તે માછી બીજે દિવસે તે તળાવ આગળ જઈ પહોંચવાનું સાંધણ સાંધી બામદાદને વખતે પોતાની જાળો લઈ બહાર પડ્યો, અને તળાવ આવી પહોંચ્યા પછી પાણીમાં જાળ નાખી અને થોડીવારમાં પાછી ખેંચી કાઢતાં તેમાંથી ચાલ માછલાં ચાર જુદા જુદા રંગનાં મળી આવ્યા. તે ઠેરવેલા વખતે વડા વજીર આગળ લઈ ગયો. વજીર તેનું દામ આપી તે માછલા પોતે બબરચીખાનામાં લઈ ગયો. તેણે બબરચીખાણું બંધ કીધું અને તેની હજાુરમાં તે માછલાં પેલી યુનાની બબરચણે સમાર્યા અને જેમ આગળા દિવસે કીધું હતું તેમ તળવા માટે વાસણ ઉપર મેલ્યાં. એક ખોરદુ તળાઈ રહ્યાથી તે ફેરવી બીજી ખોરદુએ મેલવા જાય શું કે તે દિવાલ ફાટી અને તેમાંથી તેવીજ અપ્સરા પોતાના હાથમાં સોપારીના ઝાડની લાકડી લઈ નીકળી પડી. તે વાસણની નજદીક આવી , અને એક માછલા ઉપર લાકડી મારી અને આગલે દિને જે શબ્દો બોલી હતી તેજ પ્રમાણે બોલ્યાથી તે માઝલીઓ ઉભી થઈ અને તેજ જવાબ આપ્યો. ત્યારબાદ તે સ્ત્રીએ તે વાસણ ઉંધુ વાળ્યું અને ભીતમાં પડેલી જે ફાટને રસ્તે આવી હતી તે રસ્તે પાછી ફરી. એ જે બન્યું તે સર્વે વડા વજીરે જોયું. તે બોલ્યો કે “આ બનાવ એટલો તો ચમત્કારીક છે કે તે સુલતાનથી છુપાવવો દરૂસ્ત નથી. એ મોજેજાની વાત હું પોતે જઈ સુલતાનને કહું છું.” તેજ વેળા તે તેની આજળ ગયો અને સઘળા બનાવથી તેને વાકેફ કીધો.
સુલતાન આ બનાવની હકીકત સાંભળી ઘણોજ અજબ થયો અને તે પોતે પોતાની નજરે જોવાની મોટી ખાયશ બતલાવવા લાગ્યો. તે કારણસર તેણે તે માછીને પાછો બોલાવ્યો અને કહયું કે “ભાઈ! તું મારે માટે એવાંજ બીજા ચાર માછલાં લાવી આપ.” તે માછીએ જવાબ દીધો કે “જો તમો નામદાર મને ત્રણ દિવસની મેહતલ આપશો તો હું જરૂર લાવી આપીશ.” તેણે માગેલી મેહેતલ તેને આપવામાં આવી, તેથી ત્રીજીવાર તે તલાવ ઉપર ગયો. તેને જાળ નાંખતાં વાર ભાતભાતનાં ચાર રંગના ચાર માછલાં તેણે પકડ્યાં અને ઝડપથી સુલતાન પાસે લઈ ગયા. સુલતાન ઘણોજ ખુશી થયો સબબ કે એટલા જલદીથી માછલા મળી આવશે એવી વકી તેણે રાખી ન હતી. તેણે ખુશીથી ચારસો સોનાની અશરફી પેલા માછીને આપી જેથી તે ઘણોજ ખુશ થતો ને પાદશાહને હજારો દુઆ દેતો પોતાને ઘરે ગયો.
તે માછલાં સુલતાનને આપતાંને વાર તે પોતાના એક ખાસ ઓરડામાં લઈ ગયો અને તેને સમારવા તથા તળવાનો સઘળો સામાન પણ ત્યાંજ મંગાવ્યો. તે ઓરડામાં સુલતાન પોતે તથા વડો વજીર ભરાયા અને વજીરે તે માછલી સાફ કરી તળવા માંડી. એક ખોરદુથી તળાયા પછી બીજી ખોરદુએ તળવા સારૂ ફેરવતાંને વાર તે સુંદર અપસરાને બદલે એક બુલંદ કદનો સિધી, ગુલામનો વેષ લઈને તે દિવાલમાંથી નિકળી આવ્યો. તેનાં હાથમાં એક લિલા રંગનો દાંડો હતો. તે વાસણ આગળ આવ્યો અને એક માછલીને પેલો દાંડો લગાડી ભય ભરેલા મોટા આવાજથી તે બોલ્યો, “રે માછલાં, તું તારી ફરજ અદા કરેછે?” આ સવાલના ઉત્તર વાળતાં તેઓએ પોતાનાં ડોકાં ઉભા કીધાં ને કહ્યું કે “હા, હા, અમો અમારી ફરજ અદા કરિએ છીએ. જો તમો ગણશો તો અમે ગણીશું. જો તમો તમારૂં ફરજ આપશો તો અમો અમારૂં આપીશું. જો તમો નાસી જશો તો અમો જીતશું અને સંતોષી રહીશું.” એ શબ્દો સાંભળી તે સિધીએ વાસણ ઉંધુ વાળ્યું, અને માછલીને બાળી નાખી કોલસા સરખી કીધી. એટલુ કરી રહ્યા પછી જે દિવાલ માંહેલી ફાટને રસ્તે તે આવ્યો હતો તે રસ્તે મોટી તોછડાઈ બતાવી ગેબ ગયો અને તે ભીત જેવી હતી તેવી બની ગઈ.
સુલતાને વડા વજીરને કહ્યું કે “આ સઘળો બનાવ મારી નજરે દિઠા પછી અહીંજ હું અટકનાર નથી. આટલું તો ચોક્કસ છે કે આ માછલાં વિષે કાંઈ અચરત સરખો ભેદ છે, અને તે ભેદ શું છે તે મને શોધી કાઢવો જોઈએ છે.” તેણે તે માછીને બોલાવ્યો અને તેણે કહ્યું કે “તું જે માછલાં લાવ્યો તેથી મને ઘણી મેહેનતમાં પડવું પડ્યું છે. એ માછલાં તું કયાંથી લાવ્યો?” તે માછીએ જવાબ દીધો કે, “એ સુલતાન! આ મોટા પર્વતો જે તમને દિસે છે તેની પેલી બાજુએ ચાર નાના ડુંગરોની વચ્ચોવચમાં એક સરોવર છે તેમાંથી એ માછલાં પકડી લાવ્યો છું.” સુલતાને પોતાના વજીરને પુછ્યું કે “તે તળાવ કયાં છે તે તમો જાણો છો વારૂં?” તેણે જવાબ દીધો, “ખોદાવંદ નહી. એ લત્તા તર અને પેલીમેર હું સાઠ વર્ષ થયાં શિકાર કરૂં છું પણ એ વિષે મેં કશું સાંભળ્યું નથી.” સુલતાને તે માછીને પુછ્યુ કે “મહેલથી તે તળાવ કેટલું દુર છે?” તેણે જવાબ દીધો કે “ત્રણ કલાક કરતા વધારે વખતની મંજલ જેટલું દુર નથી.” સુલતાને જોયું કે દિવસનો વખત તે મંજલ કાપવાને પહોંચી શકશે તથી પોતાના દરબારના તમામ લોકોને ફરમાવ્યું કે તેઓએ મુસાફરી કરવા જવા માટે તૈયાર થવું. આ માછી તળાવ તરફ જવાનો રસ્તો આપણને બતાવશે.”
તે પહાડ ઉપર તેઓ સર્વે ચઢ્યા અને તે પહાડનું ટોંચ પસાર કરી બીજી ખોરદુએ હેઠળ ઉતરવા ત્યારે તેઓને એક મોટું ચોગાન નજર આવ્યું કે જે કોઈની પણ જાણમાં આગળ આવ્યું ન હતું. તે ચોગાનનો દેખાવ જોઈ સર્વે અચરત થયા. અંતે તેઓ તે સરોવર આગળ આવી પહોંચ્યા. તે માછીએ જોયું વર્ણન કરી બતાવ્યું હતું તેજ રીતે તે સરોવર ચાર ડુંગરોની વચ્ચોવચમાં આવ્યું હતું. તેના પાણી એટલાં તો નિર્મળ હતા કે તે મધેના તમામ માછલાં ચાર રંગના હતા. તે સાફ જણાઈ આવતા હતા.
(ક્રમશ)
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024