પછી એક નિસાસા સાથ તેણીએ જણાવી દીધું.
‘વેલ અનતુન, મને મોટા બાઈએ તારી સાથ ગાડી ધોવા મોકલાવી છે, તેથી આપણે કામ ચાલુ કરી દઈએ.’
એ સાંભળી તેણીના વરસોનાં જૂના ડ્રાઈવરનો મુખડો રાતો મારી ગયો, ને તેને મકકમતાથી કહી સંભળાવ્યું.
‘મીસી, તમો બાજુ થાઓ, હું એકલો ધોઈ નાખશ.’
‘પણ અનતુન, જો મોટાબાઈ જાણશે તો ગુસ્સે થઈ જશે.’
એ સાંભળી ફરી તે ડ્રાઈવરે મકકમતાથી બોલી દીધું. ‘ને શેઠ જાણશે તો વધુ જ ગુસ્સે થઈ જશે, કારણ એવણ તમારી આગળ એવું કામ કરાવવા તો માંગતા જ નહીં હશે.’
ખરે જ ત્યારે શિરીન વોર્ડન પોતાના મનમાં વિચારી રહી કે શેઠને તેણી માટે કેટલું માન તથા દયા હશે તેનો કશો ઝાંખો ખ્યાલ તે ડ્રાઈવરને ગયો હશે જ નહીં કે તેણીએ પણ દુ:ખી જિગરે કહી સંભળાવ્યું. ‘કંઈ નહી અનતુન, કામ કરવામાં કંઈ એબ નથી, ને આવી સુંદર રમકડાં જેવી ગાડી ધોવા કોણને નહીં ગમે.’ અને તે પુરાના નોકરની ઘણી પણ ના મરજી છતાં શિરીન વોર્ડન પોતાના વહાલાની ગાડી ધોવા માંડી ગઈ.
થોડીકવારે કંઈક અવાજ થતાં તેણીએ પાછળ ફરી જોયું તો એક જુવાનિયાઓની ટોળી ઠઠ્ઠા મશ્કેરી કરતી તેણી તરફ આવતી માલમ પડી.
તેમાંની એક છોકરીએ મશ્કેરી કરી જણાવી દીધું. ‘પેલી શિરીન વોર્ડનને એપ્રન સાથ ફિરોઝ ફ્રેઝરની ગાડી ધોતાં જોઈ કે?’
ને એક જવાન મરદે તેણીને ટેકો આપતા કહી સંભળાવ્યું. ‘આઈ વિશ કે મારી આગળ હમણાં તેણીનો સ્નેપ લેવા એક કેમેરા હોતે. વોટ અ સાઈટ.’
તેટલાં એક ત્રીજી ફિરોઝ ફ્રેઝરની સામે મીઠાસથી જોઈ બોલી પડી.
‘ખરેખર ફિરોઝ, કોઈએ કદી ડ્રીમ નહીં કીધું હોશે કે પેલા વિકાજી વોર્ડનની દીકરી કદી તારે ત્યાં નોકરી કરશે.’ ને ચોથીએ તેમાં ઉમેરો કીધો.
‘હવે તો તદ્ન એ લોક ભીખારી થઈ ગયાછ, ને એવી ભીખારડી જેવીને ફિરોઝ, તારે તારા કાસલમાં પણ રાખવી નહીં જોઈતી હતી.’
એ સર્વ વાતચીત સાંભળી શિરીન વોર્ડનનું દીલ દુખાઈ આવ્યું. તેણીના સારા વખતમાં તેઓ સર્વ તેણીના મિત્ર હતા, જ્યારે આજે તેણીનાં પડતીનાં દિવસોમાં તેઓ સર્વ તેણીની મશ્કેરી કરી રહ્યા.
તેઓ સર્વના હાથમાં ટેનિસ રેકેટ હતા અને બનવાજોગ હતું કે તેઓ તે રમત પૂરી કરી કાસલ તરફ જતાં માલમ પડયા.
પણ તે બધાન વચ્ચે ફિરોઝ ફ્રેઝર, ઓપન શર્ટ કોલરમાં પોતાના હાથમાં ટેનિસ રેકેટ સાથે તેણી તરફ આવતો જણાઈ આવ્યો કે શિરીન વોર્ડનનું જિગર ધબકી ઉઠયું.
તે મરર્દાનગીભર્યો ચહેરો વધુ જ રાતો મારી ગયો ને તે હોઠો એક પળ કરડાથી વળ ખાઈ જઈ પુકારી ઉઠયા. ‘શિરીન, કોણે તુંને ગાડી ધોવાનો હુકમ આપ્યો?’
‘તમારા મધરે.’
‘તો મારો હુકમ છે કે અતર ઘડી કાસલમાં વિદાય થઈ જા, ને ફરીથી કદી મારી ઓફિસ યા ગાડીને હાથ લગાડશે નહીં. આજે પીયુન કયાં ગયોછે?’
‘તમારા મધરે આજથી તેને રજા આપી છે, ને તેનું કામ મને સોંપેલુ હોવાથી હું તમારી ગાડી ધોતી હતી.’ એ સાંભળી તે ભૂરી આંખોમા ગુસ્સાનો લાલાસ પ્રગટી નીકળ્યો ને તેને બરાડ મારી પૂછી લીધું. ‘કોણના હુકમથી મંમાએ મારા માણસને રજા આપી? તું હમણાં જા શિરીન, પછીથી હું મંમા આગળ વાત કરશ.’
અને જ્યારે ઝરી જુહાકે શિરીનને પાછી ફરેલી જોઈ કે તેઓનાં ભેજાંનો ચિલ્લો ચઢી જતો માલમ પડયો. ‘કોણના હુકમથી તું પાછી આવી છોકરી?’
‘શેઠે ના કહ્યું તેથી આવી.’
‘પણ મારો તુંને હુકમ હતોને ગાડી સાફ કરવાનો, પછી તને શું જર હતી શેઠને કહેવાની?’
‘જી મે કહ્યું જ નથી. એવણે મને ગાડી ધોતા જોઈ ને ઘણા છેડઈ પડયા.’
(ક્રમશ)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024