કિનાન ચેનાઈએ એશિયન ગેમ્સમાં સુવર્ણ નિશાન સાધ્યું

ભારતીય રમતગમતના ઈતિહાસમાં વધુ એક સુવર્ણ અધ્યાય ઉમેરતાં, ટ્રેપ શૂટર કિનાન દારાયસ ચેનાઈએ 30મી સપ્ટેમ્બર, 2026ના રોજ જાપાનના આઈચી-નાગોયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં નીરૂ ધાંડા સાથે મળીને ટ્રેપ મીકસ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ભારત અને પારસી સમુદાયનું ગૌરવ વધાર્યું. તેમની શાનદાર 34/40ની ફાઈનલ સ્કોરે નવો એશિયન રેકોર્ડ સ્થાપ્યો અને આ ઈવેન્ટમાં ભારતને એશિયન ગેમ્સનું પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યું.
આ વિજયથી 35 વર્ષીય કિનાનની પ્રતિષ્ઠિત કારકિર્દીમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. ટ્રેપ શૂટિંગના નિષ્ણાત કિનાને 2016ની રિયો ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 2021ના વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય પુરૂષોની ટ્રેપ ટીમનો પણ તે ભાગ હતો. હવે તેના નામે ત્રણ એશિયન ગેમ્સ મેડલ છે. અગાઉ તેણે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં પુરૂષોની ટ્રેપ ટીમમાં ગોલ્ડ અને વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
હૈદરાબાદમાં જન્મેલા કિનાનને શૂટિંગનો પરિચય તેના પિતા અને બે વખતના નેશનલ ટ્રેપ ચેમ્પિયન દારિયસ ચેનાઈએ કરાવ્યો હતો. ત્યારબાદ તેણે ચાર વખતના ઓલિમ્પિયન મંશેર જોય સિંહ અને ઈટાલિયન કોચ માર્સેલો ડ્રાડી હેઠળ તાલીમ લીધી. તાજેતરમાં તેમણે ઓલિમ્પિક ચેમ્પિયન ડેવિડ કોસ્ટેલેકી અને ભારતના વિદેશી કોચ પીટર વિલ્સન સાથે પણ તાલીમ લીધી, જેના કારણે તેમની ટેકનિકમાં વધુ નિખાર આવ્યો.
તેમની આ તાજેતરની જીતને ખાસ લાગણીસભર બનાવતી બાબત એ હતી કે કિનાને તેના પિતાની જૂની બંદૂકની બેરલનો ઉપયોગ કર્યો હતો. આ જ બેરલથી દારાયસે બે નેશનલ ચેમ્પિયનશિપ ખિતાબ જીત્યા હતા. કિનાને ગયા વર્ષે આ બેરલનો ઉપયોગ શરૂ કર્યો હતો અને હવે તેને તે પોતાનું લકી ચાર્મ માને છે.
શૂટિંગની શ્રેષ્ઠતા તેના સાસરી પક્ષમાં પણ જોવા મળે છે. કિનાનના લગ્ન મરહુમ એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ વિજેતા અને ટ્રેપ શૂટિંગ ચેમ્પિયન રણધીર સિંહની પુત્રી રિયા રાજેશ્વરી કુમારી સાથે થયા છે.
ફાઈનલ માટે ચોથા ક્રમે ક્વોલિફાય થયા બાદ કિનાન અને નીરૂની આ રેકોર્ડબે્રકિંગ જીત વર્ષોની શિસ્ત, ખંત અને સંયમનું પ્રતિબિંબ બની.
પારસી ટાઈમ્સ કિનાનને આ સુવર્ણ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવે છે. તે ભવિષ્યમાં પણ ભારતનું ગૌરવ અને પારસી સમાજનું નામ વધુ ઊંચું કરે તથા સફળતાના વધુ શિખરો સર કરતાં બુલ્સઆઈ પર નિશાન સાધતો રહે તેવી શુભેચ્છા!

Leave a Reply

*