અરેબિયન નાઈટ્સ: એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

શેહેરાજાદી કહેવા લાગી કે મારા ખાવિંદ તે યુનાની શાહ તથા દુબાન હકીમનો છેડો આ રીતે આવ્યો. હવે તે માછી તથા જીનની તરફ મારૂં ચિત્ત પાછું લગાડું છું.

માછીએ યુનાની પાદશાહ તથા દુબાન હકીમનું દાસ્તાન પુરૂં કીધું અને પેલા જીનને કહ્યું કે “તારી ચાલચલણ પણ એવીજ છે અને આ વાર્તા તને બરાબર લાગુ પડે છે. તેથી આ પિત્તળનાં વાસણમાંજ હવે હંમેશ સુધી પડી રેહે. અગરજો યુનાની રાજાએ દુબાન હકીમને જીવતદાન બક્ષ્યું હતે તો ખોદા તેજ પ્રમાણે તેને હૈયાતી આપતે પણ તેણે તે હકીમની નમનતાઈ ભરેલી અરજ સાંભળી નહી તેથી ખોદાએ તેને શિક્ષા કીધી. ઓ જીન! એજ પ્રમાણે તેં કીધું છે. જો મારી અરજથી તારૂં દિલ પિગલ્યું હતે અને તારી પાસેથી જે દયા મેં માંગી હતી તે મને બક્ષી હતે તો જે હાલતમાં હાલ તું છે તે ઉપર હું દયા લાવતે; પણ જ્યારે તું તો ખાઈપીને મને મારીજ નાખવા બેઠો, જોકે તને તારા સખત બંદીખાનામાંથી તારા હકમાં મેં એક મોટી સેવા બજાવી હતી અને તેના બદલામાં તે મારી જીંદગી ખતબ કરવી માંગી કાઢી તો હવે તારી ઉપર મયા તે શી રીતે બતલાવું? આ વાસણમાં તને રહેવા દીધાથી અને સમુદ્રમાં ફેંકી દીધાથી જમાનાની આખેરી સુધી તારી જીંદગીથી તને નકામો કરી નાખીશ.”

તે જીને જવાબ દીધો કે, “ઓ મારા ભલા મિત્ર! એક વાર ફરીથી તને કાકલુદી કરી કહું છું કે એવું ક્રુરપણું કરવાનું ગુનાહ તું તારે માથે ખેંચી ના લે! યાદ રાખ કે વેરભાવ કાંઈ નેકીનો એક ભાગ નથી, પણ તેથી ઉલટું બદીનો બદલો નેકીથી વાળવો એ વધારે તારીફ લાયક છે. વાસ્તે આગળા વખતમાં જેમ ઈમમાએ અટેકા સાથે ચાલ ચલાવી તેમ તું ના કર.” તે માછીએ પુછ્યું કે “તે કેમ?” તે જીને કહ્યું કે “અગર તે વાત તને જાણવી હોય તો આ વાસણ ઉઘાડ. તું શું એમ સમજે છે કે આ સાંકડાં વાસણમાં કેદ રહી તારી આગળ વાતો કરૂં એવો મારો સ્વભાવ છે? જ્યારે તું મને બાહેર કાઢશે ત્યારે તું કહેશે એટલી વાતો તારી આગળ કરીશ.” તે માછીએ કહ્યું કે “નહી હું કાંઈ તને છોડનાર નથી. મને લાજેમ છે કે તનેે સમુદ્રને તળિયે હોમાવી દેવો.” તે જીને કહ્યું કે “ઓ માછી! હવે મારે તને એક છેલ્લો શબ્દ કહેવો છે, તું જો મને છોડશે તો અગણીત પૈસા પેદા કરવાનું કામ હું તને બતાવીશ.”

મુશ્કેલીમાંથી નિકળી જવાની તથા ભુખમરામાંથી ટળવાની ઉમેદગી તેણે તે જીનને કહ્યું કે “તું જે કહે તે સાંભળવા માગું છું. અને તે પણ ક્યારે કે તને ખરો માનવાને પુરતાં કારણો હશે તોજ! વાસ્તે તું અલ્લાહ ના કસમ લઈ કહે કે તું તારા એકીનથી તારો વચન પાળશે તો હું આ વાસણ ઉઘાડું મેલીશ. હું ધારૂં છું કે આવા સખત કસમ તોડવાને તું કદી પણ હિમ્મત ચલાશે નહી.” તે જીને કસમ ખાધા તે વેળા તે માછીએ તે વાસણ ઉઘાડ્યું કે તરતજ તે વાસણમાંથી ધુમાડો નિકળવા લાગ્યો. જીને વાસણમાંથી બહાર નિકળતાને વાર પેલા વાસણને લાત મારી સમુદ્રમાં નાખ્યું.

જીને વાસણને સમુદ્રમાં ફેંકી દીધું તે જોઈ  પૈલો માછી તો અતિ ઘણો ઘભરાયો અને ધાસ્તીનો મારયો બુમ પાડી ઉડ્યો કે “ઓ જીન! આ વાસણું ઉરાડી નાખવાનું કારણ શું? શું એમ કરી તું તારો વચન તોડવા માગે છે? અથવા તારી મરજી છે કે જે શબ્દો દુબાન હકીમે પાદશાહને કહ્યા તે શબ્દોમાં તને કહું કે જો તું મને જીવતદાન બક્ષેસ કરશે તો ખોદા તમને ઉપર દરાજી આપશે.”

માછીએ બતાવેલી ધાસ્તીથી તે જીનને હસવું આવ્યું અને તે માછીને કહેવા લાગ્યો કે “ઓ માછી તું કાંઈ ચિન્તા ના કર. મેં વાસણને સમુદ્રમાં તો મજાકને ખાતર નાખ્યું છે કે જોયું તેમ કરવાથી તું કંઈ ઘભરાય છે કે નહી? પણ હું મારો વચન પાળું છું કે નહીં તે જો તારે જોવું હોય તો તારી જાલો ઉઠાવ અને મારી પાછળ આવ.” તેઓ બહાર પડ્યા અને શેહેર આગળથી પસાર થયા. એક પહાડની ટોંચ પસાર કરી આગળ ચાલ્યા ત્યારે તેઓ ખુુલ્લા મેદાનમાં આવી પહોંચ્યા. ત્યાંથી તેઓ ચાર ડુંગરોની વચ્ચોવચમાં આવેલા એક તળાવ આગળ આવી પહોંચ્યા.

જ્યારે તે સરોવરને કાંઠે તેઓ આવ્યા ત્યારે પેલા જીને માછીને કહ્યું કે “તારી જાલો આ સરોવરમાં નાખ અને માછલી પકડ.” તે માછીને તળાવમાં ઘણા માછલા નજર આવ્યા તેથી તેને ધીરજ આવી કે કાંઈ પણ માછલી આજ રોજે હાથ લાગશે. જ્યારે તેણે જાલો બહાર કાઢી ત્યારે તે જોઈને ઘણો જ અજબ થઈ ગયો કે જાલમાં ચાર માછલાં જે જુદા જુદા રંગના એટલે સફેદ, લાલ, આસમાની તથા પીળા રંગનાં હતાં. તે જીને કહ્યું કે “એ માછલા પાદશાહના મહેલમાં લઈ જા અને સુલતાનને નજર કર! તે તને એટલા તો પૈસા આપશે કે તારા આખ્ખા ભવમાં તે કદી જોયા ન હશે. તું દરરોજ હ્યાં આવી આ તળાવમાંથી માછલા પકડજે. પણ દરરોજ એકજ વાર જાળો નાખવાની સંભાળ લેજો. અગર જો મારા હુકમથી ઉલટો ચાલશે યાને એકથી વધુ વખત જાળો નાખશે તો તારી ઉપર કાંઈ આફત આવી પડશે. ” એમ કહી તેણે જમીન ઉપર પગ માર્યો કે જમીન ફાટી, જેમાં તે ગર્ક થયો અને જમીન પાછી સંધાઈ ગઈ.

તે જીને આપેલી નસિહત તથા ભલામણ પ્રમાણે બોલેબોલ ચાલવાને તથા એક દિવસમાં બે વાર જાળ નહીં નાખવાની સંભાળ રાખવાનો માછીએ ઠરાવ કીધો. પોતાની ફતેહથી સારી પેડે ધરાઈને તે શેહેર તરફ પાછો ફરયો અને માછલા લઈને સુલતેનનાં મેહેલમાં ગયો.

તે માછી સુલતાનની આગળ ચાર જુદા જુદા રંગના માછલાં લાવી ઉભો તેથી તે સુલતાન કેટલો અજબ થયો હશે તે તમો નામદાર પોતેજ વિચારી લેવો! દરેક માછલી ઉંચકી અને સારી પેઠે તપાસી જોવાથી તે માછલાં તેને બહુ પસંદ પડયાં તેથી પોતાના વડા વજીરને કહ્યું કે “આ માછલાં,, જે નાદર સ્ત્રી બબરચણ યુનાની શાહાનશાહે આપણે ત્યાં મોકલી છે તેની પાસે લઈ જા. હું ધારૂં છું કે જેટલાં તે સુંદર છે તેટલાં તે લેહેજતદાર પણ હશે.”

(ક્રમશ)

Leave a Reply

*