શ્રીમોટા આ યુગના એક મહાન સંત થઇ ગયા. શ્રીમોટા કોઈને જાણ ન થાય એ રીતે પોતાની સાધના કરતાં હતા.
તે આમ તો હરિજન સેવાનું કામ પણ કરતાં હતા. એમાં જરાયે કચાશ આવવા દેતા ન હતા. દર વરસે એક મહિનો શ્રીમોટા રજા લેતા. શ્રીમોટા કોઈ એકાંત સ્થળે એકલા જતા. ત્યાં ગુરુ મહારાજના આદેશ પ્રમાણે સાધના કરતાં. મોટાનો પુરુષાર્થ ભારે. અગવડભર્યા નિર્જન સ્થળે સાધના કરવાનું તેમણે ખૂબ ગમતું. જબલપુર પાસે નર્મદા નદી પર ધૂંવાધાર નામની જગ્યા છે. એક વાર શ્રીમોટા ત્યાં સાધના કરવા જવા નીકળ્યા. ગાડીમાં તેમનું ખીસું કપાયું! સાથેની બધી રકમ જતી રહી! હવે શું થાય? મોટાને મારગ સૂઝી આવ્યો. તે જબલપુરના ગુજરાતી વેપારીને ત્યાં ગયા. ખીસું કપાયાની વાત કરી. પછી મોટાએ વિનયપૂર્વક વિનંતી કરી કે શેઠજી, મારે આટલી રકમ મેળવવા થોડા દિવસ નોકરી કરવી પડશે. કંઈ કામકાજ હોય તો આપવા કૃપા કરો. હું મહેનત-મજૂરીનું કામ પણ કરવા તૈયાર છું.
વેપારીએ કહ્યું: મારી પાસે એવું કામ હાલ તુરતમાં નથી. પણ હા, તમે ઘરકામ કરવા તૈયાર છો? વાસણ માંજવાં પડશે, કપડાં ધોવા પડશે.બોલો, આવું બધું ઘરકામ તમને ફાવશે? તૈયારી હોય, તો કહો.
મોટા તરત ઉત્સાહથી બોલ્યા: આવું બધું કામ કરવું મને ગમે, હું ખુશીથી કરીશ.
શેઠે રાજી થઇ ઘેર ખબર આપી: આપણને નવો નોકર મળી ગયો છે. હું એને ઘેર મોકલાવું છું. એને કામ સોંપજો. કેવું કામ કરે છે એ જોજો. ઠીક લાગે તો રાખીશું.
મોટાને શેઠે ઘેર મોકલ્યા. શેઠાણીએ ઢગલો વાસણ માંજવાં આપી દીધાં. નાનપણમાં શ્રીમોટાએ આવું કામ કરેલું હતું. એટલે વાસણ કેમ સારા માંજીને સાફ કરવાં, એ તેમને આવડતું હતું. મોટાએ ઝડપભેર વાસણો માંજી નાખ્યાં. ધોઈને સૂરજના તાપમાં સૂકવવા મૂકી દીધાં. ચોકડી બરોબર સાફ કરી નાખી. વાસણ સરસ મંજાયાં હતાં. તાપમાં ચમકી રહ્યાં હતાં. શેઠાણીએ દૂરથી વાસણ જોયાં. એ જોઈને તે રાજી રાજી થઇ ગયાં.
શેઠાણી બોલી ઊઠ્યાં: વાહ, સરસ નોકર મળી ગયો! પછી મોટાને ગાંસડો ભરીને કપડાં ધોવા શેઠાણીએ આપ્યાં.
મોટાને કપડાં ધોતા પણ સરસ આવડતું હતું. મોટાએ કપડાંને ત્રણ વિભાગમાં છૂટાં પાડ્યાં. સૌથી ઓછા મેલાં, જરા વધારે મેલાં અને સૌથી વધારે મેલાં. સાબુના પાણીમાં એ બધાં જુદાં જુદાં બાફ્યાં. પછી સૌથી ઓછા મેલાં કપડાં પહેલાં ધોયાં. ત્યાર પછી જરા વધારે મેલાં કપડાં ધોયાં. છેવટ ખૂબ જ મેલાં કપડાં ઘસી ચોળીને બરાબર ધોયાં. બધા કપડાં સરસ ધોઈ-નિચોવીને તડકામાં સૂકવવા નાખ્યાં. બગલાની પાંખ જેવાં ચોખ્ખાં કપડાં જોઈને શેઠાણી બહુ રાજી થયાં.
શેઠ બપોરે ઘેર જમવા આવ્યા. શેઠાણીએ નોકરનાં ખૂબ વખાણ કરતાં કહ્યું: આવો હાથનો ચોખ્ખો નોકર જિંદગીમાં પહેલી વાર જ જોયો! શું એનું કામ છે! રાતે જમી-પરવારીને, વાસણ માંજીને, ચોકડી ધોઈને મોટા પરવાર્યા. એટલે પથારી કરવાનો વખત થયો. દરેક પથારી એવી સરસ રીતે પાથરી કે જોનાર રાજી રાજી થઇ જાય. પથારી પરની ચાદર બરાબર ખેંચીને પાથરી. ક્યાંય જરાય કરચલી ન દેખાય. રાતે થોડો સમય મળે. તે વખતે મોટા ઘરના બાળકોને ભેગાં કરે. રામાયણ, મહાભારતની વાતો કહે. બાળકો પણ આનંદ પામે.
રાતે બધા સૂઈ જતાં. એટલે મોટા પથારીમાં નામ-સ્મરણ કરવા મંડી પડે. હરિનું સ્મરણ કરતા કરતા મોટા ઊંઘી જતાં. આખો દિવસ દિલ દઈને કામ કર્યું હતું. એટલે એક જ ઊંઘમાં સવાર પડી જાય. પાછા મોટા ઘરકામમાં જોડાઈ જાય. થોડા દિવસમાં મોટાને જોઈતી રકમ થઇ ગઈ. મોટા શેઠની રજા લેવા ગયા. મોટાનું આવું સુઘડ અને ચોખ્ખું કામ જોઈને શેઠને થતું હતું. આ માણસ સામાન્ય ગરીબ મજૂર લાગતો નથી. પૈસાની ભીડને લીધે જ આવું કામ ખુશીથી કરવા તૈયાર થયો હશે. એ પુરુષાર્થી જીવ લાગે છે. કોઈની આગળ લાચારીથી હાથ ધરવા તૈયાર નથી. એટલે શેઠે મોટાને કહ્યું, ભાઈ, તમે નોકર માણસ લાગતા નથી. તમે આવ્યા ત્યારથી તમારૂં કામ અમે જોતાં આવ્યાં છીએ. નોકર માણસને આટલી બધી સૂઝ-સમજ સામાન્ય રીતે ન હોય. તમે મને પેટ છૂટી વાત કરો. જેથી મને સમજ પડે. મોટાએ નમ્ર ભાવે બધી વાત કરી. એ સાંભળીને શેઠને થયું, અરેરે, આવા ભગત માણસ પાસે બધું ઘરકામ કરાવ્યું!
પ્રભુભજનના થોડા દિવસ બગાડ્યા! પછી શ્રીમોટા શેઠશેઠાણીની રજા લઇ ધૂંવાધાર જવા નીકળી પડ્યા.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024