આંય લેખનું મથાળું વાંચીને લોકો એવું જ માનશે કે આંય પારસી મગજનો ધસેલો છે! બધાંને એવુંજ લાગશે કે આંય પારસીનું ચકાસી ગયું છે! પણ નહિજી, ખુદાની દુવાથી હું ઘણા સાબુત દિમાગનો છેઉં, અને હંમેશ તેવો રહેવશ તેની મને સો ટકા ખાત્રી છે.
દુન્યા કશાંથી વાંઝણી નથી, અને બે હાથ વગર તાળી પડતી નથી. દરેક સિક્કાની બે બાજુઓ હોય છે તેજ પ્રમાણે દરેક ચીજનો લાભ હોય છે તથા હાનિ હોય છે. દરેક વસ્તુનો ફાયદો હોય છે અને નુકસાન હોય છે. આંય અટળ નિયમ છે અને તેમાં કોઈ અપવાદ નથી.
જો હું બોડકો હોતે તો મને કદી વાળ કપાવવા નહિ પડતે. મને કદી સલુનમાં જવું નહિ પડતે અને લાઈનમાં બેસવું નહિ પડતે! જોકે આપણા દેશમાં ઠેરઠેર લાંબી ક્યુ જોવા મળે છે. બસ સ્ટૉપ હોય, રેલ્વે સ્ટેશનની ટિકીટબારી હોય, વોટ આપવાનું મથક હોય કે લાઈટનું બીલ ભરવાનું કેન્દ્ર હોય. અરે કોઈવાર જાહેર રસ્તા પર શૌચાલય હોય, ત્યાંબી લાઈન લાગે છે!!
આપણે ફરી મૂળ વાત પર આવ્યે. મને કદી હજામત કરાવવા હજામને પૈસા આપવા નહિ પડતે, કદી ટીપ આપવી નહિ પડતે! મને કદી હેર ઓઈલની બાટલી લેવી નહિ પડતે, કદી બ્રશ યા કાંસકો વાપરવો નહિ પડતે. અલબત મને વધુ પડતો સાબુનો ઉપયોગ કરવો પડતે. અંગ્રેજી ભાષામાં એક કહેવત છે:
“Lesser the hair you have to comb, more the face you have to wash!”
જો હું બોડકો હોતે તો બધાં મને સિનિયર સિટીઝન માનતે. કોઈ મને અંકલ કહેતે, કોઈ કાકા કહતે અને કોઈ ચાચા કહતે! બેંક હોય યા પોસ્ટ ઓફિસ હોય, મને કદી લાઈનમાં થોભવું નહિ પડતે. હું વટથી આગળ નંબર લગાડતે અને સિફતથી વચમાં ઘુસી જતે! જો હું ટ્રેનમાં મુસાફરી કરતે તો મને દબાઈ ચેપાઈને ભીડમાં ઉભા રહેવું પડતે પણ જો હું બસમાં ટ્રેવલિંગ કરતે તો જરૂર કોઈ ભલો આદમી મને સીટ ઓફર કરતે! એવું કવચિત બને છે, કારણ કે ઘણા મરદો બૈરોમાસ્ટર છે અને તેઓ મોટે ભાગે યુવાન છોકરીઓ, અને સ્ત્રીઓને જગ્યા ઓફર કરે છે!
બોડકા થવું તે કાંઈ ગુના નથી, એમાં જેટલા આશિષ છે તેટલોજ અભિશાપ છે. મને રસ્તે શેરીએ ચાલતા, બહુ સંભાળવું પડતે કારણ કે ઘણા ચક્રમ લોકો, ઘેરની બારીમાથી, યા તો અગાસીપરથી ચીજ વસ્તુઓ બાહર ફેંકે છે. મારા બોડકાં માથાંને લીધે મને સાવધ રહેવું પડતે! કોઈ ચવિંત્રા યુવકો મને ચીડવતે, અને પૂકારતે “એ ટકલુ! એ ટાલટી!” અને મને તે સાંભળુ પડતે. કોઈ ઘડી ઘડી મારું શીર પસવારતે અને માથે હાથ ફેરવતે અને મને તે સહન કરવં પડતે! કોઈ જાણી જોઈને મને ટપલો મારતે યા માથે ટકોરે લગાવતે અને મને મુંગે મોઢે વેઠવું પડતે. સૌથી મોટી મુસીબત, મારા લગ્ન ટાંકણે થતો કદાચ મારા લગ્ન થતેજ નહિ, યા ઘણી મુશ્કેલીએ નક્કી થતે! મારો દેખાવ જોઈને છોકરીઓ એવુંજ સમજતે હું ઘરડો છેઉં, મોટી ઉંમરનો છેઉં એટલે તમો મને નોકોકાં કરતે યા મારો બહિષ્કાર કરતે! પણ જો તેઓ જાણતે, હું એક સધ્ધર આસામી છેઉં, પૈસે ટકે ઘણો ખમતીધર છેઉં, મારી પાસે ચિચોડા છે, મારા ગજવામાં ખણખણ છે, તો તુરત તેઓનો નિર્ણય ફેરવાઈ જતે અને મધાં મને પરણવા આતુર થતે. થોડી કાજવાળી બાઈઓ, મારે ત્યાં આવનજાવન શરૂ કરતે, મારી પર જાળ બીછાવવાની કોશેષ કરતે, મને શીશામાં ઉતારવાનો પ્રયાસ કરતે! એવી ઘટના જરૂર બનતે, ચોક્કસ થઈ શકતે એમાં કોઈ સંદેહ નથી!
વાંચક પ્યારા, આંય ટીકા વાંચીને કોઈએ હસવાનું નથી પણ વિચારવાનું છે અને વિચારીને સમજવાનું છે કે જગતમાં ધનનું કેટલું મહત્વ છે? જહાનમાં પૈસાનું કેટલું અભણ છે? દુન્યામાં દોલતની કેટલી કિંમત છે?
પૈસામાં એવું જાદુ છે કે માણસની ખોડખાપણ ઠંકાઈ જાય છે, તેની ખામી ખરાબી છુપાઈ જાય છે. પૈસામાં એવો ઈલ્મ છે કે ગમે તેવા ધુરંધરની નિયત બદલાઈ જાય છે. ગમે તેવા સાધુસંતની દાનત ફેરવાઈ જાય છે. પૈસા બધાને નમાવી શકે છે, ઝૂંકાવી શકે છે. આંય કળીયુગનો પ્રતાપ છે. આંય જમાનામાં પૈસા આગળ ચાલે છે અને મનુષ્ય તેની કુરનેશ બજાવતા પાછળ ચાલે છે. એવા દિવ્ય પૈસાનો ચમત્કાર છે.
એક માનવી ભલે અભણ હોય, અણપઢ હોય, અંગુઠાછાપ હોય પણ જો તેની પાસે ધન હોશે તો લોકો તેને સલામ કરશે. એક આદમી ફુવડ હોય, મેલોઘેલો હોય, સંસ્કાર વગરનો હોય,બોલવા ચાલવાના ઠેકાણા નહિ હોય પણ જો તેની પાસે પૈસા હોશે તો લોકો તેને માન આપશે. એક માણસ બદચલન હોય, શકમંદ ચારિત્રનો હોય, પણ જો તેની પાસે દોલત હોશે તો લોકો તેની વાહવાહ પૂકારશે. જો કોઈ વ્યક્તિ પાસે અચાનક પૈસા થયા હોય તો લોકો તેની સાથે સંબંધ જોડવા ઈંતેજાર થશે. કોઈ વિચારશે નહિ કે તેને કેમ પૈસા મેળવ્યા છે? અને ક્યાંથી મેળવ્યા છે? ભલે તેને ચોરીચપાટી કીધી હોય, છલકપટ કીધું હોય, ઉંધા ચત્તો કીધા હોય, કોઈનો હક ડૂબાવ્યો હાય યા કોઈનો હિસ્સો પડાવ્યો હોય, પણ બેવકૂફ લોકોની તેની સાથે દોસ્તી પાડવા તલપાપડ થશે.
ગુજરાતી ભાષામાં પૈસાને લગતી ઘણી કહેવાતો છે, “દામ કરે કામ તો બીબી કરે સલામ” “પૈસો મારો પરમેેશ્વર અને હું પૈસાનો દાસ” “પૈસાનો યાર, પૈસાથી પ્યાર” સૌ તાબેદાર!” એ સઘળી કહેવતો પૈસાના પૂજારી લોકોને લાગુ પડે છે. વહાલો વાંચનાર, આંય લેખ દ્વારા મેં મારા અંગત ખ્યાલો રજુ કીધા છે. હું સર્વને વિનંતી કરું છું કે આંય લખાણ વાંચીને કોઈએ બંધબેસ્તી ટોપી યા ફેંટો પાઘડી પહેરવી નહિ!!
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025