એમ કહી એક લાંબુ વિગતવાર નામું રૂસ્તમ ઉપર લખાવ્યું. તેમાં તેનાં આગળાં બહાદુર કામોની તારીફ કરી અને પછી આ મુશ્કેલીમાંથી બેજનને છોડવવા તેને પોતાં પાસે તેડ્યો. પાદશાહે તે નામા ઉપર પોતાની મોહોર કીધી અને દરરોજ બબે મંજલ કાપતો ગેવ તે નામું લઈ રૂસ્તમને મુલક જાબુલસ્તાન પહોંચ્યો.
જાબુલસ્તાનના રૂસ્તમના મહેલના મિનાર ઉપરથી ચોકીબાને ગેવની ટુકડીને સેતાબ કુચ કરતી આવતી જોઈ પોકાર કરી જાહેર કર્યું કે, “હેલમંડ નદી તરફથી બુલંદ ધજા સાથે કોઈ લડાયક ટુકડી આવે છે.” એ પોકાર સાંભળી બુઢો જાલ ઘોડા ઉપર સ્વાર થયો કે કદાચ તે કોઈ દુશ્મન હોય, તો સામે થાય. તે સામે ગયો અને જોયું તો ગેવ આવ્યો હતો. તેણે મનમાં ધાર્યું કે વળી પાદશાહ ઉપર કાંઈ મુશ્કેલી આવી પડી હશે. તેણે ગેવને સઘળી હકીકત પુછી. ગેવે તેને સઘળી બીના કહી અને પુછ્યું કે, “તેહમતન રૂસ્તમ ક્યાં છે? જાલે જવાબ દીધો કે “તે તો શિકારે ગયો છે.”
ગેવે શિકારના જંગલમાં જવા માંગ્યું, ત્યારે જાલે કહ્યું કે, “સૂર્યાસ્ત થતાં તો તે પાછો ફરશે.” આથી ગેવ ત્યાંજ થોભ્યો. અને સાંજ પડતાં રૂસ્તમ આવી પહોંચ્યો. ગેવ રડતી આંખે તેના સામે ગયો. રૂસ્તમ ચિંતામા પડ્યો કે ઈરાન ઉપર અને પાદશાહ ઉપર કાંઈ આફત આવી પડી હશે. તે ઘોડા ઉપરથી ઉતર્યો અને ધીમેથી ગેવને ઈરાનના મુલકની અને પાદશાહ કેખુશરોની અને બીજા પહેલવાનોની નામ બ નામ હકીકત અને ખેરઆફીઅત પુછી. એમ પુછતાં જ્યારે તેણે બેજનનું દઈ તેની ખબરઅંતર પુછી, ત્યારે ગેવ ફોકેફોક રડવા લાગ્યો. તેણે રૂસ્તમને બેજનની સઘળી હકીકત કહી અને કહ્યું કે, “ફરવર્દીન મહિનો અને હોરમઝદ રોજે આતશકદેહમાં બંદગી કરી જેહાનનુમા જામમાં જોઈ પાદશાહે શોધી કાઢ્યું છે કે બેજન તુરાતના મુલકમાં બંદ પડ્યો છે.”
આ હકીકત જાણી રૂસ્તમ ઘણો દિલગીર થયો, કારણ ગેવ તેની બેટી બાનુ ગોશાસ્પ સાથે પરણ્યો હતો. અને બેજન તે બેટીના પેટનો છોકરો હતો. પછી તેણે ગેવને દિલાસો દીધો કે “ફિકર ના કર, ખોદાતાલાએ મેહેરબાની કરી મને જે કૌવત આપ્યું છે તે કૌવતની બરકતથી પાદશાહના હુકમને માન આપી હું તારા બેટાને છોડવીશ. તેઓ વાત કરતા કરતા મહેલ ભણી ગયા.
રૂસ્તમે પાદશાહનું નામું વાચ્યું અને ગેવને પાછો દિલાસો દઈ કહ્યું કે, મારા જાનનો, મારા લશ્કરનો, મારા કુલ ખજાનાનો પણ ભોગ આપી હું બેજનને છોડવીશ.” ગેવ આ દિલાસાના સખુનોશી ખુશી થયો. રૂસ્તમે તેણે ત્રણ દિવસ આશાયશ લેવા કહ્યું અને ત્રણ દહાડા ખુશીખુશાલી, ખાણીપીણી અને રંગરાગમાં કહાડ્યા પછી તે પોતાના બેટા ફરામર્ઝને જાબુલસ્તાનના મુલકની નેગેહદારી સોંપી. ચોથે દિવસે, ઈરાન તરફ શાહ કએખુશરૂની દરબારમાં જવા નિકળ્યો. જ્યારે પાદશાહનું શહેર બે દિવસની મંજલ ઉપર રહ્યું, ત્યારે ગેવ રૂસ્તમનો હુકમ લઈ છુટો પડ્યો, કે આગમચથી જઈ પાદશાહને રૂસ્તમના આવવાની ખબર આપે. તે શાહ આગળ ગયો અને પાદશાહે રૂસ્તમના આવી પહોંચવાની વાત જાણી ઈરાની સરદારોને તૈયાર કર્યા કે તેઓ રૂસ્તમને એસતેકબાલ લેવા જાય. તેઓ તેમ ગયા અને તેઓને જોઈ રૂસ્તમ ઘોડા ઉપરથી ઉતર્યો અને તેઓ પણ ઉતર્યા અને બગલગીરી કીધી. પછી એકમેકની ખેરઆફીએત પુછીને પાછા ઘોડા ઉપર સ્વાર થઈ પાદશાહની દરબારમાં તેઓ આવી લાગ્યા. રૂસ્તમ ઘોડા ઉપરથી ઉતરી પાદશાહ આગળ ગયો અને કુર્નેશ બજાવીને તેની ઉપર ઘણીક દોઆઓ કીધી.
હોરમઝદ, બહમન અને અરદીબહેસ્તને નામેે અને બહેરામ, તીર, શહેરેવર, સ્પંદારમદ, દે, ફરવર્દીન, આદર, આવાં, અમરદાદ અને ખોરદાદને નામે દુઆ કીધી. પાદશાહે રૂસ્તમને પોતાની પાસે બેસાડ્યો અને જહવારે, ફરામર્ઝ અને જાલની ખબર અંતર પુછતાં રૂસ્તમ બોલ્યો, કે તેઓ પાદશાહની મેહરથી સુખી હતા. પછી પાદશાહે બાગમાં એક મિજલસ સમારી સઘળા પહેલવાનોને મેજવાની આપી. ખાણું બાદ પાદશાહે બેજનને છોડવવા માટેની વાત કહાડી. રૂસ્તમે પોતાની ખુશી દેખાડી કહ્યું કે, “હું જાઉં, અને આકાશ મારાં માથા ઉપર આતશનો વરસાદ વરસાવે તોપણ હું એ કામથી પાછો ફરીશ નહિ.”
ગુર્ગીન, જે બંદીખાનામાં બંધ હતો, તેને જ્યારે રૂસ્તમની આવવાની ખબર પડી, ત્યારે તેણે રૂસ્તમને કરગરીને પેગામ કેહવાડયો કે તેને છોડવે. તેણે પાતાનો ગુનાહ કબૂલ કીધો અને માફી ચાહી. રૂસ્તમે તેને ઘણા ઠપકાના શબ્દો કહેવાડ્યા, અને જણાવ્યું કે જો બેજન સલામત છુટી આવશે, તોજ તેેને છુટકારો મળશે; નહિ તો નહિજ. રૂસ્તમે પાદશાહને અરજ કીધી કે ગુર્ગાનને છોડે. પાદશાહે ના કહ્યું, કે “ગમે તો મારૂં તાજ અને તખ્ત માંગ, પણ એનો છુટકારો ના માંગ, કારણ બેજના છુટે નહિ, ત્યાંસુધી તેને નહિ છોડવાનો મેં હુકમ કીધો છે.” રૂસ્તમે કહ્યું કે “તું તેને મારે સ્વાધીન કર. હું તેને મારા કબ્જામાં રાખીશ.” ત્યારે પાદશાહે ગુર્ગીનની બેડી કઢાવી નાંખી તેને રૂસ્તમને હવાલે કીધો.
આ પછી રૂસ્તમ તુરાંન ભણી બેજનને છોડવવા જવા નિકળ્યો. પાદશાહે કહ્યું કે “તને જોઈએ તેટલું લશ્કર અને ખજાનો મારી પાસે માંગ અને મને કહે કે તારી સાથે કોણ કોણ પહેલવાનોને તું લેવાનો છે.” રૂસ્તમે કહ્યું કે “એ બાબેની ગોઠવણ મારે છુપી રીતે કરવી જોઈએ. બેજનને છોડવવા માટે ઘણાં લશ્કર કરતાં ઘણાં ખજાનાનું કામ છે. મારે તુરાંનમાં એક વેપારીના વેશમાં જવું જોઈએ. તે માટે ઘણા પોષાક, કાપડ અને એવી બીજી ચીજો મારે રાખવી જોઈએ.”
રૂસ્તમના આ સખુનો સાંભળી પાદશાહે ફરમાવ્યું કે ખજાનાનો દરવાજો ખોલી રૂસ્તમને પુષ્કળ ખજાનો અને જરજવાહીર આપે. તેણે 10 ઉંટ ઉપર સોનું લાધી લીધુ અને 100 ઉંટ ઉપર તરેહવાર કાપડ અને રૂપું ભરી લીધું; પછી પોતાની સાથે 1000 ચુનંદા સિપાઈઓ લીધા. વળી તેણે પોતાની સાથે ગુર્ગોન, જંગે સાવરાન, ગરતમ, ગુજારેહે, રેહામ, ફરહાદ અને અશકશ એ સાત પહેલવાનોને લીધા.
(ક્રમશ)
- ડીએઆઈની નોલેજિયેટ રૂબી એનિવર્સરી માટે ખાસ પોસ્ટલ કવર બહાર પાડવામાં આવ્યું - 14 December2024
- જીજીના પિતા-પુત્રની જોડીએ રશિયામાં ભારતને ગૌરવ અપાવ્યું - 14 December2024
- ઝેડવાયએ દ્વારા બાવાઝ ડે આઉટનું આયોજન - 14 December2024