સડક કિનારે એક 12-13 વર્ષ ની દીકરી તરબુજ વેચતી હતી. વિશાલે ગાડી રોકી પૂછયું બેટા તરબુજ કેમ આપ્યા? દીકરી એ કહ્યું એક નંગ ના 50 રૂપિયા સાહેબ પાંચેક કિલા વજન હશે.
પાછળની સીટ પર બેઠેલી તેની પત્ની ભાવિકા એ કહ્યું આટલા મોંઘા, ચાલો આગળ થી લઈશું. વિશાલે કહ્યું ક્યાં મોંઘા છે? બજારથી તો તું વીસ રૂપિયા કિલોમાં લઈ આવે છે.
ભાવિકા એ કહ્યું તમને ના ખબર પડે મને ભાવ તાલ કરવા દો, દીકરી ને કહ્યું 30નું નંગ આપવું હોઈ તો આપ નહિતર નહીં જોઈએ.
દીકરી બોલી આંટી 40નું તો મને પડે છે, ચાલો 45 આપી દેજો એનાથી સસ્તું નહી આપી શકું!
ભાવિકા બોલી ખોટું ન બોલ, જો તારો નાના ભાઈ જેવો છે, એના માટે થોડું સસ્તું કરી આપ. આમ કહી પોતાના ખોળામા બેઠેલા ચાર વર્ષના દીકરા તરફ ઈશારો કર્યો.
સુંદર બાળકને જોઇને દીકરી ગાડી તરફ આવી. ગાલ પર હાથ ફેરવી કહ્યું સાચેજ મારો ભાઈ ખૂબ સુંદર છે આંટી.
ભાવિકાએ કહ્યું બેટા દીદી ને નમસ્તે બોલ બાળકે પણ પ્યારથી નમસ્તે દીદી કહ્યું.
દીકરીએ દરવાજો ખોલી બાળકને ઉચકી લીધું. પૂછયું ભાઈ તારું નામ શું છે? દીદી મારું નામ ગોલું છે.
કહ્યું સાચેજ તું ગોળ મટોળ છે મારા ભાઈ તરબુજ ખાઈશ?
એમ કહી એક તરબુજ લાવી ભાઈ ના હાથ મા આપ્યું પરંતુ વજન હોવાથી હાથ માથી નીચે પડી ત્રણ ચાર ટુકડા થઈ ગયા ગોલુથી પડી ગયું એટલે રડવા લાગ્યો.
બેન બોલી અરે ભાઈ રડ નય, હું બીજું લાવી આપું, એમ કહી ને રેકડી પર લેવા ગઈ, ત્યાં સુધીમાં ભાવિકા એ ગોલુ ને અંદર લઈ લીધો, દરવાજો બંધ કરી દીધો.
દીકરી આવી ખુલ્લા કાચમાંથી તરબુજ આપતા બોલી લે ભાઈ આ મીઠું નીકળશે. વિશાલ આ બધી હરકત જોઈ રહ્યો હતો. ભાવિકાએ કહ્યું જે તૂટ્યું છે એના પૈસા નહી આપું, એ તો તારી ભુલ હતી.
દિકરી હસતા હસતા બોલી આંટી બન્ને માથી એકેય ના પૈસા નથી જોતા, મે તો મારા ભાઈ ને આપ્યું છે. આટલું સાંભળી વિશાલ ને તેની પત્ની બન્ને ચોંકી ઉઠ્યા, કહ્યું બેટા બન્નેના પૈસા લઈ લે. એમ કહી સો રૂપિયા હાથેથી લંબાવ્યા, દિકરી ઝડપથી રેકડી પાસે જતી રહી
વિશાલ નીચે ઉતરી પાસે આવી કહ્યું બેટા પૈસા લઈ લે, તારું ખૂબ નુકસાન થઈ જશે. દિકરી બોલી… મા કહેતી કે જ્યાં સંબંધની વાત આવે ત્યાં નફો નુકસાન નહી જોવાનું. તમે ગોલુ ને મારો ભાઈ કહ્યો મને ખૂબ ગમ્યું. મારે પણ ગોલુ જેવોજ ભાઈ હતો પરંતુ….
વિશાલે કહ્યું શું થયું હતું તારા ભાઈ ને? કહ્યું કે જ્યારે એ બે વર્ષ નો હતો ત્યારે રાત્રિના તાવ આવ્યો હતો, સવારમાં હોસ્પિટલ લઈ જાય તે પહેલાજ શ્વાસ છોડી દીધો હતો. એના એક વર્ષ પહેલા પપ્પા પણ અમને મૂકી ને જતા રહ્યા. અંકલ મને મારા ભાઈની ખૂબ યાદ આવે છે.
ભાવિકા એ કહ્યું બેટા પૈસા લઈલે, આંટી હું પૈસા તો નહિજ લવ. ભાવિકા ગાડીમાં ગઈ પોતાની બેગ માંથી એક પાયલ(ઝાંઝર)ની જોડ કાઢી જે પોતાની આઠ વર્ષની દીકરી માટે આજેજ ત્રણ હજારમાં ખરીદી હતી, દીકરી ને દેતા બોલી. તે ગોલુને ભાઈ માન્યો છે ને તો હું તારી મા જેવીને તો તું ના ન કહેતી.
દીકરીના હાથમાં જબરદસ્તીથી મૂકી કહ્યું જ્યારે પણ પહેરીશ ત્યારે અમારી બધાની યાદ આવશે આટલું કહી ઝડપથી ગાડીમા બેસી ગઈ.
દીકરી ને બાય કહેતા વિશાલે ગાડી સ્ટાર્ટ કરી. ગાડી ચલાવતા ચલાવતા વિચારી રહ્યો હતો કે ભાવુકતા શુું ચીજ છે, થોડા સમય પહેલા પોતાની પત્ની દસ વીસ રૂપિયા બચાવવા માટે બાંધ છોડ કરી રહી હતી, ને થોડીજ ક્ષણોમા આટલી બદલાઈ ગઈ. ત્રણ હજારના પાયલ આપી દીધા!
ત્યાંજ અચાનક વિશાલને દીકરીની વાત યાદ આવી… કે સંબંધમા નફો કે નુકસાની ન જોવાય.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024