સંદેહીએ મધ્યરાત્રિએ જ પોતાનું એમ.કોમ. પરીક્ષાનું પરિણામ જાણી લીધું હતું. એને ખબર હતી કે પિતા અમીત છ વાગ્યે એને જગાડવા આવશે અને કહેશે કે ‘બેટી સંદેહી! આજે તો જલ્દી ઉઠી જા! જરા મને કહે તો ખરી, તારા કેટલા ટકા માકર્સ આવ્યા છે? આમ છતાં એ ઉંઘી જવાનો ડોળ કરી પથારીમાં પડી રહી… સાડા છ વાગ્યા સુધી રાહ જોઈને થાકેલા પિતાથી નહીં રહેવાતા અમીતે દીકરીને ઉઠાડી.
પપ્પા મારા પંચાણુ ટકા માર્કસ આવ્યા છે! પિતાનો પ્રશ્ર્ન થાય તે પહેલા જ સંદેહી બોલી પડી અને વહાલસોયા પિતાને ભેટી પડી. અમીતની અશ્રુભીની આંખ સંદેહીએ જોઈ લીધી. અમીતનો ભારે કંઠ દીકરી માટે આશિષનાં બે વાકય ઉચ્ચારવાને અસમર્થ રહ્યો. પરમાત્મા કદાચ પરિસ્થિતિ પામી ગયા હોય.
કોઈએ અમીતના દરવાજે દસ્તક લીધા! આંખ લૂછી અમીતે બારણું ખોલ્યું સામેજ પોતાની કોલેજના પ્રિન્સીપાલ અને દૈનિકના ફોટોગ્રાફર અને જર્નાલિસ્ટને જોતાં, સંદેહીએ તેમને આવકાર આપી, પિતા સાથે સૌનો પરિચય કરાવ્યો. મિ. અમીત હું સંદેહીને પ્રશ્ર્ન કરૂં તે પહેલા તમને એક પ્રશ્ર્ન કરૂં? તમારી દીકરી યુનિવર્સિટીમાં પ્રથમ નંબર ઉપર બિરાજી છે. તે માટે કોને યશ આપો છો? જર્નાલિસ્ટે પ્રશ્ર્ન કર્યો
સંદેહીની મમ્મીને! મારી પત્ની સુજાતાને અમીતે ઉત્તર આપ્યો.
‘અને મીસ સંદેહી ત…મે?’ મારા પિતા વિના હું કંઈ જ નથી. છીપમાં મોતી જન્મે જરૂર, પરંતુ આખરે છીપ કોના સહારા જન્મે છે? સાગરના જ ને? તોે પપ્પા તમે તો મારા સાગર છો! સંદેહીએ પિતાનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું અને પ્રશ્ર્નો ઉઠયા અને ફોટાઓ લેવાયા અને પોતાની ફરજ પૂર્ણ કરી સૌ છૂટા પડયા!
‘પપ્પા મમ્મીને તમે આટલું સન્માન આપો છો. તો પછી મને પાંચ વર્ષની છોડીને મમ્મી કેમ છૂટી પડી ગઈ? સંદેહીએ પ્રશ્ર્ન કર્યો. અમીતે એક નિસાસો નાખ્યો કદાચ દીકરીને સત્યનો સામનો કરાવવાનો સમય હવે પાકી ગયો છે. વર્ષોથી વજ્રની અણી ઉપર ટેકવી રાખેલી એ ગોઝારી ઘટના, દીકરી સમક્ષ પ્રગટ કરવી જ જોઈએ… અમીત કંઈક કહેવાની હિંમત એકઠી કરતો હતો. ત્યાંજ સંદેહીનો મોબાઈલ રણકયો, એ બહેનપણી સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ થોડીવારે રસોડામાં આવી બોલી, ‘પપ્પા, અમે બધી સખીઓ કોલેજમાં ભેગી થવાની છીએ. હું સાંજે આવીશ. તમારો બનાવેલો નાસ્તો સાથે લઈ જાઉં છું. બધા ભેગા મળી ખાઈશું. ઓ..કે..? પપ્પા બા..ય. કહી એ બહાર નીકળી ગઈ.
અમીત બિછાનામાં આડો પડયો. રાત્રે એક વાગ્યા સુધી પાઉભાજીની લારી ચલાવતો અમીત દરરોજ સંદેહી બહાર નીકળે પછી ઉંઘી જાય અને સાંજે ચાર વાગ્યે ઉઠી તૈયારીઓ કરે અને રાત્રે લારી ઉપર પાવભાજી વેચે. અમીતે અથાગ પ્રયત્નો કર્યા પરંતુ સુજાતા સાથે થયેલ લગ્નવિચ્છેદની ઘટના એની આંખોની બહાર હટી શકી નહીં! અમીતે પડખું ફેરવ્યું. વિચારોના વજ્રાઘાત થવા લાગ્યા. શું હતો મારો વાંક? એનાથી બોલી પડાયું. તે વખતે અમીતના સુજાતા સાથે નવા નવા લગ્ન થયા હતા. અમીત સરકારના જાહેર બાંધકામ ખાતામાં પટાવાળાની નોકરી કરતો હતો. અમીતના સાહેબ લાંચની રકમ અમીત મારફતે ઉઘરાવતા હતા. બદલામાં અમીતને એમના તરફથી નાની મોટી રકમ બક્ષિસમાં મળ્યા કરતી હતી. અમીત જાણતો હતો કે પોતાનો થોડા પગારથી તે સુજાતાને સુખ નહીં આપી શકે. એટલે એની પાસે કોઈ માર્ગ હતો નહીં. વળી, સરકારી બાબુઓની ઈચ્છા વિરૂધ્ધ વર્તન કરનાર પટાવાળાને ચપટીમાં મસળી નાખવામાં આવે છે. એ વાતની અમીતને જાણ હતી. છ વર્ષ સુધી બધુ ઠીક ચાલ્યું હતું પરંતુ પાપ અલ્પજીવી હોય છે!
એક દિવસ એન્ટી-કરપ્શન ડિપાર્ટમેન્ટના છટકામાં અમીત સપડાયો હતો. અમીતના સાહેબ ટૂર ઉપર હતા. તેથી લાંચની રકમ સાથે અમીત પકડાઈ ગયો હતો. સાહેબ પોતાને બચાવશે એવી આશા ઠગારી નીવડતાં અમીત બન્ને બાજુથી ફસાયો હતો! અમીત ઉપર લાંચ-રૂશ્વત ધારા હેઠળ કામ ચાલ્યું હતું એક વર્ષ જેલવાસ ભોગવી એ જ્યારે ઘરે પરત આવ્યો ત્યારે સુજાતા પોતાના વકીલની હાજરીમાં છૂટાછેડાની નોટિસ લઈ તૈયાર હતી અમીતે નોટિસ ઉપર સહી કરી આપી! ‘પાપી પિતાનું પાપી લોહી તને મુબારક અમીત!
હું એકલી જ જાઉં છું. મારા ઉપર તમારા બન્નેની યાદોનો એકેય પડછાયો નથી જોઈતો. આ ઘટના બની ત્યારે સંદેહી પાંચ વર્ષની હતી. અમીતે સંદેહીનો ઉછેર માટે આજીવિકાનું સાધન જોઈતું હતું. અશિક્ષિત અમીત પાસે કોઈ જ માર્ગ ન હતો. દીકરીના ભાવિને સવારવાના સપના સાર્થક કરવા હતા. એણે આખરે પાઉંભાજી વેચવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં માત્રે તે ચારસો પાંચસો રૂપિયા કમાતો પરંતુ સચ્ચાઈ, નેકી અને સત્યના માર્ગ ઉપર ચાલતાં એનો ધંધો સારો ચાલવો લાગ્યોે હતો. ધીમે ધીમે દરરોજના દસ પંદર હજાર રૂપિયાની આવક થવા લાગી હતી.
દીકરી સંદેહીની પ્રત્યેક ઈચ્છાઓ એણે સંતોષી હતી આધુનિક વસ્ત્રો, સુંદર ટુ વ્હીલર, પંદર વીસ તોલા સોનાના દાગીના નામચીન શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષણ..બધું જ એણે કાળજીપૂર્વક આયોજન કરી પાર પાડી એક આદર્શ પિતા બની રહેવાની કોશિશ કરી હતી! અસત્યના કાંટાળા માર્ગે દોડતાં દોડતાં વાગેલી ઠેસથી જખ્મી બનેલા અમીતના જીવનમાં પ્રલોભનો પારાવાર આવ્યા હતા. પરંતુ છોડેલા અધર્મને એણે સાથે દેવાની સ્વપ્નેય કોશિશ કરી ન હતી! અમીતને પાંચેક વર્ષ જૂનો એક પ્રસંગ યાદ આવ્યો. રાત્રિના દસેક વાગ્યા હતા. અમીતની પાઉંભાજીની લારી ઉપર ગિરદી ઓછી થવા લાગી હતી એક સેન્ટ્રોકાર એની લારી પાસે આવી ઉભી રહી હતી. તેમાંથી ઉતરેલી એક સ્ત્રી અમીત પાસે આવી બોલી… ‘સો રૂપિયાની પાઉંભાજી પેક કરી આપો.’ અમીત ઓર્ડર પ્રમાણે પાઉંભાજી તૈયાર કરતો હતો એ દરમિયાન પેલી સ્ત્રી પોતાની પર્સ લારી ઉપર છોડી મોબાઈલ ઉપર કોઈ સાથે વાત કરવા થોડી દૂર ગઈ હતી. અમીતે ઓર્ડર પ્રમાણેનું પાર્સલ પેલી સ્ત્રીની કારમાં બેઠેલા અન્ય કોઈને આપી સો રૂપિયા લઈ પોતાના અન્ય ગ્રાહકોને તેમની જરૂરિયાત પ્રમાણે પાઉંભાજી આપવાનું શરૂ કર્યુ હતું.
આ દરમિયાન પેલી સ્ત્રી કયારે ચાલી ગઈ હતી તેનું એને ભાન રહ્યું ન હતું. પેલી સ્ત્રી પોતાની પર્સ લારી ઉપર જ ભૂલી ગઈ હતી. અમીતના ધ્યાનમાં આ વાત આવતાંજ એણે પેલી પર્સ લારીમાં સલામત સ્થળે મૂકી દીધી હતી. બીજા દિવસે પેલી સ્ત્રી ફરીથી અમીત પાસે આવી રડમસ અવાજે બોલી હતી. ‘ભાઈ ગઈ કાલે હું મારી પર્સ કયાંક ભૂલી ગઈ હતી. જયાં જ્યાં ગઈ હતી ત્યાં બધે પૂછી આવી. શુ તમારી લારી ઉપર?’
‘હા મેડમ લો, આ રહી તમારી અમાનત! ‘ભાઈ, આ પર્સમાં દસ તોલાની સોનાની લગડી હતી. તમને એનું કોઈ પ્રલોભન જ ન લાગ્યું? ‘મેડમ મે તમારી પર્સની અંદર નજર પણ કરી નહોતી! હું તો મારા અંતર આત્માની ભીતર જ જોતો રહ્યો હતો કે હું તમને કેવી રીતે મળું અને કયારે તમારી અમાનત પરત કરૂં.
અમીત વધુ કંઈક વિચારે તે પહેલા જ સંદેહી ઘરમાં પ્રેવશી. ‘પપ્પા આવો બહાર જુઓ કોણ આવ્યું છે? ‘અરે આમ મને ખેંચે છે શું? કોણ આવ્યું છે?’ કહી અમીત દીકરી સાથે સીટીંગ રૂમમાં આવ્યો.
પપ્પા આ ઉન્માદ છે! હું અને ઉન્માદ લગ્ન કરવા માગીએ છે. ઉન્માદના પિતા શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડર છે. ઉન્માદની મમ્મી નેહા અમારી કોલેજમાં પ્રોફેસર છે. એ લોકો બહાર કારમાં બેઠાં છે. તમે એમને મળશો? સંદેહી બોલી, ‘બેટી એમને ખબર છે ખરી કે હું એક સામાન્ય પાઉંભાજી વેચતો ફેરિયો છું? અમીત બોલ્યો. ‘હા પપ્પા! બધું જ ખબર છે, એમને અ..ને…હા! મમ્મી તો તમને ઓળખે પણ છે. તે પહેલા જ ડેડી અને મમ્મી નેહા એ બન્ને પાસે આવ્યા. અમીત નેહાને ટીકી ટીકી જોઈ રહ્યો. મેડમ ત…મે. નેહાની પહેચાન સ્પષ્ટ થતાં એ બોલ્યો. હા ભાઈ! હું! તમે તે દિવસે મારી પર્સ પરત કરી જે ઋણ મારા ઉપર ચઢાવ્યું હતું તેને કયાં શબ્દોમાં વર્ણવું એ સમજાતું નથી ખેર બધુ વિગતે વાતો પછી કરીશું. હાલ તો અમે આ તમારી દીકરીની ચોરી કરવા આવ્યા છીએ! અને ચોરીપણ કેવી છે? માલિકની હાજરીમાં માલિકને ચેતવીને ચોરી કરી જવી! અ…ને સૌ ખડખડાટ હસી પડયા. પવનની એક લહેર આવી દીવાલ ઉપર ટાંગેલી સુજાતાની તસવીર ઉપર કપડાંનો ટુકડો ઉડીને પડયો. જાણે સુજાતાને આ દિવ્ય મિલન જોવાની અટકાયત કરવા જ આ લહેર જન્મી નહીં હોય?!!
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025