શાહનામાની સુંદરીઓ: બેજનની બાનુ મનીજેહ

બામદાદે મરઘાના પોકાર સાથે સઘળાઓ તૈયાર થયા, અને તુરાન ભળી કુચ કરવા માંડી. કુચ કરતા કરતા જ્યારે તુરાનની સરહદ ઉપર આવ્યા ત્યારે રૂસ્તમે સઘળા પહેલવાનોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે “તમે હવે અહીં ભો. તમો સાંભળો, કે હું મર્યો ગયો છું, ત્યાં સુધી ધિરજ રાખી અહીંજ રેહજો. જરૂર પડે તો લડવા માટે તમો હમેશાં તૈયાર રહેજો.”

રૂસ્તમ અને તેની સાથેના થોડાક વફાદાર પહેલવાનો, વેપારીઓનો પોષાક પહેરી, તુરાનની સરહદમાં એક વેપારી વણજાર તરીકે દાખલ થયા. પોતાની સાથે તેઓએ આંઠ ઘોડા – તેમાં રૂસ્તમનો રક્ષ અને બીજા સાથીઓના ઘોડા-રાખ્યા, અને દશ ઉંટ જરજવાહીરનાં અને બીજા 100 ઉંટ પોષાકના રાખ્યા. એમ તૈયાર થઈ તેહમુરસની કરનાએના અવાજ સાથે તેઓ આગળ ચાલ્યા અને જંગલ તેઓની કુચથી હલમલી રહ્યો. રૂસ્તમની એ વેપારી વણજાર કુચ કરતી કરતી ખોટનના મુલકમાં આવી પહોંચી. તે મુલકમાં અફાસીઆબનો વજીર પીરાન રહેતો હતો. પીરાન શહેર બાહર ગયલો હતો. તે પાછો આવે છે એવી જ્યારે રૂસ્તમને ખબર પડી ત્યારે તેણે કેટલીક ભેટસોગાદ તૈયાર કરાવી અને તે પોતાના નોકરોને માથે આપી પોતે હરોલમાં ચાલતો પીરાન માટે ભેટ લઈ ગયો. રૂસ્તમે પીરાનને સલામ કીધી અને તેની ઉપર દુઆ કીધી. પીરાને  રૂસ્તમને તેના વેપારી લેબાશમાં પિછાન્યો નહિ, અને બોલ્યો કે “તું કોણ છે? અને ક્યાંથી આવ્યો છે? અને શા કાજે આવ્યો છે?” રૂસ્તમે જવાબ કીધો કે “હુ તારો એક બંદો છું. ખુદાતાલાએ મારૂ દાણા પાણી તારાં શહેરમાં કર્યું છે. હું ઈરાનથી તુરાન ભળી લાંબી કુચ કરતો વેપાર અર્થે આવ્યો છું. મારો ધંધો વેચ લે કરવાનો છે.” પછી રૂસ્તમે પોતા સાથે લીધેલી કેટલીક ભેટ સોગાદ અને થોડાક આરબી ઘોડા પીરાન આગળ ભેટ દાખલ રજુ કીધા.

પીરાન આ ભેટ જોઈ ખુશી થયો અને રૂસ્તમનો ઉપકાર માન્યો અને કહ્યું કે “તું મારાં શહેરમાં રહે અને બેફિકર તારો વેપાર ચલાવ. તારા માલને કોઈ હાની ના પહોંચાડે તે માટે ચોકીબાનો વગેરેની હું ગોઠવણ કરીશ. ગમે તો તું મારા મેહેલમાંજ રહે.” રૂસ્તમે પોતે મેહલ બહારજ જુદો રહેવાની પરવાનગી માંગી અને એક જગ્યા લઈ ત્યાં પોતાની વેપારી વખાર ઉઘાડી. શહેરમાં અને આજુબાજુનાં ગામોમાં ઈરાનથી એક મોટો વેપારી આવવાની અને તેણે પોતાની પેહડી ઉઘાડવાની વાત ખબર પડી અને ગામે-ગામથી બીજા વેપારીઓ અને લોકો રૂસ્તમની વખારે વેપારની ચીજો ખરીદવા આવવા લાગ્યા. ગામેગામ આ નવા વેપારીની વાત ફેલાઈ.

હવે મનીજેહનાં સાંભળવાનાં પણ એ વાત આવી કે ઈરાન દેશ તરફથી એક મોટો વેપારી પોતાની વણજાર સાથે આવી ખોટનના શહેરમાં રહ્યો છે. તે ખબર સાંભળી તેણી રડતી આંખે તથા ઉઘાડે માથે રૂસ્તમ આગળ આવી. તેણીએ વિચાર કર્યો કે  “એ ઈરાનીઓને મારા બેજનના ઉંડા ગારમાં કેદ પડવા વિશેની કાંઈ ખબર છે કે નહિ, તે જઈને હું તેઓને પુછું અને તેઓથી વાકેફ થાઉં કે બેજન વિષેની ઈરાનની શાહને અને ઈરાનના સરદારોને કાંઈ ખબર મળી છે યા નહિ?” એવા વિચારથી તેણી રૂસ્તમ વેપારી આગળ આવી અને સલામ કરીને બેજન બાબે ઈરાનીઓને કાંઈ ખબર છે કે નહિ તે પુછ્યું.

રૂસ્તમ એક વેપારીને વેશે તુરાનમાં આવ્યો હતો, તે આજ મતલબથી, કે તે ગુપચુપ પત્તો મેળવે, કે બેજન બંદમાં ક્યાં પડ્યો છે. તેની આ કુનેહ ફાવી, અને તેેને મનીજેહથી તેનો પત્તો મલ્યો. પણ પોતાની યુક્તિ નિષ્ફળ ન જાય તેથી તેણે આ બાબત સાથે પોતાને કાંઈ લાગતુંવળગતું નહિ હોય, એમ દેખાડ્યું; અને પોતે ગુસ્સે થયો હોય તેમ મનીજેહને કહ્યું કે “મારી આગળથી જા. હું કાંઈ ગોદ્રેજ કે ગેવને ઓળખતો નથી, મારૂ માથું ના ખા.” આ શબ્દો સાંભળી મનીજેહ આંખમાંથી આંસુ રેડવા લાગી, અને રડતી આંખે બોલી કે “ઓ ડાહ્યા આદમી! આવો ઠંડો જવાબ દેવો, શું તને છાજે છે? જો હું જે પુછું, તેનો જવાબ નહિ દેવો હોય તો ફિકર નહિ, પણ એમ મને પોતા આગળથી હાંકી મેલવી નહિ જોઈએ. આ ગમથી મારૂં દિલ ફાટ ફાટ થાય છે. શું ઈરાનમાં આ રિવાજ છે કે ગરીબો કાંઈ પુછે તો ખબર કહેવી નહિ?” રૂસ્તમ બોલ્યો, કે ‘હું મારા વેપારના કામમાં પડ્યો છું, તેથી તારા સવાલોથી મને કંટાળો ઉપજ્યો, જે શહેરમાં પાદશાહ કએખુશરૂ રહે છે ત્યાં હું રહેતો નથી અને હું ગેવ અને ગોદ્રેજને ઓળખતો નથી.” પછી રૂસ્તમે ફરમાવ્યું કે તે ગરીબ બાઈને કાંઈ ખાવાનું આપે; અને મનીજેહને પુછ્યું કે “તું શા કામે ઈરાનની અને ઈરાનના પહેલવાનોની ખબર પુછે છે?” મનીજેહે જવાબ દીધો કે “હું બેજનનું બંદીખાનું છોડી તારી આગળ આવી, કે તારાથી ગેવ અને ગોદ્રેજની કાંઈ ખબર મેળવું; પણ તેં તો કોઈ જંગના મેદાનમાં બુમ પાડે, તેમ મારી સામે બુમ પાડી છે. તને શું ખોદાનો પણ ડર લાગતો નથી? હું પાદશાહ અફાસીઆબની બેટી મનીજેહ છું. મને આફતાબે વટીક કોઈ વખતે આવી હાલતે નથી દીઠી. પણ રડતિ આંખે, તુટેલા દિલે, ફિક્કા ચેહરાએ હું એક રોટલીના ટુકડા માટે ટવળતી બારણે બારણે રખડું છું. ખોદાએ મારે માટે હાલ એવું સરજ્યું છે. કમનસીબ બેજન ઉંડા ગારમાં પડ્યો છે. ત્યાં તે દિવસ અને રાતને એકમેકથી પિછાણી શકતો નથી.

(ક્રમશ)

About ડો. સર જીવનજી જમશેદજી મોદી

Leave a Reply

*