ફરજ ગુજારવાનો આવો ખ્યાલ આપણને શીખવે છે કે આપણે શાંત નેકીઓથી સંતોષ પામવાનું નથી, પણ ચપળ નેકીઓ પણ અખત્યાર કરવાની છે. હું હાથમાં માળા લઈ જપ કર્યા કરૂં, સાચ્ચું વમાસું, સાચ્ચુ બોલું, સાચ્ચાં કામો કરૂં, કોઈને દુ:ખ દેઉં નહિ; એ સર્વ અલબતે ભલી જીંદગીના કામો છે, પણ તે પુરતાં નથી, તે સંપુર્ણ નથી, તે જીંદગીને સંપુર્ણ બનાવતાં નથી. તે શાંત નેકીઓનાં કામો છે. તે સાથે આપણે ચપળ નેકીનાં કામો કરવાં જોઈએ. ચોક્કસ હદમાં માળા લઈ ખુદાની જપ કરવી, એ એક ભલું કામ છે પણ આપણે પોતે માળા લઈ જપ કરી શાંત બેસી રહેવું નહિ, પણ ચપળ બની આપણી આજુબાજુ ઘણાઓને પણ ચોક્કસ હદે ‘માળા જપતાં’ કરવાં જોઈએ. જ્યારે હું કહું છું કે ‘માળા જપતાં કરવાં’ એટલે એમ નહિ કે તેઓને ફકત ‘રામ રામ’ પોકારતા કરવા, પણ મતલબ આ કે જ્યાં અહુરમજદનો ડર નહિ રખાતો હોય ત્યાં અહુરમજદનો ડર રખાતો કરવો.
આપણે પોતે ભલા છિએ, સાચ્ચું વમાસ્યે, બોલ્યે અને કર્યે છીએ, તેથી આપણે સ્વર્ગમાં જઈશું. એવો શાંત વિચાર અધુરો ને ભુલભર્યો છે. અલબતે એમ કરવાથી આપણે બેહેશ્તમાં એક પ્રકારની ચહડતી હાલતમાં જઈશું, પણ યાદ રાખવું કે બેહેશ્તના ચહડતી હાલતના પણ દરજ્જા છે. માટે જોકે આપણે બેહેશ્તમાં જઈશું, તો પણ ચહડતાં બેહેશ્તમાં, વધુ સંપૂર્ણ બેહેશ્તતમાં જઈશું નહિ. આપણે બીજાંઓને પણ ભલાં કરવાં, તેઓને પણ સાચ્ચું વમાસ્તા અને બોલતાં અને ભલાં કામો કરતાં કરવાં. એમ કરવાથી આપણે ચહડતાં બેહેશ્તમાં જઈશું.
આજે આપણે રાહનુમાએ સભાનાં આમંત્રણથી ભેગા મલ્યા છીએ, ત્યારે ‘રાહનુમાઈ’ના સંબંધમાં એ બાબતનો વિચાર કરો. આપણી સર્વની ફરજ છે કે આપણે પોતે ભલા થવું, એટલું જ નહિ, પણ ભલાઈના માર્ગમાં બીજાંઓની રાહનુમાઈ કરવી. આપણાં એક પુસ્તકમાં એક અસરકારક દાખલો મલે છે કે, એક ધણી પોતાની ભલી વર્તણુંકથી બહેશ્તમાં જતો હતો, પણ ત્યાં તેની ધણીયાણીએ તેના કપડાંની દામાન પકડી તેને અટકાવ્યો, એવું કહીને કે “દુનિયામાં તું જ એકલો ભલે માર્ગ ચાલ્યો! તે શા કાજે રાહનુમાઈ કરી, મને પણ ભલે માર્ગે ચલાવી નહિ?”
દુનિયામાં રહીને ઈશ્ર્વરી યા મીનોઈ જીંદગી
ત્યારે આપણ સર્વએ ફકત સાંત નેકીઓ જે નહીં પણ ચપળ નેકીઓ પણ અખત્યાર કરવાની છે. એમ કરી આપણે ઉપર કહેલા આપણા સર્વ સંબંધો જાળવવાના છે. આપણ સર્વ ‘બે દુનિયા’ યા ‘બે જીંદગી’ માટે બોલીએ છીએ. એક માટે કહીએ છીએ કે ‘આ દુનિયા અથવા આ જીંદગી’ બીજી માટે બોલીએ છીએ કે “બીજી દુનિયા અથવા બીજી જીંદગી” મરણ પછીની જીંદગી માટે આપણે સાધારણ રીતે બીજી જીંદગી તરીકે બોલીએ છીએ. એ જ પ્રમાણે શારીરિક જીંદગી અથવા આત્મિક જીંદગી માટે બોલીએ છીએ. પારસી પુસ્તકોમાં એ આત્મિક જીંદગી, મીનોઈ જીંદગી તરીકે પણ બોલાય છે. આત્મિક અથવા મીનોઈ જીંદગીએટલે આપણી પાંચે ઈન્દ્રિયોથી ભોગવાતી, હાડમંડ યા શારીરિક જીંદગીથી જુદી, આત્મા યા રવાનના સંબંધની જીંદગી, કે જે સાથે શરીર કરતાં મનને વધારે કામ છે. ત્યારે આવી મીનોઈ જીંદગીનાં ચહડતા તબક્કા માટે આપણે આ ગેથીમાં આવી રીતે જીવવું જોઈએ કે જાણે આ દુનિયા તરફ જોતાં આપણે મુએલા પડ્યા હોઈએ. પણ અહુરમજદ તરફ જોતાં, તેની મીનોઈ જીંદગી તરફ જોતાં, જીવતા હોઈએ. (We may die to the world so that we my live to God). એમ કરવા માટે દુનિયાને તર્ક કરવાની નથી કે બાયડી છોકરાંને તજવાનાં નથી. દુનિયામાં રહીને એવી જીંદગી ગુજારવાની કોશેશ કરવી જોઈએ. આ દુનિયાના સંબંધો આપણે તોડવાના નથી, પણ તે સંબંધો ઉપર વડપણ (Mastery) મેળવવાનું છે. આ દુનિયામાં જ રહીને જાણે દુનિયાથી એક રીતે છુટા રહેવાનું છે. દુનિયાથી છુટા રહેવું, એટલે આપણા પગ ઉપર વધુ આધાર રાખતા રહેવું. આ જીંદગીમાં તમો તમારે જ આધારે રહો તેવી રીતે જીંદગી ગુજારો. આ જીંદગી બાદ તમારી બીજી જીંદગીમાં પણ તમો કોઈ બીજાંને આધારે યા બીજાની દયા ઉપર, તેનાં કીધેલાં ઉપર આધાર રાખી શકશો, એવો ખ્યાલ દૂર કરો.
સંપુર્ણ જીંદગી માટેના ત્રણ સંબંધો યા ફરજો
આપણે જોયું કે સંપૂર્ણ, ધાર્મિક, મીનોઈ યા ખરી નીતિવાન જીંદગી ગુજરવા માટે આપણે આપણા ‘સંબંધો’ જાળવવા જોઈએ. આપણે જોયું કે એ સંબંધો ત્રણ પ્રકારના છે. તે સંબંધો ઉપરથી ઊભી થતી ફરજો પણ ત્રણ પ્રકારની છે.
- અહુરમજદ તરફની ફરજ.
- આપણી આજુબાજુની જગત – માણસ ભાઈબંદો, જાનદાર પેદાયશ વગેરે તરફની ફરજ.
- આપણા પોતાના આત્મા યા રવાન તરફની ફરજ.
જગતના કર્તા તરફ, કુદરતના ખાવિંદ તરફ, સર્વનાં પેદા કરનાર અહુરમજદ તરફ ફરજ બજા લાવવી, એ સર્વનો ધર્મ છે. અહુરમજદની પરસ્તેશ એ શબ્દોમાં અહુરમદજની પોતા તરફની ફરજ સમાય છે. અહુરમજદની પરસ્તેશમાં નીચલી બાબતો સમાય છે.
- અહુરમજદની સેતાયશ યા સ્તુતિ કરવી.
- અહુરમજદનો ઉપકાર માનતા રહેવું.
- અહુરમજદની મરજીને તાબે થવું. તે આપણાથી નારાજ ન થાય તે માટે કાળજી રાખવી.
- અહુરમજદ આગલ અર્જ ગુજારી તેની પાસે આપણી મોરાદો માગવી. એ મોરાદોમાં પાયા સમાન મુખ્ય મોરાદ આ છે કે, અહુરમજદ આપણને સારી હેદાયત બક્ષે.
- અહુરમજદ પાસે આપણી તકસીરો માટે, આપણી ફરજ બજા લાવવાની ખામીઓ માટે માફી ચાહવી.
અહુરમજદ તરફ એ ફરજો બજા લાવવાથી આપણે આપણી બીજી ફરજો – આપણી આજુબાજુનાંઓ તરફની ફરજો, આપણા પોતાનાં રવાન તરફની ફરજો – બરાબર બજા લાવવાને શક્તિવાન થઈએ છીએ.
(ક્રમશ)
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025