‘શું જી?’
અજાયબી પામતાં તે બાલાએ પૂછી દીધું કે ઝરી જુહાકનાં નેનજ ફરી ગયા.
‘લે તું ને નથી ખબર કે પેલા ધોધ જોવા જવાની કંઈ પાર્ટી ઉભી કીધીછ તે હું તો સમજી કે પરણ્યા પછી હવે સુધરશે, તેને બદલે પાટી ને પાર્ટી ચાલુ જ છે હજી.’
‘જી, તેની તો હજી વાત ચાલેછ ને..ને..’
પછી શિરીન ફ્રેઝરને ચકકર આવી જવાથી તેણી આગળ બોલી શકીજ નહીં ને એક ખુરસી પર લપેટા ખાઈ તેણી બેસી પડી કે ઝરી જુહાકે તેણીને બારીકીથી નીહાળતાં તરત પૂછી દીધું.
‘શિરીન, કંઈ સારી વધઈ છે?’
‘હા, મંમા’ તેણીએ શરમઈને તે વિગત જણાવી નાંખી કે ઝરી જુહાકે ફરી એક બેરીસ્ટરની અદાથી તે પોરીને સવાલો પુછવા માંડયા.
‘ને ફિરોઝ જાણે છ?’
‘નહીંજી, પણ…પણ આજે રાતે કહેવસ.’
‘મરે તેથી જ દુકતાએ આંય ધોધ જોવાની પાર્ટી ઉભી કીધી. જો શિરીન, હવે જ તું ને ઘણું સંભાળવાનું તેથી તંઈ હુલરઈ કરીને જતી બતી ના. મુવા વરસાદના દિવસની અંદર આપણે ઠેકાણે ઠેકાણે પાણીનાં ધોધ નહીં જોતાં હોઈએ તેમ વળી દુકતો બીજો ધોધ જોવા લઈ જાયછ.’
શિરીનનાં ત્યાંથી વિદાય થયા પછી પણ ઘણોક વાર ઝરી જુહાકનાં ભેજામાં એનો એજ ખ્યાલ ભમ્યા કીધો કે એ પાર્ટીને કેમ કરી માંદવાલ કરવી?
કરકસરમાંજ પોતાનું આખું જીવન ગુજારેલું હોવાથી તેવણને પોતાના દીકરાનાં લખલુત ખરચો મુદ્દલ પસંદ આવતા નહી ને તેથી જ હાલમાં ફિરોઝ ફ્રેઝર ‘સુવાસમુડ્રમ ફોલ્સ’ની ઉભી કીધેલી પાર્ટી તરફ તે માતાએ સખત અણગમો બતાવી દીધો.
ને પછી તરત જ તેમણે તે ચાન્સ મળી ગયો. અનુતન હમેશ મુજબ જ્યારે ગાડીની ચાવી લેવા આયો કે રખે હુલર જેવો દુકતો બધું નકકી કરી નાખે તે બીકથી તેવણે તે વાત છેડી. ‘અનતુન, તું શેઠ આગળ ગાડી લઈને જાયછ?’
‘હા બાઈજી.’
‘તો તારા શેઠને કહેજે કે મોટાં બાઈએ કહેવાડયુંછ કે હાલમાં શેઠાણીની તબિયત મુસાફરીને લાયક નહી હોવાથી ધોધ જોવાની પાર્ટી ઉભી નહીં કરી નાખે સમજ્યો?’
‘વારૂં બાઈજી.’
પોતાની ટોપીને બે આંગળી લગાડી રાતો મારી આવી અનતુન ત્યાંથી વિદાય થઈ ગયો કે ઝરી જુહાકે પણ છુટકારાનો દમ ભરી લીધો.
મોડી સાંજ પડતા જ્યારે ફિરોઝ ફ્રેઝર પોતાની મીટીંગ પૂરી કરી પાછો આયો, ત્યારે તે મીઠી ધણીયાણી હમેશ મુજબ હરખથી તેણીને ભેટવા દોડી ગઈ.
તેણીને પોતાના હાથોમાં ઝીલી લેતાં તે ચેરિઝ જેવા હાથો પર વહાલથી એક કીસ આપતા તે ધણીએ કાળજી કરી પૂછી લીધું.
કેમ છે, ડાર્લિંગ?’
‘ફિલ મને કંઈ… કંઈ ન્યુસ કહેવાની છે.’
ઓશકથી પોતાનો મુખડો પોતાનાં વહાલાના કોટમાં છુપાવતાં તેણી બોલી પડી કે તે જવાને રમૂજ પામી કહી દીધું.
‘મને તે ન્યુસની ખબર પડીછ, શિરીન.’
‘ઓ એમ?’
‘હા ડાર્લિંગ, ને એક ધણીને તે ન્યુસ પોતાની વાઈફ તરફથી જાણવાનો પહેલો હક છે, ખરૂંની શિરીન?’
‘સો સોરી, ફિલ, પણ…પણ આજે તો હું તમોને કહેવાનીજ હતી, તેટલા મંમા તરફથી તમોએ જાણ્યું.’
‘મંમા તરફથી જાણતે તો પણ હું એટલું માઈન્ડ નહીં કરતે, પણ આં તો મને અનતુને કહ્યું.’
‘ઓ ફિલ.’
એ સાંભળતાં ફકત બેજ બોલ અજાયબી સાથ તે કોમલ મુખડામાંથી નીકળી પડયા કે તે ધણીએ તેણીને વહાલથી કહી સંભળાવ્યું.
(વધુ આવતા અંકે)
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025