શિરીન વોર્ડન આખી રાત ઝરી જુહાકની આગળ ઈઝીચેર પર બેસી તેવણની માવજત કરતી ગઈ ને તેમ કરતાં વચ્ચે તેણી નાની જેવી ઉંઘ પણ કાઢી ઉઠતી. એમ પાંચ દિવસ પસાર થઈ ગયા કે ઝરી જુહાકની તે છાતીમાંની પેન તદ્દન નીકળી ગયેલી માલમ પડી.
રાત દિવસ તેમનું નર્સિંગ ખરા તન તથા મનથી શિરીન વોર્ડન કરતી ગઈ ને ત્યારે પોતાનાં દુ:ખમાં જ ખરી કદર પહેલ વહેલી તેવણે તે પોરીની કરી લીધી.
પોતાના પેટની દીકરીઓ કરતાં પણ તે છોકરી તેમની કાળજી તથા કદર કરતી જણાઈ આવી કે ઝરી જુહાકનાં ઘાટકી જીગરમાં તેણી માટે દયાનો પહેલો ફણગો ફૂટી નીકળ્યો.
તે ન્યુ યરની ઈવની સવારે ત્યારે તેવણે પોતાનાં દીકરા આગળ તેણીની વખાણ કરી નાખી.
‘બીચારી છોકરીએ ખરાં દીલથી મારી દેખરેખ કીધીછ જો, ફિરોઝ.’
‘કોણે મંમા, દિલ્લા કે હિલ્લાએ?’
મુંઈ રે તે લોક મનીજની કરતી કોણ જાણે ધણીઓનીબી શું ચાકરી કરવાની છે. હમારા વખતમાં તો હમો ધણીને ખુદા સમજી તેનો પડયો બોલ ઝીલી લેતાં હતા. હું તો શિરીન માટે કહું છું.’
ફિરોઝ ફ્રેઝર અદબવાળી મૂંગો જમીનને ટીકતો ઉભો જ રહ્યો કે તે માતાએ ફરી ચાલુ કીધું.
‘ખરેખરી ગરીબ પોરી છે. કોઈ દિવસ કામને માટે ફફરી નથી, કે ગમે તેટલી હું ઘાટકી બનીછ તો સામો એક બોલ મને નથી કહી સંભળાવ્યો. પેલી મુઈ આયા તો તરત મોના પર આવતીતી ને ફિરોઝ, તુંબી તેણી સાથ કેટલો સખત થાયછ.’
મને ચોકકસ કારણસર થવું જ પડેછ, મંમા.’
‘એ બધા કારણો મને ખબર છે છોકરા, પણ તેમાં એ બચ્ચાંનો શું વાંક? મુવા વિકા વાઘે ના કહ્યું તો તેમાં પોરી શું કરે?’
‘એટલીસ્ટ શિરીને તો હા કહેવું હતું.’
‘હમણાં મારી પોરી હતે ને હું ના કહેતા તો મકદુર છે કે તેણી મારી વિધ્ધ જઈ પરણી શકે? સોળ વરસના બચ્ચાંની એમાં પસંદગીનો સવાલ જ કયાં હતો.’
‘પણ તે છતાં, મંમા, તેણી ઉંમરમાં આવે પછી મને પરણવા સાં… ત્યાં વેર હું થોભી શકતે.’
તે બેટાએ ચેસ્તા સાથ સમજાવી દીધું, પણ આ બાજું ઝરી જુહાક મારામારીમાં કંઈ નીચા પડે તેમાંના હતાં જ નહીં કે તેવણે એક બેરીસ્ટરની અદાથી તે પોરી સામેનો કેસ લડવા માંડયો.
‘થોભવા નહીં થોભવાનો સવાલ જ કયાં હતો જે? તે બિચારા બચ્ચાંને લાચારીથી પોતાના પિતાને તાબે થયા વગર છુટકો જ નહીં હતો, ને તાં જિગર કયે દહાડે એવું કપટીને ઘાટકી હતું, કારણ તું તો તારા બાપના જ જેવો હમેશ દયાળુ હતો ખંની?
‘વખત ઈન્સાનને બદલી શકેછ મંમા.’
‘પણ તે છતાં ખાનદાનનું ખમીર બદલાઈ શકાતું નથી, છોકરા, કોઈના પડતીના વખતમાં તેને ઉપરથી દુ:ખી કરી દહામ દેવા, તેમાં કંઈ ઉકમઈ લેવાની નથી પણ ઉલટી તે આપણી નબળાઈ દેખાડી આપેછ સમજ્યા કે?’
અને તે ઉમદા શીખામણો સાંભળતા ફિરોઝ ફ્રેઝરે ખરે જ અજાયબી પામતાં બોલી પડયો. ‘ને તમો પણ કેટલા બધા બદલાઈ ગયાછ મંમા, ને હવે તમો મારી આગળ શિરીન માટે કરાવવા શું માગોછ?’
‘વરી શું કરાવવા માગે છોકરા, જરા એની તરફ નરમાશથી જો ને કોઈ દહાડો તારી સાથ એનેબી કેઠે ફરવા લઈ જા. એમ તો તું સત્તર છોકરીઓ સાથે નાચેજની?’
એ સાંભળી તે બેટો ગમત પામતા હસી પડયો.‘વાં મંમા, હું વિચાર કરી જોવશ.’
ને તે વિચાર ફિરોઝ ફ્રેઝરે તેજ દિવસે કરી તેને અમલમાં મૂકી દીધો. બપોરના ખાણા પછી શિરીન તેને પેસેજમાં જ મળી જતાં ફિરોઝ ફ્રેઝરે તેણીને જણાવી દીધું.
‘શિરીન, આજે ન્યુ-યર-ઈવનાં બોલ માટે આવવા સાં હું તુંને ઓફર કંછ, તુંને આવવા ગમશે?’
એ સાંભળી તે બાળા ખુશાલીથી છાકટ થઈ ગઈ, પણ બીજીજ પળે પછી તે મુખડો ફરી દુ:ખી બની ગયો.
મોલી કામાની સાથે લવ કરી ખસુસ તેણીને દુ:ખી કરી પજવવાજ તે જવાને તેણીને તે બોલ માટેની ઓફર કીધી હશે.
(ક્રમશ)
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025