અતિથિ દેવો ભવ:

અતિથિ દેવો ભવ: એટલે અતિથિ દેવ સમાન છે, આપણે ત્યાં આવે તો આપણે તેને દેવ સમાન ગણી તેનો સત્કાર કરી તેની આગતાસ્વાગતા કરવી, પણ કેટલાકના મતાનુસાર અતિથિ એટલે અ-તિથિ અર્થાત ગમે તે તિથિએ વારે ગમે તે સમયે આપણે ત્યાં કોઈ મહેમાન આવી ચડે તે…

આજથી ઘણાં વર્ષો પહેલાં મે એક વાર્તા વાચી હતી જેના લેખકનું નામ કે શિર્ષક યાદ નથી પરંતુ તેનો ભાવાર્થ મને યાદ છે એટલે એ લેખકની માફી ચાહીને અતિથિ વિશેની વાર્તા હું મારી રીતે, મારી શૈલીમાં અન્ય પાત્રાલેખન કરી તમારી સમક્ષ રજૂઆત કરવાનો ઉભરો રોકી શકતો નથી.

નંદા નામે એક નગર હતું જેના નગરશેઠ નામે નગીનચંદ હતા જેઓ મહેમાનને દેવ જેવા ગણી પોતાની હવેલીમાં માનપાન, સુખસગવડ સાથે રાખતા આથી એમની હવેલી હમેશા મહેમાનોથી ઉભરાતી. નગરમાં એક ગેસ્ટ હાઉસ પણ હતું ત્યાં કોઈ ઉતરતું નહી અને મોટે ભાગે ખાલી રહેતું.

યથાકાળ નગીનચંદ શેઠ સ્વર્ગસ્થ થયા અને તેમને સ્થાને તેમનો મોટો પુત્ર નવીનચંદ નગરશેઠ બન્યો. બાપુજીનું બારમું વિત્યા બાદ ઘરના સદસ્યો સિવાયના બીજા બધાને રવાના કરી વરંડા પર એક પાટિયું મૂકી તેની પર મોટા અક્ષરે ચિતરાવ્યું ‘જે કોઈ આ હવેલીમાં મહેમાન તરીકે આવશે તેને જતી વખતે સાત ખાસડાં ખાવાં પડશે. આ વાંચી નગરજનોએ તેને ‘લાયક બાપનો નાલાયક બેટો’ ‘ઓધ્ધો મલવાથી છકી ગયેલો’ નાદાન, બેવકૂફ જેવાં વિશેષણોથી નવાજ્યાં પણ તેની કોઈ અસર નવીનચંદ પર પડી નહીં પણ બધા મહેમાનો આવતા અટકી ગયા.

હવે ગુલાબચંદના ગેસ્ટ હાઉસમાં ગુલ ખીલ્યા. જ્યાં ચકલું પણ ફરકતું ન હતું ત્યાં પેસેન્જરોથી ગેસ્ટહાઉસ ઉભરાવા લાગ્યું. એક દિવસ નગીનચંદના સમયના એક અતિથિ આવી ચડયા જેમણે પાટિયા પરની સૂચના વાંચી મનોમન કહ્યું કે હું નવીનિયાને સારી પેઠે ઓળખું છું. એ મજાકિયો છે એટલે આવું પાટિવું માર્યુ. કોઈ અતિથિને ખાસડાં મારતું હશે? બે દિવસ હવેલીમાં રહ્યા પછી જવા નીકળ્યા ત્યારે નવીનચંદે તેમને રોકી, પોતાની પાસે બોલાવી ડાબા હાથે તેમની પાઘડી કાઢી  જમણા હાથે ખાંસડા વડે સટાક સટાક સાત ફટકાં મારી દીધા તેઓ હવેલીની બહાર નીકળ્યા ત્યારે બહાર ઉભેલા તેમનું ડાચું જોઈ અંદર શું બન્યું હશે તે સમજી ગયા.

સમય સરકતો રહ્યો. એક દિવસ સુરતના સોદાગર સુરચંદ શેઠ જેમણે નંદા નગરના વેપારી જોડે સિત્તેર હજારનો સોદો કર્યો હતો તે આવી ચઢયા નવીનચંદની હવેલીની બહારનું પાટિયું વાંચી તેઓ ગુલાબચંદના ગેસ્ટહાઉસમાં ઉપડયા. ગુલાબચંદે કહ્યું મારૂં ગેસ્ટહાઉસ હાઉસફુલ છે માટે સાત ખાસડાં ખાઈ નવીનચંદને ત્યાં રહેવા જાવ. સોદાગરે વિચાર્યુ કે સીત્તેરનો સોદો ગુમાવવા કરતાં સાત ખાસડાં ખાવાં વધારે લાભદાયક છે અને ઘણા સમય પછી નવીનચંદની હવેલીમાં એક પરોણો દાખલ થયો.

સુરચંદ શેઠે પોતાનું કામ બે દિવસમાં પતાવી પાછા હવેલીમાં જઈ પહેલા ઘરની સ્ત્રીઓને કહ્યું કે મારે લીધે તમો બહેનોને રસોઈ બનાવવાની તકલીફ પડી તે બદલ માફ કરશો અને રસોઈયાની પણ માફી માગી. બધાને નાની મોટી ભેટ આપી અને બાળકોને મીઠાઈથી મો મીઠું કરાવી ખુશ કર્યા. ત્યારબાદ સામે ચાલીને નગરશેઠ આગળ જઈ પોતાની પાઘડી ઉતારી કહ્યું કે ‘લો! શેઠ ખાસડાં મારો પણ સુરચંદ શેઠની અજાયબી વચ્ચે ખાસડાં મારવાને બદલે નવીનચંદે તેમના હાથમાંથી પાઘડી લઈ તેમને પાછી પહેરાવી કહ્યું કે ‘તમો અતિથ દેવો ભવ: બનીને આવ્યા છો, ખાસડાં ખાઉ મહેમાન બનીને નથી આવ્યો. ‘યજમાનજી (હોસ્ટ) આપ શું કહો છો તે મને સમજ પડતી નથી. નવીનચંદે પોતાની હૈયાવરાળ ઠાલવતા સ્પષ્ટીકરણ કરતા કહ્યું બાપુજીના સમયમાં મહેમાનો ગમે તે સમયે અને ગમે ત્યાંથી આવી ચડતા આથી અમારી ઉંઘ બગડતી. કેટલાક અગિયાર વાગ્યે ઘરની બહાર જતા ત્યારે કહેતા કે બાર વાગ્યે આવી જઈશું પણ આરામથી એક વાગ્યે આવતા અને જ્યારે તેઓને કહેતા ‘ચાલો! જમવાં ત્યારે નફફટાઈથી કહેતા ‘ના! હું મારા મિત્રને ત્યાં જમી આવ્યો’ બાપુજીનો કડક નિયમ કે બધા મહેમાન આવી જાય પછી સાથે જ ઘરનાએ જમવાનું આથી અમારે એક દોઢ વાગ્યા સુધી ફોગટના ભૂખ્યા રહેવું પડતું. અભ્યાસ કરવાનો તો મને સમય અને જગ્યા મળે જ નહીં એટલે નવમાં ધોરણમાં નાપાસ થયો. બાપુજીએ ‘સાવ ડફોળ છે’ કહી શાળામાંથી ઉઠાડી લઈ મહેમાનોની સેવામાં લગાડી કીધો. પોતાનં કપડાં અને વસ્તુઓ વેરવિખેર કરી ઘરને અસ્તવ્યસ્ત કરી નાખતા.

જતી વખતે અમારાં કપડાં કે વસ્તુ પણ ભૂલથી(!) પોતાના થેલામાં ઘાલી લઈ જતા પણ જો પોતાની નાનામાં નાની અને નજીવી વસ્તુ પણ ભૂલી ગયા હોય તો પોસ્ટકાર્ડ આવી ચડતો અમે આ વસ્તુ ભૂલી ગયા છીએ તે પાર્સલથી મોકલી આપજો અને તેનો ખર્ચ પણ અમારે ભોગવવો પડતો કહેવત છે ને કે ઘરના છોકરા ઘંટી ચાટેને પરોણાને આટો ભાવે તેવી હાલત અમારી હતી.

‘આપ અતિથિ મહાશયે અમને અન્ય મહેમાનોની જેમ કોઈ પણ પ્રકારનું કષ્ટ આપ્યું નથી, એક આદર્શ અતિથિની જેમ મહેમાન તરીકે રહ્યા તમે ખાસડાને નહીં પણ આદરસ્તકારને લાયક છો, એટલું કહી નવીનચંદ નગરશેઠે સુરચંદ શેઠને મઘમઘતા મોગરાની માળા પહેરાવી સુરચંદ શેઠ હવેલીની બહાર નીકળ્યા ત્યારે કેટલાક નવરા નગરજનો સુરચંદ શેઠનો તમાશો જોવા બહાર ઉભેલા હતા તેમાંથી એક જન બોલી ઉઠયો ‘કેમ! સાત ખાસડાં ખાઈને….’ પણ તેમના ગળામાં માળા અને હસતો ચહેરો જોઈ બધા આશ્ર્ચર્યચકિત થઈ મૂંગામંતર બની ગયા અને સુરચંદ શેઠ ખિસ્સામાં સિત્તેર હજાર ઘાલી સુરત તરફ રવાના થઈ ગયા.

‘અતિથિ દેવો ભવ:’ બનીને રહેવું કે ‘ખાસડાખાઉં’ બનીને રહેવું એનો આધાર આપણા વર્તન અને વાણી પર રહે છે.

About ધનજીશા રતનશા કાટપીટીઆ

Leave a Reply

*