ભાડાપટ્ટાના કરારોને ભાડૂત અધિકારમાં ફેરવવા અંગે બીપીપીના ત્રણ ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનરનો સંપર્ક કર્યો

બોમ્બે પારસી પંચાયત બીપીપીમાં લીવ એન્ડ લાઇસન્સ કરારોને ભાડૂત અધિકારોમાં ફેરવવાના મુદ્દે ચાલી રહેલો વિવાદ વધુ વકર્યો છે. બોર્ડના ચાર બહુમતી ટ્રસ્ટીઓ દ્વારા સમર્થિત નિર્ણય સામે હસ્તક્ષેપની માગણી સાથે ત્રણ ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનરનો સંપર્ક કર્યો છે.
ટ્રસ્ટીઓ અનાહિતા દેસાઈ, ડો. આદિલ માલિયા અને હોશંગ જાલએ બીપીપી ના ચેરમેન વિરાફ મહેતા તથા ટ્રસ્ટીઓ આરમઈતી તિરંદાઝ, માહરૂખ નોબલ અને ઝર્કસીસ દસ્તુર સામે કાર્યવાહી શરૂ કરી છે. આ વિવાદને પગલે સમાજની રહેણાક મિલકતો પર લાંબા ગાળે થનારી અસરો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આ વિવાદની શરૂઆત 9 જૂન, 2026ના રોજ બોર્ડ દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી થઈ હતી. આ નિર્ણય હેઠળ ની 22 બાગોમાં રહેતા આશરે 1,900 લાઇસન્સધારકોને ભાડૂત અધિકારો મેળવવા માટે અરજી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સમાચાર અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં આશરે 100 અરજીઓ મળી છે અને 5 ઓક્ટોબરના રોજ ત્રણ કરારોની નોંધણી કરવામાં આવી હતી.
અસહમતિ દર્શાવનારા ત્રણ ટ્રસ્ટીઓનું કહેવું છે કે આ નિર્ણયની કાનૂની, નાણાકીય અને વહીવટી અસરો અંગેના 38 પ્રશ્નોના જવાબ હજુ મળ્યા નથી. તેમનો એવો પણ આક્ષેપ છે કે મહત્ત્વના ટ્રસ્ટ ડીડસ અને દાતાઓને લગતા દસ્તાવેજો તપાસ માટે આપવામાં આવ્યા નથી.
તેમની મુખ્ય ચિંતાઓમાં પારસીઓ માટે જ રહેઠાણની જોગવાઈનું રક્ષણ, દાતાઓની ઇચ્છાનું સન્માન, ટ્રસ્ટના પુનર્વિકાસના અધિકારોનું જતન અને સંભવિત નાણાકીય જવાબદારીઓથી બચવાનો સમાવેશ થાય છે.
બીજી તરફ, બહુમતી ટ્રસ્ટીઓનું માનવું છે કે આ ફેરફારથી રહેવાસીઓને વધુ રહેણાક સુરક્ષા મળશે અને જરૂરી સુરક્ષાત્મક જોગવાઈઓ પણ જળવાઈ રહેશે. પૂરતી સ્પષ્ટતા આપવામાં આવી નથી એવા આક્ષેપોનો વિરોધ કરતાં તેમણે જણાવ્યું છે કે કેટલાક ઐતિહાસિક દસ્તાવેજો શોધી શકાયા નથી.
આ મુદ્દાનો ઉકેલ આવે ત્યાં સુધી વધુ કરારોને ભાડૂત અધિકારોમાં ફેરવવાની પ્રક્રિયા સ્થગિત રાખવાની માગણી ત્રણ ટ્રસ્ટીઓએ કરી છે.
આ સમગ્ર ઘટનાએ સમાજ સમક્ષ એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો કર્યો છે રહેવાસીઓના હિતોનું રક્ષણ કરવાની સાથે ભાવિ પેઢીઓ માટે ના અમૂલ્ય રહેણાક વારસાને શ્રેષ્ઠ રીતે કેવી રીતે જાળવી શકાય?

 

Leave a Reply

*