પ્યારી સરજમીન ઈરાનના ભૂલાઈ ગયલા મહાન પારસી યોદ્ધાઓમાંના એક યાદગાર યોદ્ધા આર્તાચીઈસને લગતી ટુંક નોંધ આજે આપણે રજુ કરીશું. આ નામાંકિત પારસી નરને લગતી અતિશય ટુંકી નોંધ તવારિખનો પિતા નામિચો ગ્રીક તવારિખનવેશ હીરોડોટસ પોતાનાં પ્રસિદ્ધ પુસ્તકમાં લખી ગયો છે તે ઉપરથી નિચલો હેવાલ ઉપજાવી
કાઢ્યો છે:-
અમર આર્તાચીઈસ હખામનીશના નામિચા પારસી પાદશાહી ખાનદાનનો એક વનામાંકિત નબીરો હતો અને તે જગમશહુર ખાનદાનનું ઉંચુ બ્લુ લોહી તેની રગોમાં વહેતું હતું. તેનું શારીરિક બંધારણ કોઈ પણ માણસને અદેખાઈ ઉપજાવે તેમ હતું. તેનું કદ રાક્ષસી હતું. અને ઉંચાઈમાં તો તેની બરાબરી તે જમાનામાં કોઈ પણ કરી શકતું નહિ.હીરોડોટસના કહેવા મુજબ તેની ઉંચાઈ પાંચ ક્યુબિટમાં ફકત ચારજ આંગળ કમી હતી યાને હાલની ગણત્રી પ્રમાણે 8 ફીટ 2 ઈંચની તે રાક્ષસી ઉંચાઈ ધરાવતો હતો. તેની પછી ઉંચાઈમાં બીજે નંબરે હખામની શાહાનશાહ મહાત્મા ક્ષયાર્શા (ઝર્ક્ષીઝ) પોતે આવતો હતો. વળી કહે છે કે આખી દુનિયામાં તેના જેવો મોટો અવાજ કોઈનો પણ હતો નહિ.
શારીરિક બળ અને બંધારણમાં જ્યારે તે બિનહરિફ હતો ત્યારે તેનું માનસિક બળ પણ હયરત કરનારૂં હતું. તે અત્યંત અક્કલમંદ અને ઘણોજ બાહોશ હતો. તેણે પોતાના હાથ હેઠળનાઓનો પ્યાર જીતી લીધો હતો.
મહાત્મા ક્ષયાર્શાનો તે અતિશય માનિતો હતો. તેથી તે નામદારે એથોસની નેહેરનાં મહાભારત બાંધકામ ઉપર દેખરેખ રાખવાનું જોખમભર્યું કામ તેને સોંપ્યું હતું. તે ઉંચો ઓધ્ધો તેણે થોડાંક વરસો સૂધી ભોગવ્યો. પરંતુ જ્યારે પોતાની ગ્રીસ ઉપરની મહાભારત ચઢાઈ દરમ્યાન મહાત્મા ક્ષયાર્શા કુચ કરતો છેક એકેન્થસ શહેર સૂધી આવી પહોંચ્યો ત્યારે તે પ્રસિદ્ધ સરદાર થોડા દિવસની માંદગી ભોગવી મરણ પામ્યો. તેનાં મોતથી તે તાજદારને ભારે ગમ ઉપજ્યો. કારણ કે તે તે રાજકર્તાનો સર્વથી વફાદારમાનિતો સપેહસાલાર હતો. તેની લાશને દફનાવી ઠેકાણે પાડવા તે નામદારે એક ભપકામંદ અસ્તોદાન બંધાવ્યું હતું. કહે છે કે તેની પાયદસ્તની ક્રિયામાં આખા ઈરાની લશ્કરે ભાગ લઈ તેને મોટું માન આપ્યું હતું.
પરંતુ યાદગાર આર્તાચીઈસની બાબદમાં પારસીઓને મગરૂરી કરનારો જે બનાવ બન્યો તે તો નિચે મુજબ છે: કહે છે કે તે જગપ્રસિદ્ધ યોેધ્ધો પોતાના ગ્રીસ ખાતેના ટુંક અમલ દરમિયાન ગ્રીક લોકોનો ઘણોજ માનિતો થઈ પડ્યો હતો. તેની હયાતીમાં તેનું રાક્ષસી કદ જોઈ ગ્રીક લોકો તેને એક પહેલવાનના જેટલું મોટું માન આપતા હતા. પણ તેનાં મૃત્યુ પછી તો એકેન્થિયન ગ્રીકો તેને એક દેવતા સમજી તેની આરાધના કરવા લાગ્યા અને જ્યારે પણ તે વહેમીઓ પોતાની કોઈ ધારણા પાર પાડવા માંગતા ત્યારે તેઓ તેને યાદ કરી તેની મદદના તલબગાર થતા. પારસીઓ માટે આ બનાવ ખચિતજ મગરૂરીભર્યો ગણાવો જોઈએ.
ખરેખર તેના જેવા વીરનરને ધરાવવા માટે તે જમાનાના પારસીઓ મગરૂર અને ભાગ્યશાળી હતા. તેને લગતી ઝાઝી નોંધ જો કે આપણને મળી નથી, તો પણ તેની જીંદગી આપણને એક ઉમદા ધડો શિખવે છે. કમનશીબે તેને લગતું બધું વર્ણન આપણને મળતું નહિ હોવાથી તેના જેવા બુદ્ધિશાળી નીતિમાન મહાન પુરૂષનાં બીજાં કીર્તીવંત કામોથી આપણે બિલકુલ બેખબર છીએ. એવા નામાંકિત નરને આજના મોજીલા પારસીઓ સદંતર ભૂલી ગયા છે. તે તેઓ માટે શોભાભર્યું કવચિતજ ગણાય. શું આ આર્તાચીઈસનું રૂડું નામ નામધરણની ટીપમાં લેવાને લાયક નથી?
આપણા એ વહાલા વડીલના અશો ફરોહરને મોટા માન સાથે યાદ કરી ખતમ કરૂં છું.
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025