જવાન બેજન, ગુર્ગીનનાં વર્ણનથી લલચાયો અને ત્યાં જવા નીકળ્યો. ભૂંડોના શિકારમાં બેજને મેળવેલી ફત્તેહથી ગુર્ગીન તેની તરફ જરા અદેખો થયો હતો. તેથી તેના મનમાં બેજનને હેરાન કરવાનીજ મતલબ હતી. બેજનની મતલબ મલી હતી. જ્યારે પેલી સુંદર જગ્યાવાળા જંગલમાં તેઓ આવ્યા. ત્યારે ગુર્ગીને તેની ખુબસુરતીનું વર્ણન પાછું કર્યુ. બેજન બોલ્યો કે ‘હું આગળ જાઉં કે તુરાનીઓની રાહરસમ કેવી છે.’ પછી તેણે ખાસ સુંદર પોશાક પહેર્યો અને જરજવાહેર તથા તાજ પેહરી, પાદશાહી શીંગારના ઘોડા પર સવાર થઈ મનીજેહના મકાન તરફ ગયો. ત્યાં આવી આફતાબના તડકાથી એક ઝાડની નીચે આશરો લીધો. એવામાં મનીજેહ ફરતી ફરતી ત્યાં આવી અને બેજનને જોઈ તેણીની મહોબત તેના પર દોડી. તેણીએ પોતાના એવાનમાં જઈ પોતાની દાસીને બેજન આગળ મોકલી. તેણીએ કહ્યું કે ‘જા, જઈને જો કે પેલા ઝાડની નીચે પેલો ખુબસુરત જવાન કોણ છે? તે જાણે સીઆવક્ષ પાછો જન્મ્યો હોય તેવો છે, યા પરી હોય તેવો દિસે છે, તેને પુછ કે તું શા કાજે અહીં આવ્યો છે? તુંને અહીં કોણ લાવ્યું છે? તું પરીજાદો છે યા તું સીઆવક્ષ છે? તું મરદ છે યા પરી છે?’ પેલી દાસી બેજન આગળ ગઈ અને મનીજેહનો પેગામ કહ્યો. બેજને જવાબ દીધો કે ‘હું નથી સીઆવક્ષ કે નથી પરીજાદ. હું ઈરાનથી આવ્યો છું. હું ભૂંડોનો નાશ કરવા આવ્યો છું. હું ઈરાન ભણી પાછો ફરવાને બદલે અફ્રાસીઆબની બેટીનો ખુબસુરત ચહેરો જોવાની ઉમેદમાં અત્રે આવ્યો છું. જો તું મને તે ખુબસુરત બાનુ આગળ લઈ જશે તો હું તુંને ઘણી ભેટ સોગાદ આપીશ.’ પેલી દાસી મનીજેહ આગળ ગઈ અને બેજનની ખુબસુરતીની તારીફ કીધી. મનીજેહ તે ઉપરથી બેજનને તેડી લાવવા તે દાસીને મોકલી અને તે દાસી પાછી જઈને બેજનને તેડી લાવી.
બેજન, મનીજેહના તંબુમાં આવ્યો. તેણીએ તેને સારો આવકાર દીધો, અને તેની ખબરઅંતર પુછી અને ખાતરદારી કીધી. ત્રણ દિવસ સુધી એમ મનીજેહે બેજનની ખાતરદારી કીધી. જ્યારે ત્રણ દિવસ પછી બેજન જવા નીકળ્યો, ત્યારે મનીજેહે દાસીઓને કહીને શરાબ મંગાવ્યો અને કેફદાર શરાબ તેને પાઈ બેહોશ કરી રાતને વખતે તેને ઉઠાવીને છુપાછુપ પોતાના મહેલમાં લઈ ગઈ. ત્યાં તેને બીદાર કીધો અને ત્યાં આવવા માટે કાંઈ અંદેશો નહીં કરવા કહ્યું અને દિલાસો દઈ તેને ઘણી ખુશી ખુરમીમા પોતાના મહેલમાં રાખ્યો. કેટલાક દિવસ પછી અફ્રાસીઆબના ભાઈ કસરવજને ખબર પડી કે મનીજેહે મહેલમાં કોઈ બીજાના ધણીને છુપાવ્યો છે. તે શા કાજે તુરાન તરફ આવ્યો હતો તે ખબર જાણતાં કસરેવજ અફ્રાસીઆબ આગળ દોડયો અને તેને સઘળી હકીકતથી વાકેફ કર્યો. અફ્રાસીઆબ ઘણો ગુસ્સો થયો અને બોલ્યો કે ‘જેને ત્યાં છકોરી હોય તે જો કે તાજ ધરાવતો હોય તો પણ કમનસીબ ગણાય.’ પછી તેણે કસરેવજને ફરમાવ્યું કે ‘સવારોની સાથે તું મહેલમાં જા, તેના બારણાંઓ બંધ કર અને તેમાં આવેલા બેગાના શખ્સને અહીં પકડી લાવ.’
કસરેવજ અફ્રાસીઆબનો હુકમ સાંભળી, મનીજેહના મહેલ ભણી સવારો સાથે ગયો. તેણે મહેલના દરવાજા બંધ જોયા, અને અંદર રંગરાગ ચાલતો હતો, તેના અવાજ સાંભળ્યા, તેણે દરવાજા ભાંગ્યા અને અંદર દાખલ થયો. બેજન ખુશીગુરમીમાં મશગુલ હતો. તેના તન પર કાંઈ પણ હથિયાર નહીં હતા, સિવાય એક ખંજર કે જે તે હમેશા પોતા સાથ રાખતો હતો. તે ખંજર ખેંચી તેણે પોતાનું નામનિશાન કસરેવજને જાહેર કીધું અને કહ્યું કે ‘જો તું લડવા માંગતો હોય તો હું લડવા અને તુરાનીઓનાં સર કાપવા તૈયાર છું. જો તું મને તુરાની પાદશાહ આગળ લઈ જાય, તો હું તને સઘળી હકીકત કહુ અને તું તેને સમજાવજે કે તે મારૂં ખૂન નહીં રેડે.’ જ્યારે કસરેવજે તેને એ પ્રમાણે ખંજર સાથ તૈયાર જોયો, ત્યારે સોગંદ ખાઈ તેની તરફ ઈમાનદાર થવા જણાવ્યું અને તેને શિખામણ દેવા લાગ્યો. પછી વચન આપી તેનું ખંજર તેણે મેલાવી દીધું. અને મીઠાશથી તેને બંદમાં લીધો. અને પછી તેના હાથપગ બાંધી લીધા અને તે બેજનને અફ્રાસીઆબ આગળ લઈ ગયો.
(ક્રમશ)
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025