ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

ઝોબીદા જે ખલીફ તથા ફકીરોની વચ્ચે બેઠેલી હતી તે ત્યાંથી ઉઠી અને હેલકરી આગળ ગઈ અને ઘણીજ ગંભીરાઈથી હાય મારી બોલી કે ‘અમને અમારી ફરજ છે તેમ કરવું જોઈએ છે.’ તે પછી તેણીએ પોતાના હાથની કોણી સુધી પોતાની બાંહે ઉંચે કીધી અને સફીયએ તેણીને જે ચાબુક આપ્યો હતો તે ઉઠાવ્યો અને હેલકરીને કહ્યું કે ‘એક કુતરાને મારી બહેને અમીના આગળ લઈ જા અને બીજાને મારી પાસે લાવ.’ તે હેલકરીને જેમ ફરમાવ્યું તેમ તેણે કીધું અને તેની આગળ એક કુતરો તે લાવ્યો.
ઝોબીદા આગળ આવતાને વાર તે બુમ મારી ભોંસવા લાગ્યો અને તેની તરફ ઘણીજ કાકલુદી ભરેલી નજરથી જોવા લાગ્યો પણ તેણીએ તેની બુમ પર અથવા તેના દુ:ખ ભરેલા દેખાવ પર કાંઈ પણ લક્ષ આપ્યું નહીં અને જ્યાં સુધી પોતાના હાથમાં જોર હતું ત્યાં સુધી તે કુતરાને તેણીએ ચાબુક વતે માર્યો અને જ્યારે પોતે ઘણીજ હાંફવા લાગી ત્યારે તેણીએ પોતાના હાથમાંથી ચાબુક ફેંકી દીધો ત્યારપછી તે સાકળ હેલકરીના હાથમાંથી લઈને તે કુતરાના આગલા પગ પોતાના હાથમાં લઈ તેને ઉંચકયો અને તેઓ બન્ને યાને ઝોબીદા તથા તે કુતરો એકબીજા તરફ ઘણીજ ઉદાસીથી જોવા લાગ્યા અને રડીને પોતાના આંસુ એકબીજા સાથે મેળવ્યા. ત્યારપછી ઝોબીદાએ પોતાનો રૂમાલ બહાર કાઢયો અને કુતરાની આંખમાંથી આંસુ લુછયા અને તે પર બોસ્સા કીધા ત્યારપછી તે સાંકળ પેલા હેલકરીના હાથમાં પછી આપી અને તેણીએ તેને ફરમાવ્યું કે ‘જે જગ્યા પરથી તેને લાવ્યો હતો ત્યાં તેને પાછો લઈ જા અને બીજા કુતરાને મારી આગળ લાવ.
જે કુતરાને માર માર્યો હતો તેને પેલો હેલકરી કોટડીમાં પાછો લઈ ગયો અને તેને ત્યાં મેલી પાછો ફર્યો ત્યારે અમીના હાથ માહેલો કુતરો તેણે પોતાના હાથમાં લીધો અને તેને ઝોબીદા આગઈ લઈ ગયો. જે પ્રમાણે પહેલા કુતરાને ચાબુક માર માર્યો તો તેજ પ્રમાણે બીજાનો પણ હાલ કીધો અને તેને માર મારયા પછી તેના આગલા પગો ઉચકી એકબીજાની આંખો મેળવી આંસુ પાડી અને રૂમાલથી આંસુ લુછી ઝોબીદાએ તે હેલકરીને હવાલે કીધો અને તે હેલકરીએ અમીનાને તે પાછો આપ્યો અને તેણીએ તે કોટડીમાં તે બીજા કુતરાને બંધ કીધો.
પેલા ત્રણ ફકીરો ખલીફ તથા તેના સોગાતીઓ આ કૌતક જોઈ ઘણાજ અજબ થયા. ઝોબીદાએ પહેલા તે કુતરાઓને ફટકાવી કાઢયા ત્યારપછી તેઓની સાથે રડી તેઆના તથા તેણીના આંસુ પોતાના રૂમાલથી લુછયા તથા તેઓની આંખો પર બોસ્સા કીધા, એ કૌતકનો ભેદ તેઓ સમજી શકયા નહીં. વળી મુસલમાન લોકાના કાયદા પ્રમાણે કુતરાને નજીસ પ્રાણી ગણવામાં આવ્યા છતા ઝોબીદાએ તેમને બોસ્સા દીધા ને કામ દીઠાથી તેઓનું દિલ ઘણુજ કચવાયું તે મેજબાનો પોત પોતામાં આ દેખાવ વિશે વાતો કરવા લાગ્યા અને આ કૌતકને ખલીફને ઘણુંજ અચરતભરેલું લગ્યું તેથી તેનો સબબ જાણવાને તે ઘણોજ ઈંતેજાર હતો. તે બાબે પુછપરછ કરવા માટે પોતાના વજીરને તેણે ઈસારત કીધી પણ તે અમલદારે પોતાનું મોઢું બીજી તરફ ફેરવ્યું. પણ ખલીફે જ્યારે તેને ઘણોજ કંટાળો આપવા માંડયો ત્યારે તેણે ઘણીજ નમનતાઈથી પેલી ત્રણ બાનુઓ નહીં સાંભળે તેમ નામદાર ખલીફને જણાવ્યું ‘તમારી મરજી પ્રમાણે પુછપરછ કરવાનો હિંગામ હજુર આવ્યો નથી.’
(ક્રમશ)

Leave a Reply

*