલિ

સ્થાપનાના એક સદી બાદ, મુંબઈની ખરેઘાટ કોલોની ખાતે આવેલું ઐતિહાસિક પારસી યુદ્ધ સ્મારક 2જી સપ્ટેમ્બર, 2026ના રોજ એક ગંભીર અને ભાવપૂર્ણ સામુદાયિક શ્રદ્ધાંજલિનું સ્થળ બન્યું. ફરવરદીગાન પર્વ (ફરવરદીન રોજ, ફરવરદીન માહ)ના પવિત્ર અવસરે લશ્કરી નિવૃત્ત જવાનો, નાગરિકો અને જરથોસ્તીઓ એકત્ર થયા અને દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર સમાજના શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી. આ પ્રસંગે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી અને સ્મારક સ્તંભ પર પુષ્પાંજલિ અર્પવામાં આવી, જ્યારે નૌકાદળના બ્યુગલરે પરંપરાગત લશ્કરી સન્માનની ધૂન વગાડી.
1926માં સામુદાયિક નાગરિક પહેલ દ્વારા બાંધવામાં આવેલા આ સ્મારકનું ઉદ્ઘાટન સર જમશેદજી જીજીભોયે કર્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનાર જરથોસ્તીઓની યાદમાં આ સ્મારક બનાવવામાં આવ્યું હતું. અંગે્રજી, ગુજરાતી અને અવેસ્તન ભાષામાં લખાયેલા શિલાલેખ ધરાવતું આ સ્મારક મહાયુદ્ધ દરમિયાન શહીદ થયેલા 46 પારસી સૈનિકો સાથે સંકળાયેલું છે. નજીકના અન્ય સ્મારકોમાં દ્વિતીય વિશ્વયુદ્ધ, 1962ના ભારત-ચીન સંઘર્ષ તેમજ 1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધોમાં શહીદ થયેલા સામુદાયિક સૈનિકોની પણ યાદ કરવામાં આવી છે.
ઉપસ્થિત રહેલા લોકોમાં કોમોડોર (નિવૃત્ત) અસ્પી મારકર પણ હતા, જેઓ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ અને 1999ના કારગિલ સંઘર્ષના અનુભવી સૈનિક છે. તેમણે નૌકાદળના બ્યુગલરની હાજરી સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બોમ્બે પારસી પંચાયત દ્વારા જાળવવામાં આવતું આ સ્મારક બોમ્બે પારસી એસોસિયેશન દ્વારા આયોજિત વાર્ષિક સ્મૃતિ સમારોહનું સ્થળ બને છે. એસોસિયેશન છેલ્લા છ દાયકાથી વધુ સમયથી આવા સ્મૃતિ કાર્યક્રમોનું આયોજન કરે છે. એક સદી બાદ પણ આ સામુદાયિક રીતે નિર્મિત સ્મારક પેઢીઓ વચ્ચેની એક શક્તિશાળી કડી બની રહ્યું છે અને હિંમત, દેશભક્તિ, સેવા તથા સર્વોચ્ચ બલિદાનની ગૌરવશાળી પરંપરાને જાળવી રહ્યું છે.

Leave a Reply

*