શિરીન

તે બેટો પોતાની નજર નીચે જમીન પર રાખી, પોતાના હાથની અદબવાળી કશું જ બોલી શકયો નહીં કે ફરી તે માતાએજ ઝનુનથી બોલવા માંડ્યું.

‘દીકરાના આવા બાદશાહી મહેલ કરતા મારા ગરીબડા ધણીની ઝુપડીમાં હું ઘણી સુખી હતી, કારણ ત્યાં માન ને ઈજ્જત હતા.’

ને પછી તે માતા વધુ બોલી શકીજ નહીં. એકદમ હાર્ટમાં દુખાવો થઈ આવી તેવણની છાતી ધમણ મિસાલ હાંફવા લાગી કે તે બેટાએ કાળજીથી તેવણને પલંગ પર લેટાડી મોટા ડોકટરને ગભરાઈને ફોન કરવા દોડી ગયો.

થોડીક વારમાં જ તે મોટો ડોકટર આવી પુગો. પછીથી તપાસી તેને ફરી પાછું પોતાનું મોહ કુમલાવી દીધું.

‘મી. ફ્રેઝર, ઘણોજ સખત પાછો હાર્ટએટેક થઈ આયોછ, ને બનતાં સુધી એવણને શાંત રાખવાની કોશિશ કરજો, નહીં તો કેસ સિરિયસ થઈ જશે.’

તેટલામાં ઝરી જુહાકે ઉશ્કેરાટથી કહી સંભળાવ્યું

‘ડોકટર, હું કાલે મારે ગામ જનાર હોવાથી મને સાથે કંઈ ગોલી ગોલા આપી રાખજો કે દુખાવો જો મુસાફરી વેળા થઈ આવે તો તરત ગાડીમાં લઈ લેવું.’

‘તમારી હાલત જરાકબી મુસાફરીને લાયક છેજ નહીં, મિસિસ ફ્રેઝર.’

તે મોટા ફિઝિશિયને કપાળનો ચીલ્લો ચઢાવતાં જણાવી નાખ્યું કે ફિરોઝ ફ્રેઝરે તેને બાજુમાં લઈ જઈ સમજાવી દીધું.

‘ડોકટર, ચોકકસ કારણસર મંમા ઘણા એકસાઈટ થઈ ગયા છ.’

‘તો મિ. ફ્રેઝર એવણને પાછાં સમજાવી લેવાની કોશેષ કરજો, નહીં તો એવણની જિંદગી જોખમમાં આવી જશે.’

પછી તે મોટા ડોકટરે કંઈ ચોકકસ ઈન્જેકશન આપી, વરી પાછા કંઈ દવા ચીતરી કાઢી તે મોટી ફીનું એનવલપ પોતાનાં ગજવામાં મૂકી, થોડીક સુચનાઓ શિરીન વોર્ડનને આપી, ત્યાંથી વિદાય થઈ ગયો, પણ તે છતાં ઝરી જુહાકનો ગુસ્સો હજુ ઉતરેલો નહીં હોવાથી તેવણે બોલવાનું ચાલુ જ રાખ્યું.

‘ધણીના ગયા પછી ગરીબાઈ વેઠી, હલ્લા ઘસી, સીવીને દીકરાને પોસ્યો ને કેળવ્યો ને હવે આજે એજ છોકરો પોતાની માયને ઘેરમાંથી બહાર કાઢવા તૈયાર થયોછ.

‘મંમા હું કહાં તમોને જવા કહેવુંછ, પ્લીઝ…પ્લીઝ મંમા, જરા શાંત પડો. હું મારે હાથે પપ્પાની છબી એની જગા પર પાછી લટકાવી દેવશ. હું તમોને તેને માટે વચન આપુછ, પણ મારે ખાતર પ્લીઝ એટલા શાંત થાવ.’ પછી તે બેટો પોતાની માતાના પલંગ આગળ ગુથણ માંડી ને એક બાળક મિસાલ રડી પડયો કે એ દેખાવ જોતાં શિરીન વોર્ડનનું જીગર ચુંથાઈ પીખઈ ગયું.

કેવું તેણીને મન થઈ આયું કે પોતાનાં હાથોમાં તે વહાલાને પકડી તેને સધ્યારો આપી શકે!

પણ અફસોસ કે તેમ કરવા તેણી હવે કશો હક ધરાવતી હતી કયાં જે? હવે તો તે આખો મોલી કામાનો હતો.

 (ક્રમશ)

About અરના હોમી પેસીના

Leave a Reply

*