આપણી આજુબાજુનાંઓ તરફની ફરજોનો ખ્યાલ આપણને આપણી “નેમો આઓંધહાંમ” નામની જાણીતી બંદગી, જે “ચાર દિસાની નમશ્કાર” એવે નામે પણ જણાયલી છે, તે ઉપરથી આવે છે. આપણી આજુબાજુનાંઓમાં આપણાં માણસ ભાઈબંધ આપણું પહેલું ધ્યાન ખેંચે છે. સર્વ માણસ ભાઈબંધો તરફ આપણે બરાબર ફરજ બજા લાવીએ તો તે સંપુર્ણ જીંદગી ગુજારવાનો માર્ગ છે. આપણાં માણસ ભાઈબંધોમાં આપણું પહેલું ધ્યાન કોણે ખેંચવું જોઈએ, અને પછી ચહડઉતર કોણે ખેંચવું જોઈએ, તેનો ખ્યાલ આપણને આપણી “પતેત પશેમાની” “અંદર પેદ માદ ખાહર બેરાદ” કર્દામાં ચહડઉતર જણાવેલા વર્ગો ઉપરથી સારી રીતે આવે છે.
“સખાવત ઘરથી શરૂ થવી જોઈએ.” એ કહેવત પ્રમાણે, આપણી પહેલી ફરજ આપણાં પોતાનાંઓ તરફ છે. આપણા મા-બાપ (પેદ માદ), આપણાં ભાઈબહેન (ખાહર બેરાદ), આપણા ધણી યા ધણિયાણી અને ફરજંદો (જન ફરજંદ શોહ સાલાર), આપણા સગાંવહાલાં અને નજદીકનાઓ (ખેશ નજદીક) તરફ છે. એમ આપણી ફરજ અલબતે આપણાં ઘરનાંઓ, આપણા ખેશનજદીકનાંઓ તરફથી શરૂ થવી જોઈએ. પણ ત્યાંજ તે અટકવી નહિ જોઈએ, પણ આગલ વધવી જોઈએ. આપણાં હમ ભાડુતો (હમ ગેહાંનીઆન), ભાગીઆઓ (હમ ખાસ્ત), પાડોશીઓ (હમ સાયગાન), હમ શેહરીઓ (હમ શેહરીઆન), આપણા હાથ નીચેનાંઓ (ઈર્માનીઆન) એ સર્વ સાથ આપણે કોઈ સંબંધોથી જોડાયલા હોઈએ છીએ. તે સંબંધો જાલવવા, એટલે તેઓ તરફની ફરજ બજા લાવવી જોઈએ. એ સર્વ ફરજો બજા લાવવી, સંપુર્ણ જીંદગી ગુજારવી છે. એક વફાદાર બેટો, જે પોતાનાં માતપિતા તરફ જાનફેશાંની કરતો હોય, તેઓ ઉપર જાણે પોતાનો જીવજાન આપતો હોય, તેઓનું ફર્માન બજા લાવતો હોય, પાળણ-પોષણ કરતો હોય, સારવાર કરતો હોય, તે અલબતે એક ભલો પુરૂષ છે. તે અલબતે ભલી જીંદગી ગુજારનાર પુરૂષ છે. પણ જો તે પોતાનાં ધણીયાણી યા ફરજંદ તરફની ફરજ ભુલતો હોય, અને પોતાનાં બીજાં ખેશ નજદીકનાંઓ, મોહલતીઓ, હમ શેહરીઓ, યા હમ દેશીઓ, જેઓ તરફ તે મદદનો હાથ લંબાવી શકે, તેઓ તરફ મદદ નહિ લંબાવતો હોય, તો તે સંપુર્ણ જીંદગી ગુજારતો ન ગણાય.
વળી આપણ આપણા મનુષ્ય ભાઈબંધો ઉપરાંત અહુરમજદની બીજી જાનદાર પેદાયશ તરફ કેટલાક સંબંધો ધરાવ્યે છીએ. તે સંબંધો જાળવવાને આપણે તેઓ તરફની ફરજ બજા લાવવાની છે. એક પુરૂષ પોતાનાં માતપિતા તરફ, પોતાના જનફરજંદો તરફ ગમે તેવો વફાદાર હોય, પોતાનાં ભરભાડુત, પાડોશીઓ, હમ શેહરીઓ, હમ દેશીઓ તરફ ગમે તેવી સારી રીતે પોતાની ફરજ બજા લાવતો હોય, પણ જો તે પશુઓ તરફ, બીજાં જાનદાર પ્રાણીઓ તરફ અણઘટતી રીતે વર્તે, તેઓ તરફ ઘાતકી યા ક્રુર થાય, તેઓ પાસેથી કામ લે પણ તેઓને પુરતો ખોરાક નહિ આપે, બીનજરૂરે તેઓને હેરાન કરે, તો તેણે સંપૂર્ણ જીંદગી ગુજારેલી ન કહેવાય.
વળી હજુર આગલ ચાલો. એક આદમી ગમે તેવો પોતાનાં મનુષ્ય ભાઈબંદો તરફની અને પ્રાણીઓ તરફની પોતાની ફરજ બજાવવામાં કાળજીમંદ હોય, એટલે તેઓ તરફ્ની સેવાઓ બરાબર બજા લાવતો હોય, પણ તેઓ પછીની અહુરમજદની બીજી પેદાયશ, દાખલા તરીકે ઝાડપાન, હવા, પાણી, જમીન, આતશ તરફની પોતાની ફરજો બરાબર બજા લાવતો નહિ હોય, તો તે સંપૂર્ણ જીંદગી ગુજારતો નહિ ગણાય. જો તેની શક્તિ હોય કે તે ઝાડપાનની યા ખેતીની વૃદ્ધિ કરે, હવા, પાણી, જમીન આતશને સાફ રાખે અને તેઓની વૃદ્ધિ કરે, પણ તેમ તે નહિ કરે તો, તે સંપુર્ણ જીંદગી ગુજારતો ન ગણાય. જો તે પોતાની આજુબાજુનાં હવા, પાણી અને જમીનને બગાડે, કે જેમ થવાથી આજુબાજુમાં રહેતાં માણસોની તનદરૂસ્તીને નુકસાન થાય, આજુબાજુની જાનદાર પેદાયશને હાણી પુગે તો તેણે સંપુર્ણ જીંદગી ગુજારેલી ન કહેવાય. ત્યારે એક સંપુર્ણ, ખરેખરી ભલી, ખરેખરી અશો, ખરેખરી નીતિમાન, ખરેખરી બેહશ્તી જીંદગી ગુજારવા કાજે આપણે આપણા સર્વ સંબંધો જાળવવા જોઈએ. એક પ્રકારના યા બે, ત્રણ યા ચાર પ્રકારના સંબંધો જાળવ્યા અને બીજા સંબંધો માટે નાખતી કીધી યા બેદરકારી કીધી, તો તે અધુરી જીંદગી ગુજારવા બરાબર છે. આપણા સર્વએ જીંદગી માટે સંપુર્ણ જીંદગી ગુજારવાનો ઉમદા ખ્યાલ આપણી સનમુખ રાખવો જોઈએ. અલબતે આપણ સર્વએ આપણી શક્તિ પ્રમાણે કામ કરવાનું છે. આપણી શક્તિઓ ચોક્કસ હદ સુધીની છે, પણ તે છતાં તે શક્તિ પ્રમાણે, તે હદ સુધી, આપણે સર્વ સંબંધો જાળવવા જાઈએ, સર્વ ફરજો બજા લાવવી જોઈએ, અને તે માટે ઉમદા ખ્યાલ આપણી સનમુખ રાખવો જોઈએ.
સંપુર્ણ જીંદગી ગુજારવા માટે નેક મનશ્ર્ની જરૂરની
હવે સંપુર્ણ જીંદગી, ભલી જીંદગી, નીતિમાન જીંદગી ગુજારવા માટે ભલી મનશ્નીથી ઉપર જણાવવા મુજબ ત્રણે પ્રકારના સંબંધો જાળવવા જોઈએ અને ત્રણ પ્રકારની ફરજો બજા લાવવી જોઈએ. એ ફરજો શું છે અને કેવા પ્રકારના છે તેની વિગત એક લાંબો વિષય રજુ કરે છે. માટે તેમાં હાલ આપણે દાખલ થઈશું નહિ, પણ એટલું જ કહીશું કે કોઈપણ પ્રકારનો સંબંધ જાળવવા કાજે, કોઈપણ પ્રકારની ફરજ બજા લાવવા માટે નેક મનશ્ર્ની જરૂરની છે. આપણી યશ્તોમાં આપણે વાંચીએ છીએ કે એક ને એક પ્રકારનું ધાર્મિક કામ યા ક્રિયા જ્યારે કોઈ ભલા પાદશાહ પહેલવાનો ભલી નિશ્તાથી, નેક મનશ્નીથી કરે છે ત્યારે તે કામ યા ક્રિયા કરી માગેલી મુરાદ બર આવે છે પણ જ્યારે કોઈ પાદશાહ તે બુરી નિશ્ઠાથી બુરી મનશ્નીથી કરે છે ત્યારે તે મુરાદ બર આવતી નથી.
(ક્રમશ)
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025