શાહનામાની સુંદરીઓ: બેજનની બાનુ મનીજેહ

જંજીરમાં સીકડાઈને પડેલો તે રાત દહાડો આવાં દુ:ખ કરતાં મોત માંગે છે. મારૂં દિલ તેની આ હાલતથી બહુ દુ:ખી થાય છે. માટે જો તું ઈરાન જાય તો કેશવાદના છોકરા ગોદ્રેજને એ હકીકત કહેજે. જો શાહ કએખુશરૂની દરબારમાં તું ગેવ અથવા રૂસ્તમને જોય તો તેઓને બેજનની હકીકત કહેજે, અને જણાવજે કે જો તેને છોડવવામાં ઢીલ થશે તો તે મરી જશે. જોં તમો તેેને જીવતો જોવા માંગતા હો તો વખત ખોવાનું કામ નથી.”

આ સાભળી રૂસ્તમ બોલ્યો કે “તું તારા બાપ આગળ બીજા મોટા માણસોને વચમાં કેમ નાખતી નથી? જો તારા બાપના ગુસ્સાથી મને બીહવાનું નહિ હતે, તો હું તને હાલ ઘણીક ચીજો આપતે.” એમ કહી, તેણે બાબરચીઓને ફરમાવ્યું, કે જે ખાણું તૈયાર હોય તે હાજર કરે, તે ખાણામાંથી એક ભુંજેલી મરઘી તેણે લીધી, અને તેની આજુબાજુ એગ નાન વિટાળ્યું, અને પછી મનીજેહ જોય નહિ તેમ છુપી રીતે, તે મરઘીના પેટમાં પોતાની એક વિંટી ખોસી દીધી. તે પછી મનીજેહને કહ્યું કે “આ લઈ બેજન જે ગારમાં બંધ પડ્યો છે તે તરફ જા અને તેને એ ખાણું આપ.”

મનીજેહ આ ખાણું લઈ દોડતી બેજનના બંધીખાનાના ગાર આગળ ગઈ અને તે ખાણું તે ગારમાં નીચે બેજન આગળ ઉતાર્યું. બેજને તે લઈને અંદરથી પોકાર માર્યો કે “ઓ મારી મેહરબાન બાનું! આ ખાણું તું ક્યાંથી લાવી? તું મારે કાજે રાત દહાડો કેટલી બધી રંજ ખેંચે છે!” મનીજેહ ઉપરથી જવાબ કીધો કે “એક ભલો ઈરાની વેપારી વેપાર અર્થે આવ્યો છે, અને તેણે અહીં પડોશનાં શેહરમાં વણજાર સાથે પડાવ નાંખી પોતાનો વેપાર ખુલ્યો છે. તેણે મને એ ખાણું આપ્યું છે અને કહ્યું છે કે જો બીજું જોઈએ તા લઈ જવું.”

આ સખુનો સાંભળી ચિંતા અને ફિકર વચ્ચે બેજને તે ખાણું ખાવા માંડ્યું. ખાતા તેને પેલી મરઘીમાં ખોસેલી વિંટી મળી. તેણે તપાસીને જોયું; તે તેની ઉપર રૂસ્તમનું નામ હતું. તે બહુ ખુશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે હવે તેના દુ:ખના દહાડા અંતે તમામ થવા આવ્યા છે. ખુશીમાં ને ખુશીમાં તેને હસવું આવ્યું અને આ તેનો હસવાનો અવાજ મનીજેહને ઉપર સંભળાયો. તેણી અજબ થઈ ગભરાવા લાગી કે એમ તો દીવાના આદમીએ પોતાના કામથી હસે.

આથી તેણીએ બેજનને સાદ મારી પુછ્યું કે, “ઓ નેકબખ્ત! તું જે આ ઉંડા ગારમાં બંદ પડ્યો છે, કે જ્યાં તને  રાત કે દહાડો માલુમ પડે નહિ તે શા કાજે એમ હસે છે? શું તારો શીહા દહાડો કાંઈ રોશન થયો છે?” બેજને અંદરથી જવાબ દીધો કે “હા, મારૂં નસીબ ફરે એવું દેખાય છે. માટે જો તું સોગંદ લે, કે જેહું તને કહું તે તું કોઈને કહે નહિ, તો હું તને સઘળી હકીકત જણાવું. કારણ કે ઓરતજાતની જબાનને જો સીવી હોય તો પણ તે બંધ રહે નહિ.” મનીજેહ અફસોસ કરવા લાગી કે “બેજન માટે મેં આટલું દુ:ખ ખમ્યું છે, તે છતાં તે મારે માટે શક રાખે છે!”

(ક્રમશ)

About ડો. સર જીવનજી જમશેદજી મોદી

Leave a Reply

*